SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ ત્યારપછી એક દિવસ તે ગામમાં કોઈ જ્ઞાની ગુરુ પધાર્યા. તેમને ધનમિત્ર શ્રેષ્ઠિએ પુત્રીના દુર્ભાગ્યનું કારણ પૂછ્યું ત્યારે ગુરુ બોલ્યા કે “ઉજ્જયંત પર્વત પાસે ગિરિપુર નામના નગરમાં પૃથ્વીપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સિદ્ધમતી નામની રાણી હતી. એકદા રાજા તથા રાણી ઉપવનમાં ગયા હતા. ત્યાં માસોપવાસી શ્રી ગુણસાગર નામના મુનિને ગૌચરી જતા તેમણે જોયા. રાજાએ મુનિને વંદના કરી અને પછી રાણીને કહ્યું કે “હે પ્રિયા ! આ મુનિ જંગમતીર્થ છે, માટે તું ઘેર જઈને પ્રાસુક આહાર વડે તેમને પ્રતિલાભ.” રાજાની આજ્ઞાથી ઈચ્છા વિના રાણી પાછી વળી અને ઘેર જઈ ક્રોધથી મુનિને કડવા તુંબડાનું શાક વહોરાવ્યું. મુનિએ તેને કડવું જાણીને પરઠવવાનો વિચાર કર્યો, પણ તેથી અનેક જીવની હિંસા થવાનું ધારીને પોતે જ આહાર કરી ગયા અને શુભ ધ્યાન વડે કેવળજ્ઞાન પામી મુક્તિસુખને વર્યા. રાજાએ તે વૃત્તાંત સાંભળીને રાણીને કાઢી મૂકી. તે રાણીને સાતમે દિવસે કોઢનો વ્યાધિ થયો. તેની વ્યથાથી આર્તધ્યાન વડે મરણ પામીને તે છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળી તિર્યંચનો ભવ કરી અનુક્રમે સર્વ નરકમાં ઉત્પન્ન થઈ પછી અનુક્રમે ઊંટડી, કૂતરી, શિયાળણી, ભુંડણી, ઘો, ઊંદરડી, જૂ, કાગડી, ચાંડાળી અને છેવટે ગધેડી થઈ. તે ગધેડીના ભાવમાં મૃત્યુ વખતે નવકાર મંત્ર સાંભળ્યો. તેના પુણ્યથી તે મરીને તમારી પુત્રી થઈ છે. પૂર્વનું પાપકર્મ થોડું બાકી રહેવાથી આ ભવમાં તે દુર્ભાગી થઈ છે.” આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળતાં દુર્ગન્યાને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. પોતાના પૂર્વભવને જોઈને તેણે ગુરુને પૂછ્યું કે “હે ભગવાન ! મને આ દુઃખસાગરમાંથી તારો.” ગુરુ બોલ્યા કે “તું સાત વર્ષ અને સાત માસ સુધી રોહિણીનું વ્રત કર. તેમાં જે દિવસ રોહિણી નક્ષત્ર હોય તે દિવસે ઉપવાસ કરીને શ્રી વાસુપૂજયસ્વામીનું ધ્યાન કરવું, તેમનું નવું ચૈત્ય કરાવવું અને વ્રત પૂર્ણ થાય ત્યારે ઉદ્યાપન કરવું. તેમાં અશોક વૃક્ષની નીચે અશોક તથા રોહિણી સહિત શ્રી વાસુપૂજ્ય સ્વામીનું રત્નમય બિંબ ભરાવવું. તે તપના મહિમાથી તું આવતા ભવમાં અશોક રાજાની રોહિણી નામની સ્ત્રી થઈને તે જ ભવમાં સિદ્ધિપદને પામીશ અને આ તપ કરવાથી તેને ઘણું સુખ પ્રાપ્ત થશે. તે ઉપરનું દષ્ટાંત કહું છું, તે સાંભળ - સિંહપુરમાં સિંહસેન નામે રાજા હતો. તેને દુર્ગન્યા નામે પુત્ર હતો. તે કુમાર સર્વને અનિષ્ટ હતો, કોઈને ગમતો નહિ. તેથી રાજાએ એકદા શ્રી પદ્મપ્રભુસ્વામીને પૂછ્યું કે “હે ભગવાન કયા કર્મથી મારા પુત્રને દુર્ગન્ધીપણું પ્રાપ્ત થયું છે?” પ્રભુ બોલ્યા કે “હે રાજા ! નાગપુરથી બાર યોજન દૂર નીલ નામે એક પર્વત છે. ત્યાં એક શીલા છે. તેના ઉપર કોઈ તપસ્વી સાધુ ધ્યાન કરતા હતા. તેના પ્રભાવથી ત્યાં પારધીના શસ્ત્રો જીવહિંસામાં પ્રવર્તી શકતાં નહિ. તેથી કોઈ એક પારધીને મુનિ ઉપર ક્રોધ ચડ્યો. પછી જ્યારે મુનિ ભિક્ષાને માટે ગામમાં ગયા, ત્યારે તે શીલાની નીચે તેણે ઘાસ તથા લાકડાં નાખ્યા અને પોતે ગુપ્ત રીતે સંતાઈ ગયો.
SR No.022161
Book TitleUpdesh Prasad Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy