SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ જ લક્ષ્મીનું મૂળ છે. કહ્યું છે કે – દૃઢ નિશ્ચયવાળો, કુશળ, ગમે તેટલા કલેશને ખમનારો અને અહોરાત્ર ઉદ્યમ કરનારો માણસ પાછળ લાગે તો લક્ષ્મી કેટલી દૂર જવાની ? ૨૧૪ જ્યાં ધનનું ઉપાર્જન કરાય ત્યાં થોડું ઘણું તો નાશ પામે જ. ખેડૂતને વાવેલા બીજથી ઉત્પન્ન થયેલા ધાન્યના પર્વત સરખા ઢગલા મળે, તો પણ વાવેલું બીજ તેને પાછું મળતું નથી. તેમ જ્યાં ઘણો લાભ થાય, ત્યાં થોડી ખોટ પણ ખમવી પડે. સમયે દુર્દેવથી ધનની હાનિ થાય, તો પણ વિવેકી પુરુષે દીનતા ન કરવી; પણ ઉપર કહેલી રીત પ્રમાણે ખોટ ગયેલું દ્રવ્ય ધર્માર્થ ચિંતવવું. તેમ કરવાનો માર્ગ ન હોય તો તેનો મનથી ત્યાગ કરવો અને લેશમાત્ર પણ ઉદાસીનતા ન રાખવી. કહ્યું છે કે-કરમાયેલું વૃક્ષ પાછું નવપલ્લવિત થાય છે, અને ક્ષીણ થયેલો ચંદ્રમા પણ પાછો પરિપૂર્ણ દશામાં આવે છે, એમ વિચાર કરનારા સત્પુરુષો આપત્કાળ આવ્યે મનમાં ખેદ કરતા નથી. સંપત્તિ અને વિપત્તિ એ બન્ને મોટા પુરુષોને ભોગવવી પડે છે. જુઓ ! ચંદ્રમાને વિષે જ ક્ષય અને વૃદ્ધિ દેખાય છે, પણ નક્ષત્રોને વિષે દેખાતી નથી. હે આમ્રવૃક્ષ ! "ફાગણ માસે મારી સર્વ શોભા એકદમ હરણ કરી” એમ જાણી તું શા માટે ઝાંખો પડે છે ? થોડા સમયમાં વસંતૠતુ આવતાં પાછી પૂર્વે હતી તેવી જ તારી શોભા તને અવશ્ય મળશે. આ વિષય ઉપર દૃષ્ટાંત કહેવાય છે. જે નીચે પ્રમાણે છે – આભડ શેઠનું દૃષ્ટાંત પાટણમાં શ્રીમાળી જ્ઞાતિનો નાગરાજ નામે એક કોટિધ્વજ શ્રેષ્ઠી હતો, અને મેલાદેવી નામે તેની સ્ત્રી હતી. એક સમયે મેલાદેવી ગર્ભવતી હતી ત્યારે નાગરાજ શ્રેષ્ઠી કોલેરાના રોગથી મરણ પામ્યો. 'શ્રેષ્ઠીને પુત્ર નથી’ એમ જાણી રાજાએ તેનું સર્વ ધન પોતાના કબજામાં લઈ લીધું ત્યારે મેલાદેવી પોતાને પિયર ધોળકે ગઈ. ગર્ભના સુલક્ષણથી મેલાદેવીને અમારી પડહ વજડાવવાનો દોહલો ઉત્પન્ન થયો, તે તેના પિતાએ પૂર્ણ કર્યો. અવસર આવ્યે પુત્ર થયો તેનું અભય એવું નામ રાખ્યું. તે લોકોમાં 'આભડ’ એવા નામે પ્રખ્યાત થયો. પાંચ વર્ષનો થયો ત્યારે તેને નિશાળે ભણવા મોકલ્યો. એક વખતે સાથે ભણનાર બીજા બાળકોએ એને ઉપહાસથી "નબાપો, નબાપો.” એમ કહ્યું. તેણે ઘેર આવી ઘણા આગ્રહથી માતાને પિતાનું સ્વરૂપ પૂછ્યું. માતાએ સત્ય વાત બની હતી તે આભડને કહી. પછી આભડ ઘણા આગ્રહથી અને હર્ષથી પાટણ ગયો, અને ત્યાં વ્યાપાર કરવા લાગ્યો. અનુક્રમે તે આભડ લાછલદેવી નામે કન્યા પરણ્યો. પિતાએ દાટેલું નિધાન આદિ મળવાથી તે પણ કોટીધ્વજ થયો. તેને ત્રણ પુત્ર થયા. અનુક્રમે સમય જતા માઠા કર્મના ઉદયથી તે આભડ નિર્ધન થયો. પોતાના ત્રણ પુત્રો સહિત તેણે સ્ત્રીને પિયર મોકલી દીધી અને પોતે મણિહારની દુકાન ઉપર મણિ આદિ ઘસવાના કામ ઉપર રહ્યો. તેને એક માપ જવ મળતા હતા. તેને તે પોતે દળીને રાંધીને ખાતો હતો. લક્ષ્મીની ગતિ એવી વિચિત્ર છે. કહ્યું છે કે-જે લક્ષ્મી સ્નેહથી ખોળામાં બેસાડનાર સમુદ્રના અને કૃષ્ણના રાજમહેલમાં સ્થિર ન રહી, તે લક્ષ્મી બીજા ઉડાઉ લોકોના ઘરમાં શી રીતે સ્થિર રહે ? એક સમયે આભડ શ્રી હેમાચાર્યજી પાસેથી પરિગ્રહ પરિમાણ વ્રત લેવા ઉભો થયો. દ્રવ્ય પરિમાણનો બહુ સંક્ષેપ કરેલો જોઈ શ્રી હેમાચાર્યજીએ તેને તેમ કરતાં વાર્યો. ત્યારે નવ લાખ દ્રમ્પનું અને તેના અનુસારથી બીજી વસ્તુનું પણ તેણે પરિમાણ રાખ્યું.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy