SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા આદરભાવે હાંફળોફાંફળો પ્રિયતમ એકદમ ઊભો થયો. જે જગ્યાએ લજ્જાથી સંકોચાતી, ગુપ્તપણે હું ઊભી હતી તે તરફ જ તેણે ચેટીની સાથે પગલાં ભર્યાં. હર્ષાશ્રુથી સજળનેત્રે, દૂતીની આંગળી પકડીને, સંતોષની સ્પષ્ટ ઝલકવાળા વદને તે બોલ્યો : ૬૩ ‘મારા જીવતરની પાળ સમી, સુખની ખાણ સમી, મારા હૃદયગૃહમાં વસનારી, તે મારી સહચરી, તારી સ્વામિની કુશળ છે ને ? મદનના બાણપ્રહારે ઘાયલ હૃદયવાળા મને તો તેનો સમાગમ કરવાના મનોરથોના ખેંચાણને લીધે સહેજ પણ સુખ નથી. દૂતી, બહાનું કાઢીને મારા પ્રિય મિત્રોને એમ કહીને મેં વિદાય કર્યા કે તમે સૌ કૌમુદીવિહાર જોવા જાઓ. મિત્રોને વળાવી દઈને હું પ્રિયાવિરહની ઉત્કંઠાને હળવી કરવા, તમારા આવાસ પાસે જઈને ચિત્રપટ્ટ જોવા વિચારતો હતો ત્યાં તો મેં મારા આવાસમાં તને આવેલી જોઈ અને તેના સંતોષથી મારો હૃદયશોક દૂર થઈ ગયો. કહે, દૂતી, પ્રિયતમાએ જે તને કહ્યું તે હું સાંભળવા ઇચ્છું છું. એટલે ચેટીએ તેને કહ્યું, ‘તેણે મારી સાથે કશો સંદેશો નથી મોકલ્યો; એ સ્વયં અહીં તમારી પાસે આવી છે, તેથી તે જ તમને વિનંતી કરશે. હે સ્વામી, આટલી વેળા તેણે કેમેય કરીને ધીરજ ધરી, તો એ કામાતુરનો હવે તમે હાથ ઝાલજો. તરંગે ઊછળતી ગંગા જેમ સમુદ્ર પાસે જાય, તેમ હે પુરુષસમુદ્ર, પૂર્વજન્મના અનુરાગજળે ભરેલી આ તરંગવતી કન્યાસરિતા તારી પાસે આવી છે.' પ્રેમીઓનું મિલન તે વેળા મને પણ અત્યંત ગભરાટ થતો હતો. પરિશ્રમને કારણે મારાં અંગો પરસેવે રેબઝેબ થઇ ગયાં હતાં. એકાએક આનંદાશ્રુ ઊભરાઈ આવવાથી કંપતી હું તેના ચરણમાં પડવા ગઈ, ત્યાં તો પ્રિયતમે વિનયથી મને, હાથીની સૂંઢ સમી તેની સુખદ ભુજાઓ વડે ઊંચકી લીધી, ગાઢ આલિંગન દઈને, ક્યાંય સુધી આંસુ સારીને તે બોલ્યો, ‘મારા શોકને નષ્ટ કરનારી કે સ્વામિની, તારું સ્વાગત હો.’
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy