SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ લોકવ્યવસ્થા ૬૯ મઝિમનિકાય (૨.૩.૬) તથા બુદ્ધચર્યામાં (સામગ્નફલસુત્ત પૃ. ૪૬૨-૬૩) અકર્મયતાવાદી મખલિ ગોશાલના નિયતિચક્રનું આ જાતનું વર્ણન મળે છે - “પ્રાણીઓના ક્લેશનો કોઈ હેતુ નથી, પ્રત્યય નથી. વિના હેતુ, વિના પ્રત્યય જ પ્રાણી ક્લેશ પામે છે. પ્રાણીઓની શુદ્ધિનો કોઈ હેતુ નથી, પ્રત્યય નથી. વિના હેતુ, વિના કારણે જ પ્રાણી વિશુદ્ધ બને છે. ન આત્મકાર છે, ન પરકાર છે, ન પુરુષકાર છે, ન બલ છે, ન વીર્ય છે, ન પુરુષપરાક્રમ છે. સર્વ સત્ત્વ, સર્વ પ્રાણી, સર્વ ભૂત, સર્વ જીવ અવશ છે, બલ-વીર્યરહિત છે. નિયતિ વડે નિર્મિત અવસ્થામાં પરિણત થઈને છ જ અભિજાતિઓમાં સુખ-દુઃખ અનુભવે છે...અહીં એવું નથી કે આ શીલવ્રતથી, આ તપ-બ્રહ્મચર્યથી હું અપરિપક્વ કર્મને પરિપક્વ કરીશ, પરિપકવ કર્મને ભોગવી કર્મનો અન્ન કરીશ. સુખ અને દુઃખ દ્રોણથી મપાયેલાં છે. જગતમાં ઘટવુંવધવું, ઉત્કર્ષ-અપકર્ષ થતા નથી. જેમ સૂતળીનો દડો ફેંકવામાં આવતાં સૂતળી ઉક્લાતી જાય છે અને દડો દડી પડે છે તેમ મૂર્ખ અને પંડિત દોડીને આવાગમનમાં પડીને દુઃખનો અન્ત કરશે.” (દર્શનદિગ્દર્શન પૃ. ૪૮૮-૮૯). ભગવતીસૂત્રમાં (૧૫મો શતક) પણ ગોશાલકને નિયતિવાદી જ કહ્યો છે. આ નિયતિવાદનું રૂપ આજ પણ “જે થવાનું છે તે થશે જ આ ભવિતવ્યતાના રૂપમાં ઊંડાણ સાથે પ્રચલિત છે. નિયતિવાદનું વધુમાં એક આધ્યાત્મિક રૂપ નીકળ્યું છે. તે અનુસાર પ્રત્યેક દ્રવ્યનો પ્રતિક્ષણનો પર્યાય સુનિશ્ચિત છે. જે સમયે જે પર્યાય થવાનો છે તે પોતાના નિયત સ્વભાવના કારણે થશે જ, તેમાં પ્રયત્ન નિરર્થક છે. ઉપાદાનશક્તિથી જ તે પર્યાય પ્રકટ થઈ જ જાય છે, ત્યાં નિમિત્તની ઉપસ્થિતિ સ્વયેવ થાય છે, તેને મેળવવાની આવશ્યકતા નથી. તેમના મતમાં પેટ્રોલથી મોટર ચાલતી નથી પરંતુ મોટરને ચાલવાનું જ છે અને પેટ્રોલે બળવાનું જ છે. અને આ બધું પ્રચારિત થઈ રહ્યું છે દ્રવ્યના શુદ્ધ સ્વભાવના નામે. તેની અંદર ભૂમિકા એ જમાવવામાં આવે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરી શકતું નથી. બધાં આપોઆપ નિયતિચક્રવશ પરિણમન કરે છે. જ્યારે જેને જ્યાં જે રૂપમાં નિમિત્ત બનવાનું છે તે સમયે તેની ત્યાં તે રૂપમાં ઉપસ્થિતિ થઈ જ જશે. આ નિયતિવાદે પદાર્થોના સ્વભાવ અને પરિણમનનો આશ્રય લઈને પણ તેમનો પ્રતિક્ષણનો અનન્તકાળ સુધીનો કાર્યક્રમ બનાવી દીધો છે જેના ઉપર ચાલવા માટે પ્રત્યેક પદાર્થ બાધ્ય છે. કોઈએ કંઈ નવું કરવાનું નથી. આ રીતે નિયતિવાદીઓનાં વિવિધ રૂપો વિભિન્ન સમયોમાં થયાં છે. તે બધાં રૂપોએ પુરુષાર્થનો એકડો સાવ જ કાઢી નાખ્યો છે અને મનુષ્યને ભાગ્યના ચક્કરમાં નાખી દીધો છે. ૧. જુઓ શ્રી કાનજીસ્વામી લિખિત વસ્તુવિજ્ઞાનસાર આદિ પુસ્તકો.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy