________________
પણ પાસે ગયો એટલે એમને વ્યાધિગ્રસ્ત જોઈ વિષાદ પામ્યો. લોકો રાહુથી ગ્રસ્ત એવા સૂર્યને જોઈને વિષાદ પામે છે તેમ. આમ એક કાળે જ હર્ષવિષાદથી જેનું મન પૂરાઈ ગયું છે એવો શ્રેણિક શિષ્યની પેઠે ઘણેકાળે ગુરુજનને ચરણે પડ્યો; એટલે રાજાએ પ્રમોદ સહિત તેના મસ્તક પર પોતાનો હસ્ત સ્થાપ્યો, તે જાણે દશમ દ્વાર દ્વારા પોતાના ભુજબળનું તેને (કુમારને) વિષે સંક્રમણ કરાવતો હોય નહીં !
પછી પિતા-પ્રસેનજિત્ રાજાએ પુત્ર-શ્રેણિકકુમાર પ્રત્યે કહ્યું-હે પુત્ર ! ધર્મકાર્યને અર્થે જ હોય નહીં એવી ત્વરાથી તું અહીં આવ્યો એ તેં બહુ યોગ્ય કર્યું; કારણ કે મારે તારાં દર્શન થયાં. હે બધુવત્સલ પુત્ર ! તારો મેળાપ થયો એજ કહી આપે છે કે યામિકની પેઠે મારી પ્રજાનાં ભાગ્ય હજુ જાગ્રત છે. હે પુત્ર ! પરાભવ પામ્યા છતાં પણ ગુરુજન પ્રતિ વિકાર ન જણાવતાં, તું સુશિષ્યની પેઠે ભક્તિમાન રહ્યો એથી તું મારો પુત્ર જણાઈ આવે છે. પુત્રની સ્તુતિ ન કરવી જોઈએ તોપણ હું કરું છું, કારણ કે તારા ઉપર મારી અકૃપા છતાં પણ તે મારી આજ્ઞાને મસ્તક પર ધારણ કરી છે.
ગર્જના કરીને મેઘ રહી જાય તેમ, આ પ્રમાણે ભૂપતિ બોલી રહ્યા પછી, મયૂરની પેઠે શ્રેણિક હર્ષથી ગદ્ગદ કંઠે કહેવા લાગ્યો-હે તાત ! મને વિકાર રહિત ક્યાં ભાળ્યો ? અને મારી ભક્તિ પણ શી દીઠી ? હું તો માનભંગ સમજીને મારી (બાલ-) બુદ્ધિ અનુસાર ક્ષણવારમાં દેશાત્તર જતો રહ્યો. મારે વિષે ગુણનું આરોપણ, એ છીપને વિષે રૂપાના આરોપણ જેવું છે; ગુરુજનનો પ્રબળ પક્ષપાત એજ આમાં કારણભૂત છે. જ્યાં સ્વામિની ઉજ્વળ દષ્ટિ પડે છે ત્યાં ગુણા હોય છે એમ કહે છે એ સત્ય છે, કારણકે એ સ્વયમેવ દેખાય છે, પ્રત્યક્ષ છે.
૧. ગુરુજન (૧) અધ્યાપક (૨) વડીલ. ૨. મસ્તક. યોગના દશ દ્વાર કહ્યાં છે. ૩. પહેરેગીર. ૪. મેઘની ગર્જના પછી મયુરની કેકા, તેમ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)