________________
આ સ્થિતિ સામે પંડિતજીએ એમના એક વિસ્તૃત નિબંધમાં છેક ૧૯૩૬ કે ૧૯૩૯માં સમાજને ચેતવ્યો હતો. તે નિબંધ એટલે જ “સ્યાદ્વાદ અને સર્વજ્ઞતા”. આજથી લગભગ ૬૫ વર્ષ પૂર્વે લખાયેલ આ લેખ પ્રથમ “જૈન સત્ય પ્રકાશના અંક ૭માં છપાયો અને ત્યાર બાદ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા દ્વારા સને ૧૯૩૮માં પ્રકાશિત “ગૂર્જર સાહિત્ય સંગ્રહ-ભાગ ર”માં તેનો સમાવેશ કરવામાં આવ્યો. મહોપાધ્યાયન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ સાહેબ દ્વારા વિરચિત “દ્રવ્ય-ગુણ-પર્યાય”ના રાસનો સંગ્રહ જે ગ્રંથમાં છે તે જ ગ્રંથમાં પંડિતજીનો આ લેખ પણ સ્થાન પામ્યો, તે જ સૂચક છે કે આ લેખ કેટલો મહત્ત્વપૂર્ણ છે.
હાલમાં ધર્મ પરનાં આક્રમણોની તીવ્રતા જે રીતે વધી રહી છે, ખ્રિસ્તી ધર્મની ધર્માતરણની ક્રિયા જે વેગ ધરી રહી છે, ભારતના મૂળ ધર્મને નષ્ટ કરવાનાં જે પરોક્ષ પગલાં લેવાઈ રહ્યાં છે–તે બધું જોતાં ૬૫ વર્ષો પૂર્વે પંડિતજીએ જે લખ્યું તે આજના દિવસ અને ઘડી માટે લખ્યું તેવું ફલિત થાય છે; અને તેથી એ નિબંધને પુનઃ પ્રકાશિત કરી સુજ્ઞ વાચકોના હાથમાં મૂકીએ છીએ, જેથી બીજું કંઈ નહીં તો છેવટે દરેકના પોતાના વ્યક્તિગત જીવનમાં ધર્મ તેના મૂળ સ્વરૂપમાં ટકી શકે. એક શાશ્વત સત્ય છે જે ધર્મને ટકાવશે, ધર્મ તેને ટકાવશે. તેથી ધર્મને ટકાવવા માટે નહીં તો પણ પોતે ટકી રહેવા માટેના પુરુષાર્થમાં આ નિબંધ માર્ગદર્શક બની રહેશે તો પંડિતજીનો પ્રયત્ન સાર્થ બનશે.
– પ્રકાશક