SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આ વ્યાખ્યા સાહિત્યમાં આચાર્ય દ્વિતીય ભદ્રબાહુ, જિનભદ્રગણિ, આચાર્ય જિનદાસ મહત્તર, આચાર્ય હરિભદ્રજી, આચાર્ય શીલાંકસૂરિ વગેરે વ્યાખ્યાકારોનો ફાળો અગત્યનો છે. આગમેતર સાહિત્ય જૈનધર્મનું મૂળ સાહિત્ય તો અર્ધમાગધી, પ્રાકૃતમાં મળે છે. પરંતુ વીર સંવત ૧ થી ૩૦૦ સુધીમાં પ્રાકૃત સાહિત્ય ઉપરાંત સંસ્કૃત સાહિત્યની શરૂઆત જૈનોના હાથે થયેલી જણાય છે. સિદ્ધસેન દિવાકરે ‘ન્યાયાવતાર' નામના તર્ક પ્રકરણની સંસ્કૃતમાં રચના કરી છે. આચાર્ય હરિભદ્રસૂરિએ (વિ.સં. ૭૫૭/૮૨૭) સંબોધ પ્રકરણ અને ષટ્કર્શન સમુચ્ચય સંસ્કૃતમાં લખ્યાં છે. સંસ્કૃત સાહિત્યનો ખરો ઉત્કર્ષ તો જૈનોના હાથે સોલંકી વંશના (વિ.સં. ૧૦૦૧ થી ૧૨૩૦) સમયમાં થયેલો જણાય છે. ધનપાલે ભોજરાજાને જૈન તત્ત્વજ્ઞાન જાણવાની ઈચ્છા થતાં ‘તિલક મંજરી’ જેવી અદ્વિતીય અને અદ્ભુત લલિત સાહિત્યની રચના કરી. પરન્તુ આ બધામાં અગ્રસ્થાન ભોગવતા આચાર્ય હેમચંદ્રાચાર્યનો ફાળો વિશેષ છે. તેમની કૃતિઓ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ અને ‘હ્રયાશ્રય’ સંસ્કૃતમાં છે. આ સમયમાં પણ પ્રાકૃતમાં ગ્રંથો લખાતા હતા. હેમચંદ્રાચાર્યનું ‘કુમારપાલ ચરિત્ર' પ્રાકૃતમાં રચાયેલું છે. જૈનસાહિત્ય અપભ્રંશ ભાષામાં પણ લખાયું છે. ‘અપભ્રંશ’ પ્રાકૃત અને પ્રાચીન ગુજરાતી આદિ ભાષાઓની વચ્ચે કડીરૂપે છે. અપભ્રંશ સાહિત્યનો વિકાસ પાંચમી સદીથી અગિયારમી સદી સુધી જણાય છે. ‘હરિવંશપુરાણ’ અને ‘પઉમચરિય' સ્વયંભૂદેવે રચ્યાં છે. અને તેના પુત્ર ત્રિભુવન સ્વયંભૂએ પૂરાં કર્યાં. મહાકવિ ધવલે ૧૮૦૦૦ શ્લોકમાં ‘હરિવંશપુરાણ’ રચ્યું. ‘ભવિસયત કહા' ધનપાલે દસમી સદીમાં રચી. જયદેવ ગણિ કૃત ‘ભાવના સંધિ’ પણ આ જ સમયમાં રચાઈ. દક્ષિણ હિંદમાં જ્યાં દિગંબરોનું પ્રભુત્વ હતું ત્યાં પણ તામિલ, કન્નડ ભાષામાં શરૂઆતનું સાહિત્ય જૈનોને હાથે જ લખાયેલું છે. પંપ, પોન્ના, અને રાણા નામના વિદ્વાનો દસમી સદીમાં થઈ ગયા. પંપે આદિપુરાણ નામનો ગ્રંથ લખ્યો હતો. તેમ જ વિક્રમાર્જુનવિજય ગ્રંથમાં મહાભારતની કથા વર્ણવી છે. તેવી જ રીતે પોન્ના અને રાણાએ તીર્થંકર શાંતિનાથ અને તીર્થંકર અજીતનાથની કથા વર્ણવતા ગ્રંથો લખ્યા હતા. નયસેન નામના જૈન વિદ્વાને જૂની કન્નડ ભાષામાં ધર્મામૃત નામનો ગ્રંથ લખ્યો હતો, જે ચંપૂ શૈલીમાં લખાયેલો એક વાર્તાસંગ્રહ હતો. આજ સમયમાં નાગચંદ્રે કન્નડ ભાષામાં પંપરામાયણ નામનો ગ્રંથ લખ્યો હતો. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં જૈન કવિઓએ આદિનાથ ચરિયું, નેમિનાહ ચરિય વગેરે મહાકાવ્યો તીર્થંકરોના ચારિત્ર નિમિત્તે લખ્યાં છે. તેમ જ ઐતિહાસિક અને પૌરાણિક મહાકાવ્યો પણ આલેખાયા છે. જૈન કવિઓએ ‘જૈન મેઘદૂત' જેવાં સંદેશ કાવ્યની પણ રચના કરી છે. તેમ જ સંસ્કૃત ભાષામાં અનેક ઉત્કૃષ્ટ સ્તોત્રો પણ જોવા મળે છે. જેમ કે ભદ્રબાહુ કૃત ‘ઉવસગ્ગહર સ્તોત્ર’. તેમ જ કુન્દકુન્દ્રાચાર્ય કૃત ‘તિત્શયરસુધ્ધિ’ તથા ‘સિધ્ધભક્તિ’. તો વળી ગદ્ય-પદ્ય મિશ્રિત શૈલીમાં ચમ્પૂ કાવ્ય છે. જૈન કવિઓએ ‘દશ્ય કાવ્ય' અર્થાત્ નાટકોની રચના પણ કરી છે. ‘નલવિલાસ’, ‘રઘુવિલાસ’ જે મુખ્ય છે. આમ કાવ્ય સાહિત્યની વિવિધ શાખાઓમાં વિપુલ રચનાઓ ઈ.સ. ચોથી સદીથી ૧૪મી સદી સુધી થઈ છે.
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy