SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા આવો પક્ષીઓના કાળ સમો તે કૃતાંત ત્યાં આવી લાગ્યો. તેના ખભે તૂંબડું લટકાવેલું હતું. તેણે ભયાનક વ્યાઘ્રચર્મ પહેર્યું હતું, જે કાળા કાજળથી કાબરચીતરા કરેલા પીળા વસ્ત્ર જેવું લાગતું હતું. ૨૭ પેલા હાથીને જોઈને તે વ્યાધ, હાથી પહોંચી ન શકે તેવા સ્થાને નદીકાંઠે ઊગેલા એક પ્રચંડ થડવાળા વિશાળ વૃક્ષ પાસે પહોંચ્યો. ખભા પાસે ધનુષ્યને ગોઠવી નજરને તીરછી કરી તે દુષ્ટ પેલા જંગલી હાથીને મારવા માટે ધનુષ્યની પણછ પર બાણ સર્જ્યું. બરાબર સ્થાન લઈને, ધનુષ્યની પણછ પર ચડાવેલું તે પ્રાણઘાતક બાણ તેણે હાથી તરફ છોડ્યું, અને કાળમુહૂર્તમાં ત્યાંથી પસાર થતા મારા સાથીને કાળયોગે તે બાણે કટિપ્રદેશમાં વીંધી નાખ્યો. પ્રબળ ચોટની પીડાથી મૂર્છિત બનેલો, ગતિ અને ચેષ્ટાથી રહિત થઈને તે પહોળી પાંખે પાણીમાં ધબકાયો અને સાથે મારું હૃદય પણ ભાંગી પડ્યું. વિદ્ધ ચક્રવાક તેણે બાણથી વીંધાયેલો જોઈને પહેલવહેલા માનસિક દુઃખના શોકનો ભાર ધારણ કરવાને અશક્ત બનીને હું પણ મૂર્છા ખાઈને નીચે પડી. ઘડીક પછી ગમે તેમ કરીને ભાન આવતાં શોકથી વ્યાકુળ બની વિલાપ કરતી હું આંસુપૂરે ઉભરાતી આંખે મારા પિયુને જોઈ રહી. તેના કટિપ્રદેશમાં બાણ ભોંકાયેલું હતું ; બંને પાંખોનો સંપુટ, છૂટો, પહોળો ને ઢળી પડેલો હતો ; પવનને ઝપાટે ઢાળીને ભાંગી નાખેલા, વેલો વળગેલા પદ્મ સમો તે પડ્યો હતો. પડવાને લીધે બહાર નીકળી આવેલા લોહીથી લદબદ એવો તે લાખથી ખરડાયેલા પાણીભીના સુવર્ણ કળશ સમો દીસતો હતો. લોહીથી ખરડાયેલા શરીરવાળો તે મારો સાથી ચંદનના દ્રવથી સિંચિત પૂજાપા માટેના અશોકપુષ્પોના ઢગ સમો દીસતો હતો. જળપ્રવાહને કાંઠે પડેલો કેસૂડાના જેવા સુંદ૨વાનવાળો તે આથમવાની અણી પર આવેલા, ક્ષિતિજમાં ડૂબવા માંડેલા સૂરજ સમો શોભતો હતો. મારા પ્રિયતમને ભોંકાયેલું બાણ ચાંચ વડે ખેંચી કાઢવામાં મને એ ડર લાગતો હતો કે બાણ ખેંચવાની વેદનાને પરિણામે તે કદાચ મૃત્યુ પામે. પાંખ
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy