SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૪ પરંતુ નળે કોઈની વાત માની નહિ અને કુબેર સાથે જુગાર રમવા બેઠો. પાસા ફેંકાતા ગયા. નળ એક પછી એક બાજી હારતો ગયો. કહ્યું છે કે હારેલો જુગારી બમણું રમે. નળ જીતવા માટે વધુ રમતો ગયો. પણ દરેક બાજીમાં કુબેરની જ જીત થતી ગઈ. નળ ઘણું બધું હારી ગયો. રાજ્ય પણ હારી ગયો. તોય નળે રમત બંધ ન કરી. જીતવાની આશાએ અને લાલચે તેણે છેલ્લો દાવ ખેલ્યો. આ દાવમાં નળે પત્ની દમયંતીને હોડમાં મૂકી. નળ દમયંતીને પણ હારી ગયો. ત્યારે કુબેરે હરખાતાં કહ્યું : “ભાઈ ! હવે બાજી સમેટી લો. તમે બધું જ હારી બેઠા છો. હવે તમે મને આ રાજ્ય અને તમારી પત્ની આપી દો અને અહીંથી બીજે ચાલ્યા જાવ.” કુબેરને પત્ની આપી દેવાની માંગણીથી સૌ ચોંકી ઊઠ્યા. વડીલોએ કુબેરને ખૂબ સમજાવ્યો. છેવટે તેણે માન્યું અને તેણે નળને દમયંતી પાછી આપી દીધી. તેને લઈને નળ પહેરેલે જ કપડે નગર બહાર નીકળી ગયો. ચાલતાં ચાલતાં બન્ને એક મોટા જંગલમાં આવ્યાં. ચાલીને બન્ને થાકી ગયાં હતાં. આથી એક ઝાડ નીચે બન્ને જણ ભોંય પર જ સૂતાં. પરંતુ નળને ઊંઘ નહોતી આવતી. જુગારમાં સર્વસ્વ હારી જવાથી નળ હવે સાવ કંગાળ થઈ ગયો હતો. અનેક ચિંતાઓ તેને સતાવવા લાગી. સૌથી વધુ ચિંતા તેને દમયંતીની થવા લાગી. આજની ભીષણ ગરીબાઈમાં પત્નીનું ભરણપોષણ કરવાની તેનામાં શક્તિ ન હતી. બહુ વિચારના અંતે તેણે એક કપરો નિર્ણય લીધો. દમયંતી ઘસઘસાટ સૂઈ ગઈ છે તેની ખાતરી કરીને તેણે તેના પાલવ ઉપર પોતાના જ લોહીના અક્ષરથી કકળતા હૈયે અને આંસુભીની આંખે લખ્યું. “પ્રિયે ! આમ તને છોડીને જતાં મારો જીવ જરાય નથી ચાલતો. પરંતુ એ સિવાય બીજો કોઈ ઉપાય મને જણાતો નથી. આજની સ્થિતિમાં હું તને મારી સાથે રાખી શકું તેમ નથી. જો, અહીંથી વટવૃક્ષની તરફ કુંડિનપુર જવાનો રસ્તો છે અને જમણી તરફ કેસૂડાના ઝાડ પાસે થઈને કોસલાનગરી તરફ જવાનો રસ્તો છે. આ બેમાંથી સાસરે કે પિયરે તારે જ્યાં જવું હોય ત્યાં તું જજે.” આટલું લખીને પોતાનાં આંસુને લૂછતો લૂછતો નળ દમયંતીને ઘનઘોર રાતે અને ગાઢ બિહામણા જંગલમાં એકલી મૂકીને ચાલી નીકળ્યો. તેનાથી જરાય ચલાતું ન હતું. પત્નીને છોડવાની વેદનાથી તેના પગ ભારે થઈ ગયા હતા. છતાંય પરાણે પગને ઢસડતો અને રડતો રડતો એ સતત ચાલતો જ રહ્યો. ચાલતાં ચાલતાં જ સવાર પડી. એ સવારમાં તેણે દાવાનળ જોયા. દાવાનળમાં બળતા પ્રાણીઓના આક્રંદ સાંભળ્યા. ત્યાં જ તેણે એક માનવ અવાજ સાંભળ્યો : “હે ઈશ્વાકુ કુળના મુકુટમણિ નળનરેશ ! મારું રક્ષણ કર ! મારું રક્ષણ કર !” પોતાનું નામ સાંભળીને નળે એ અવાજની દિશા તરફ ધ્યાનથી જોયું. તો ત્યાં એક ઝાડની ઘટામાં બળતા એક સાપને જોયો. તેણે જોઈને નળે પૂછ્યું : “હે નાગરાજ ! તમે મારું નામ કેવી રીતે જાણ્યું? અને તમે અમારા જેવી માનવવાણી પણ બોલી શકો છો? તમે કોણ છો?'
SR No.022160
Book TitleUpdesh Prasad Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy