________________
શ્રેણિક રાજાએ પણ યુદ્ધ કરવાની તૈયારી કરી લીધી હતી. સેના સુસજ્જિત થઈ ગઈ. યુદ્ધની તૈયારી જોઇને તેનો પુત્ર અભયકુમાર પિતાજી પાસે આવ્યો અને કહ્યુંમહારાજ! હમણા આપ યુદ્ધ કરવાની આજ્ઞા ન દેતા હું કંઇક એવો ઉપાય કરીશ કે “સાપ પણ મરે નહિ અને લાકડી પણ ભાંગે નહિ.” અર્થાત્ મારા માસા ચંદ્રપ્રદ્યતન સ્વયં ભાગી જશે અને આપણી સેના પણ નષ્ટ નહિ થાય. રાજા શ્રેણિકને પોતાના પુત્ર પર વિશ્વાસ હતો તેથી તેમણે અભયકુમારની વાત માન્ય રાખી. આ બાજુ રાત્રિના જ અભયકુમાર પુષ્કળ ધન લઈને નગરમાંથી બહાર ગયો અને ચંદ્રપ્રદ્યોતને
જ્યાં પડાવ નાંખ્યો હતો તેની પાછળની ભૂમિમાં એક ઊંડો ખાડો ખોદીને તેમા બધું ધન દાટી દીધું. ત્યાર પછી તે રાજા ચંદ્રપ્રદ્યોતનની પાસે ગયો. ત્યાં જઈને તેણે કહ્યુંમાસા! આપ અને મારા પિતાજી બન્ને મારા માટે આદરણીય છો એટલે હું આપના હિતની એક વાત કરવા ઇચ્છું . આપ ધોકામા રહી જાય એવું હું ઈચ્છતો નથી. રાજા ચંદ્રપ્રદ્યોતને ઉત્સુકતાથી પૂછ્યું-વત્સ! મને કોણ ધોખામાં નાંખશે? તું શીધ્ર બતાવ. અભયકુમારે કહ્યું મારા પિતાજીએ આપના શ્રેષ્ઠ સેનાધિપતિઓ અને અધિકારીઓને લાંચ(રૂશ્વત) આપી પોતાના વશમાં કરી લીધા છે. તેઓ પ્રાત:કાળ થતાં જ આપને બંદી બનાવીને પિતાજીની પાસે લઈ જશે. જો આપને વિશ્વાસ ન આવે તો તેઓની પાસે આવેલું ધન આપના પડાવની બાજુના ભાગમાં જ દાટેલું છે. જો આપને જોવું હોય તો દેખાડું? આમ કહીને અભયકુમાર ચંદ્રપ્રદ્યોતનને પોતાની સાથે લઈ ગયો અને પોતે દાટેલું ધન ખોદીને તેને દેખાડ્યું. એ જોઈને રાજાને વિશ્વાસ આવી ગયો અને તે શીઘ્રતાથી રાતોરાત ઘોડા પર બેસીને ઉજ્જયિની તરફ પાછો ફર્યો.
પ્રાતઃકાળ થતાં જ જ્યારે સેનાધિપતિ અને મુખ્યાધિકારીઓને આ વાતની જાણ થઈ કે રાજા ભાગીને ત્યાંથી ઉજ્જયિની ચાલ્યા ગયા ત્યારે તેઓને આશ્ચર્ય થયું કે રાજા શા માટે ચાલ્યા ગયા હશે? “નાયક વિના સેના લડી ન શકે' વર વગરની જાનની જેમ સેના ત્યાં શું કરે. તેઓ બધું સમેટીને ઉજ્જયિની આવી ગયા. ત્યાં આવ્યા પછી તેઓ જ્યારે રાજાને મળવા ગયા ત્યારે રાજાએ કહ્યું - મને ધોખામાં નાખનાર એ બધાને હું મળવા માંગતો નથી. બહુ જ પ્રાર્થના કરવા પર અને દયનીયતા પ્રદર્શિત કરવા પર રાજા તેઓને મળ્યા. તમો તેની લાલચમાં શા માટે લપેટાયા ? રાજાએ તેઓને ખૂબ જ ઠપકો દીધો. બિચારા પદાધિકારીઓ આશ્ચર્યમાં પડી ગયા. લાંચ કેવી ને વાત કેવી. આપણે કાંઈ જાણતા નથી. અંતમાં વિનમ્રભાવે એક સેવકે કહ્યું-દેવ! વર્ષોથી અમે આપનું નમક ખાઈએ છીએ. ભલા અમે આપની સાથે આવી જાતનું છળ કરી શકીએ ખરા? આ ચાલબાજી અભયકુમારની જ છે. તેણે જ આપણને ધોખો આપ્યો છે. તેણે જ આપને ભૂલ ભૂલવણીમાં નાંખીને તેના પિતાનું અને રાજ્યનું રક્ષણ કર્યું છે.
130.