________________
ચોરને પકડવાને માટે સર્વ તૈયારી કરવા ગયો. પછી રાજાએ પણ નગરજનોને “હવે તમે આકુળતા ત્યજી દઈને ઘેર જાઓ; ચિંતા ન કરશો” એમ કહીને આશ્વાસન આપ્યું; કારણ કે નીતિશાળી પુરુષોનું એજ તાન હોય છે.
પછી કોટવાળ પોતાની સકળસેનાને લઈને નગરની બહાર આવ્યો છે તે દિવસે પેલો રૌહિણેય ચોર તો કોઈ ગ્રામાન્તરે ગયો હતો. પણ રાત્રિએ ત્યાંથી પાછો આવ્યો ત્યારે મુગ્ધભાવથકી એણે નગરને વિષે પ્રવેશ કર્યો; કારણ કે મોહ (ભૂલ) થકી કૂપને વિષે પણ પડાય છે. પછી ઉપર કહ્યા એ પ્રકારવડે તેજ વખતે ચોરને પકડી લઈ બાંધીને રાજા પાસે લઈ જવામાં આવ્યો; કારણ કે બુદ્ધિના યોગથી શું શું પરાક્રમ નથી થતું ? ત્યાં રાજાએ અભયકુમારને કહ્યું-શિષ્ટજનને પાળવા અને દુષ્ટલોકોને શિક્ષા કરવી એજ આપણો ધર્મ છે. તો જ્યારે હવે ચોરનો પત્તો લાગ્યો છે ત્યારે એને સત્વર શિક્ષા કરો. કારણ કે કદાપિ વ્યાધિની ક્ષણવાર પણ ઉપેક્ષા કરવી યોગ્ય નથી.” પણ અભયમંત્રીશ્વરે નમન કરીને પિતાને કહ્યું-હે તાત ! આપણે એને પકડ્યો છે ખરો, પણ એની પાસે કંઈ ચોરીનો મુદ્દાનો માલ નથી. માટે વિચાર કર્યા વિના એને શિક્ષા કરવી એ અયોગ્ય છે; કારણ કે વિચાર એ જ આ દુનિયાને વિષે સર્વોત્તમ છે.
એ પરથી રાજાએ ચોરને પૂછ્યું-તું ક્યાં રહે છે ? અહીં શા માટે આવ્યો હતો ? તું જ રૌહિણેય કે ?” પોતાનું નામ સાંભળીને ચકિત થયો છતો પણ એ બોલ્યો-મારું નામ દુર્ગાચંડ છે, હું શાલિગ્રામને વિષે હંમેશાં રહું છું, અને કૃષિકારની વૃત્તિથી આજીવિકા ચલાવું છું, કંઈ કાર્ય પ્રસંગે અહીં આવ્યો હતો તેમાં શ્રમિત થવાથી દેવમંદિરને વિષે સૂઈ ગયો હતો. કારણ કે સદાચારવંત એવા પણ મને કોણ વિશ્વાસ લાવીને અહીં પોતાના ઘરમાં રાખે ? પછી હે પૃથ્વીપતિ ! રાત્રિનો કેટલોક ભાગ વ્યતીત થયો એટલે હું નિદ્રામાંથી જાગીને વિચાર કર્યા વિના ઘેર જવાને પ્રવૃત્ત થયો; અથવા તો બુદ્ધિ હંમેશાં પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે. પછી મને પહેરેગિરોએ પકડવા માંડ્યો એટલે અસ્થિ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૮૮