________________
૧૭૪
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૧૬ પણ સ્વર્ગાદિના ફળવાળું થાય છે એમ જાણતા શ્રાવકે દોષવાળું પણ આપવું જ જોઈએ. કારણ કે અરિહંત ભગવાને રચેલ પ્રવચન ઉત્સર્ગઅપવાદના વિસ્તારના સ્વરૂપવાળું છે, અર્થાત્ પ્રવચનમાં ઉત્સર્ગઅપવાદ વિસ્તારથી જણાવ્યા છે. નામ શબ્દ પૂર્વવત્ જાણવો.
ન્યાયથી આવેલા– બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રો પોતપોતાનો ધંધો કરે તે ન્યાય છે.
પોતપોતાનો ધંધો લોકરૂઢિથી પ્રાય: પ્રસિદ્ધ જ છે. આવેલા એટલે પ્રાપ્ત થયેલા. કલ્પનીય ઉદ્ગમ આદિ દોષોથી રહિત. દ્રવ્યો– અશન-પાન-ખાદિમ-સ્વાદિમ વસ્ત્ર-પાત્ર-ઉપાશ્રય-સંથારોઔષધ આદિ પુદ્ગલવિશેષો.
દેશ– વિવિધ જાતિના ચોખા-કોદરા-કાંગ-ઘઉં વગેરે જેમાં થતા હોય તેવો દેશ. કાળ– સુકાળ અને દુકાળ વગેરે. શ્રદ્ધા- પાત્રાદિની અપેક્ષાએ વિશુદ્ધ ચિત્તપરિણામ. સત્કાર-સાધુ પધારે ત્યારે ઊભા થવું, બેસવા આસન આપવું, વંદન કરવું, જાય ત્યારે થોડે સુધી પાછળ જવું વગેરે સત્કાર છે.
ક્રમ– ક્રમ એટલે અનુક્રમ. દેશ-કાળની અપેક્ષાએ પોતાના ઘરે જે રસોઈ તૈયાર થઈ હોય તેનું રાબ (કે ખીર) આદિના ક્રમથી દાન કરવું. અથવા જે દેશમાં જે કાળમાં જે ક્રમ પ્રસિદ્ધ હોય તે ક્રમથી દાન કરવું.
પ્રકૃષ્ટ આત્માનુગ્રહ બુદ્ધિથી– મહાવ્રતોથી યુક્ત સાધુઓ અનાદિ ગ્રહણ કરી મારા ઉપર અનુગ્રહ કરે છે.
સંયત– સંયત એટલે મૂલ-ઉત્તરગુણોથી યુક્ત. સંયત આત્માઓને દાન કરવું. (૭-૧૬)