SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪ ૪૧ તે રાજસભામાં જતો. કાશ્યપની પત્ની યશા તેને જોતી અને તેનું હૈયું ચચરી ઊઠતું, આંખમાં આંસુ આવી જતાં. માને આમ અવારનવાર રડતી અને નિઃસાસા ભરતી જોઈને પુત્ર કપિલે એક દિવસ તેનું કારણ પૂછ્યું. મા યશાએ પુત્રને ખોળામાં બેસાડીને તેને વહાલથી પંપાળતાં પંપાળતાં કહ્યું – “વત્સ ! આ નવા રાજપુરોહિતને જોઉં છું અને મને તારા પિતાની યાદ આવે છે. તારા પિતા પણ આવા જ ઠાઠમાઠથી રાજસભામાં જતા. આપણાં નસીબ વાંકાં કે તે ઘણા જલદી પરલોક સિધાવી ગયા. તારી ઉંમર નાની અને તારી પાસે કોઈ વિદ્યા નહિ આથી રાજાએ નવા બ્રાહ્મણને તારા પિતાનું પદ આપ્યું. તારા પિતાની યાદથી અને તને તેમનું પદ ન મળ્યું તેથી મને રડવું આવી જાય છે. એ પદ મને શી રીતે મળે મા !?' “બેટા, એ પદ મેળવવા માટે તો તારે ખૂબ ખૂબ વિદ્યાભ્યાસ કરવો પડે. તારા પિતાની જેમ તું ચૌદ વિદ્યાનો પારંગત બને તો તને તારા પિતાનું રાજપુરોહિતનું પદ પાછું મળે.' “મા! હું જરૂર પિતા જેવો ચૌદ વિદ્યાનો પારંગત બનીશ. પણ એ માટે હું કોની પાસે વિદ્યાભ્યાસ કરું ? “વત્સ ! આ માટે તારે મારી ગોદ છોડીને શ્રાવસ્તીનગરમાં જવું પડશે. ત્યાં ઇન્દ્રદત્ત નામના ઘણા મોટા વિદ્વાન પંડિત રહે છે. તેમની પાસે જઈને તેમને પગે લાગીને વિદ્યાભ્યાસ કરાવવા માટેની તેમને પ્રાર્થના કર. તારા પિતાના એ મિત્ર છે. તેમની તું સેવા કર. તે તને જરૂર બધી જ વિદ્યામાં પારંગત બનાવશે.” અને બીજા દિવસે જ શુભ ચોઘડિયે અને શુભ શુકન જોઈને કપિલ શ્રાવસ્તીનગર જવા ઊપડ્યો. માતાએ પ્રેમભીની આંખે પુત્રને મંગળ આશીર્વાદ આપ્યા. ઇન્દ્રદત્ત પંડિતે મિત્ર-પુત્ર કપિલને પ્રેમથી આવકાર્યો અને તેને વિદ્યાભ્યાસ કરાવવા માંડ્યો. કપિલ પંડિતને ત્યાં ભણતો અને શ્રાવસ્તીના શ્રેષ્ઠી શાલિભદ્રના ઘરે બને સમય જમવા જતો. જમાડવાનું અર્થાત્ પીરસવાનું કામ શેઠની એક દાસી કરતી. બપોરે અને સાંજે કપિલનું રોજ જમવા આવવું, રોજ દાસીનું પીરસવું, કપિલ પણ યુવાન અને દાસી પણ યુવાન અને બન્નેનાં રૂપ આંખને ગમે એવાં. રોજરોજના પરિચયથી અને બોલવાની બન્ને વચ્ચે છૂટ વધતાં બન્ને એકમેકની નજીક આવ્યાં. એકમેક વચ્ચે પ્રેમ બંધાતો ગયો. એકાંત મળતાં બન્ને યૌવન સહજ છૂટ લઈ લેતાં. પ્રેમાંધ બનેલી દાસીએ એક દિવસ એકાંત જોઈને કપિલને કહ્યું: “હે પ્રિયે ! હું તમને મનોમન વરી ચૂકી છું. તમે જ મારા પતિ અને પરમેશ્વર છો. પરંતુ તમે વિદ્યાર્થી અને નિર્ધન પણ છો. સંસારનો વ્યવહાર ચલાવવા તો ધન જોઈએ. તમે અનુમતિ આપો તો આપણાં લગ્ન ન થાય ત્યાં સુધી હું બીજા પુરુષનું સેવન કરું. ધન માટે જ હું આમ કરવા માંગું છું. એ પુરુષનો હું પતિ તરીકે સ્વીકાર નહિ કરું.”
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy