________________
એ કુંડળ વગેરે મને અપાવો કે જેથી મારાં આભૂષણ સંપૂર્ણ થાય. અહો ! સ્ત્રી જાતિને ગમે તેટલું મળે તો પણ તૃપ્ત થતી નથી એ ખોટું નથી.
પણ નીતિમાન રાજાએ તો અને ઉત્તર આપ્યો કે હે પ્રિયા ! તારી આ માગણી અયુક્ત છે. કારણકે તને જે સર્વથી સુંદર લાગ્યું હતું તે મેં તને પ્રથમથી જ આપ્યું છે; અને નાનાં બાળકોને રમવાના રમકડાં જેવું હતું તે તને પસંદ નહીં પડવાથી મેં તારી બહેનને આપ્યું છે-તેમાંથી એના પ્રારબ્ધના યોગે નિધિની પેઠે આભૂષણો નીકળ્યાં તો તુજ સદ્વિવેકવાળી છે તો કહે શું એ પાછું લઈ લેવું ? આપીને પાછું લેવું એ વમન કરેલું પ્રાશન કરવા તુલ્ય છે. માટે હે ચેટકરાજપુત્રી ! તારે આમ બોલવું અયોગ્ય છે. જો તું જ આમ બોલીશ તો પછી અન્ય સાધારણ સ્ત્રીઓમાં અને તારામાં શું અંતર રહ્યું ? તું એકવાર ઋજુપણે બોલી ચુકી છે તો હવે સમજુ થઈને પુનઃ બોલવું રહેવા દે; કારણ કે હે કોમળાંગી ! અયુક્ત ભાષણ કરનારને હંમેશા શરમાવું પડે છે. એ સાંભળીને તો અતિશય ક્રોધ થવાથી ચેલ્લણા પતિને કહેવા લાગી-આવાં ધૂર્તતાભર્યા વિવિધ ભાષણોથી મૂર્ખ જન જ છેતરાય છે. મને તો એ આભૂષણો જો. તમે નહીં અપાવો તો હું પ્રાણ ત્યાગ કરીશ. કારણકે માનભંગ થયા પછીનું જીવન એ ખરું જીવન નથી. એ સાંભળીને શ્રેણિકરાજાએ કહ્યુંહે માનિની ! કદી પણ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, અથવા રત્નાકર સાગર પોતાની મર્યાદા મૂકે તો પણ હું એ વસ્તુ તને નહીં અપાવું. વળી તારે પણ પ્રાણ કાઢીને સર્વ બંધુજનોના ઉપહાસને પાત્ર થવું એ પણ યોગ્ય નથી. આમ મારા વારતા છતાં તારે ન માનવું હોય તો ભલે દુરાગ્રહી થઈને તારા મનનું ધાર્યું કર.
પોતાના પતિ શ્રેણિક નરપાળનાં આ વચનો સાંભળીને તો ક્રોધાવેશથી હાલતાં પયોધરવાળી એ ચેલ્લણા રાણી સાચે જ મરવા માટે ગવાક્ષ પર ચઢીને નીચે ભૂમિપર પડતું મૂકવાનું કરે છે ત્યાં, એક વેશ્યાની સાથે ગુપ્તા રીતે વાતચીત કરતા એક મહાવત અને હસ્તિપાલક એની દૃષ્ટિએ પડ્યા. એટલે એણે વિચાર્યું–આ લોકો શી ગુપ્ત વાત કરે છે એ હું સંતાઈને સાંભળું. આમ વિચારીને સમાધિસ્થ હોય નહીં એમ નિશ્ચળ રહી સાંભળવા લાગી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)