________________
ભગવાન મહાવીરનાં જીવન અને કવન વિષે પાશ્ચાત્ય તેમજ પૌર્વાત્ય ભાષામાં સંખ્યાબંધ વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો લખાયા છે, લખાઇ રહ્યા છે અને હજુ પણ લખાશે. આનું પ્રધાન કારણ એ છે કે એમના ભવ્ય જીવને જગતની પ્રજાને વર્ષોથી પ્રેરણા અર્પી છે અને હજુ પણ આપી રહી છે. ભગવાન મહાવીરે ઉપદેશેલો ‘અહિંસા’નો ભવ્ય આદર્શ જો માનવજાત આજના સંક્ષુબ્ધ અને ભયગ્રસ્ત વાતાવરણમાં ખેલદિલીથી અને શુભનિષ્ઠાથી અપનાવે તો જગતની પ્રજાની અનેક મુશ્કેલીઓ તથા મૂંઝવણો આપોઆપ દૂર થાય. જગતમાં શાંતિનું સામ્રાજ્ય પ્રવર્તે, અણુબોંબ અને હાઇડ્રોજન બોંબ જેવા વિનાશક આયુધોનો ભય ઓછો થાય અને સંસારમાં સહાનુભૂતિ, મૈત્રી, પ્રેમ, ભવ્ય ભાઇચારાની ભાવનાનો ઉત્તરોત્તર ઉદય થાય.
૪૫
જૈન માન્યતાના આધારે શ્રીમહાવીર પાછલા જન્મોના કેટલાક કર્મોને લીધે ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદા બ્રાહ્મણીની કૂખે ઉત્પન્ન થયા. જ્યારે ઇન્દ્રે જાણ્યું ત્યારે તેણે ગર્ભને દેવાનંદાની કૂખેથી ક્ષત્રિયોના વંશમાં કાશ્યપ ગોત્રના ક્ષત્રિયરાજા સિધ્ધાર્થની પત્ની ત્રિશલાની કૂખે બદલવાની યોજના કરી. શ્રીમહાવીરે પાછલા જન્મોમાં કુલાભિમાન કરેલું તેમાંનું અવશેષ કર્મ ભોગવવા, એમને બ્રાહ્મણના ગોત્રમાં જન્મ લેવો પડેલો. ખાસ કરીને જૈન માન્યતા પ્રમાણે, તીર્થંકરો ક્ષત્રિય અથવા એવા ઉચ્ચ કુળમાં જન્મે છે.
ગર્ભાપહરણ એ કંઇ અશક્ય ઘટના નથી. આજના વિજ્ઞાન યુગમાં વૈજ્ઞાનિક ડૉકટરો આજે પણ ગર્ભ પરાવર્તન કરી શકે છે તો અચિંત્ય દૈવિક શક્તિ ધરાવતા દેવોથી શું અશક્ય હોય ખરું? આ અંગે વિશેષ ઉદાહરણ આપવાનું જરૂરી નથી..
પ્રભુના શરીરનું લોહી શ્વેત હતું એ વાત માટે લોકોને તર્ક થાય છે. પણ બુધ્ધિને બીજી બાજુ વળાંક આપીએ તો સમાધાન મળી આવે. શું માનવ શરીરમાં શ્વેત લોહી હોય? હા. સ્ત્રીના શરીરમાં જ્યારે તે પત્ની ઉપરાંત માતૃત્વદશા પ્રાપ્ત કરે છે ત્યારે અર્થાત્ બાળક ગર્ભમાં આવે ત્યારે. જો એક જ જીવ પ્રત્યેના પ્રેમથી લોહી સફેદ થતું હોય તો વિશ્વના પ્રાણી પ્રત્યેના પ્રેમ વાત્સલ્યની ઉષ્મા, ભગવાનના શરીરના સંપૂર્ણ લોહીને શ્વેત કરી નાંખે છે.
ઇશુખ્રિસ્તનો `live & let live' જીવો અને જીવવા દો - નો વિશ્વપ્રસિધ્ધ સિધ્ધાંત અધૂરો ને સ્વાર્થ મૂલક છે. આમાં એકબીજાને મદદરૂપ થવાની વાત નથી. જ્યારે ભગવાન મહાવીર સિધ્ધાંત પૂર્તિ કરતા કહે છે કે જીવો જીવવા દો આની સાથે તમારા જીવનના ભોગે અન્યને જીવાડો અથવા અન્યને જીવંત રાખવા તમે જીવો. આમ દ્વિસૂત્રીને બદલે ત્રિસૂત્રી સિધ્ધાંત બને તો જ સિધ્ધાન્ત સાચો અને સંપૂર્ણ બને અને માનવતાનું તેજ દેખાય.
322