________________
ત્યારે ચક્રવર્તી બેભાન થઈ ગયા અને થોડીવાર પછી ભાનમાં આવ્યા. ત્યારે તેઓ વિલાપ કરવા લાગ્યા ત્યારે મંત્રીએ કથા કહી એ કથા સાંભળી રાજા સ્વસ્થ થયા. સંસારનું સ્વરૂપ જાણ્યું અને સંસાર પ્રત્યે ઉદ્વેગ પેદા થયો. ત્યારે તેનો પૌત્ર ભગીરથ કેવલી ભગવંતને પૂછે છે કે, “હે ભગવંત! મારા પિતા અને કાકાઓ કયા કર્મથી એક સાથે મૃત્યુ પામ્યા?'
કેવલી ભગવંતે કહ્યું, “હે રાજપુત્ર! એક સંઘ તીર્થયાત્રાએ નીકળ્યો હતો. તેણે એક ગામમાં એક કુંભારના ઘરની પાસે પડાવ નાખ્યો. તે વખતે ગામના બધા લોકોએ સંઘને લુંટવાનું નક્કી કર્યું, પરંતુ કુંભારની દરમ્યાનગીરીથી ગામના લોકોએ સંઘને લૂટ્યો નહિ.'
એક દિવસ ત્યાંના રાજાએ “આ મારું આખું ગામ ચોર છે.” એમ વિચારી આખુંને આખું ગામ સળગાવી દીધું. તે વખતે પુણ્યયોગે કુંભાર બીજે ગામ ગયો હોવાથી તે બચી ગયો.
પછી આયુષ્ય પૂર્ણ થયે તે કુંભાર મરીને વિરાટ દેશમાં વણિક થયો અને ગામના બધા લોકો તે જ વિરાટ દેશમાં વસતા મનુષ્યો થયા.
કુંભારનો જીવ ત્યાંથી મરીને તે જ દેશનો રાજા થયો. પછી ત્યાંથી મરીને દેવ થયો. અને ત્યાંથી ચ્યવીને તમે ભગીરથ થયા છો.
તે ગામવાસીઓ સંસારમાં ભમતા ભમતા તમારા પિતા જહુકુમાર વગેરે થયા.
તેઓએ પૂર્વે માત્ર મન વડે સંઘને લુંટવાની ઇચ્છા કરી હતી, તે પાપકર્મનો ટાઇમ બોંબ ફૂટવાથી એક સાથે ભસ્મીભૂત થયા છે.
કેવલી ભગવંતની વાણી સાંભળી ભગીરથને સંસાર ઉપરથી વૈરાગ્ય થયો. પરંતુ સગર ચક્રવર્તીને વધુ ખેદ ન થાય એવી ભાવનાથી તેમણે દીક્ષા ન લીધી. પાછા ફરી દાદા સગર ચક્રવર્તીને સઘળી વાત કરી. એ સાંભળી સગર ચક્રવર્તીનો વૈરાગ્ય વધુ દઢ થયો. અને તેમણે દીક્ષા લીધી.
તપ, ધ્યાન, સ્વાધ્યાય, વિનય અને સંયમમાં સદા મસ્ત એવા સગર મુનિએ તે જ ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
નિર્વાણ સમય નજીક આવતા શ્રી અજિતનાથ સ્વામીએ સમેતશિખર ઉપર હજાર મુનિઓ સહિત અનશન સ્વીકાર્યું, ચૈત્ર સુદ પાંચમના દિવસે પ્રભુ નિર્વાણ પામ્યા. સાથે કેવલી સગર મુનિએ પણ કેવલી સમુદ્ઘાત કરીને ક્ષણવારમાં અનુપદી જેમ મોક્ષ પદ પ્રાપ્ત કર્યું.
253