________________
આ પૂર્વે જણાવ્યા મુજબ યોગની સાધના અટકી ના પડે એ માટે તૈયાયિકોએ સર્વ જીવોની મુક્તિનું સાધક પ્રમાણ જણાવ્યું છે. તેના જવાબમાં જણાવવાનું કે “એ વાત યુક્ત નથી. શમ, દમ વગેરે ગુણોની પ્રાપ્તિ દ્વારા પોતાની યોગ્યતાનો સારી રીતે નિશ્ચય થઈ જાય છે. યોગની પૂર્વસેવાથી સમાદિ ગુણોની પ્રાપ્તિ થતી હોવાથી અન્યોન્યાશ્રય દોષ પણ આવતો નથી.” આ પ્રમાણે પાંચમા શ્લોકનો સામાન્ય અર્થ છે.
આશય એ છે કે આ પૂર્વે વિપક્ષબાધક તરીકે યોગની સાધનાનો જે પ્રતિબંધક તમારા (નૈયાયિક) દ્વારા કહેવાયો છે તે બરાબર નથી. કારણ કે શમ, દમ અને ભોગોની અનાસક્તિ વગેરે મુમુક્ષુ આત્માઓનાં લક્ષણોની પ્રાપ્તિથી મોક્ષપ્રાપ્તિની પોતાની યોગ્યતાનો સારી રીતે નિશ્ચય થાય છે. કારણ કે સ્વયોગ્યતાની અપેક્ષાએ એ સમાદિ લક્ષણો વ્યાપ્ય છે અને યોગ્યતા વ્યાપક છે. વ્યાપ્યથી વ્યાપકનો નિશ્ચય થાય છે - એ સુપ્રતીત છે.
યોગની પ્રવૃત્તિ કરવાથી શમ, દમ વગેરે મુમુક્ષુ જનોનાં લક્ષણોની સંપત્તિ પ્રાપ્ત થાય છે અને એ સંપત્તિથી તેવા પ્રકારની યોગની યોગ્યતાનો વિનિશ્ચય થાય છે, જે યોગની પ્રવૃત્તિનું મહત્ત્વનું કારણ છે – આ રીતે અન્યોન્યાશ્રયદોષ આવે છે. આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ગુરુદેવાદિ પૂજા, સદાચાર, તપ અને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ... વગેરે સ્વરૂપ યોગની પૂર્વસેવાથી; યોગની પ્રવૃત્તિની પૂર્વે જ શમ(કષાયનો અભાવ), દમ(ઇન્દ્રિયોનો નિરોધ) અને ભોગોની આસક્તિનો અભાવ... ઇત્યાદિ મુમુક્ષુચિહ્નો પ્રાપ્ત થતાં હોય છે. તેથી અન્યોન્યાશ્રયદોષનો સંભવ રહેતો નથી.
યદ્યપિ આ રીતે યોગની પ્રવૃત્તિની પૂર્વે સમાદિ ગુણોની પ્રાપ્તિ થતી હોય તો યોગની પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા જ રહેતી નથી. પરંતુ યોગની પૂર્વસેવાથી જે સમાદિ ગુણો પ્રાપ્ત થાય છે, તેના કરતાં વિશિષ્ટ કોટિના તે ગુણો યોગની પ્રવૃત્તિથી પ્રાપ્ત થાય છે. તેથી યોગની પ્રવૃત્તિ નિરર્થક નહીં બને. પ્રાથમિક કક્ષાના સમાદિ ગુણોની પ્રત્યે યોગની પૂર્વસેવા કારણ છે અને અતિશયયુક્ત એવા સમાદિ ગુણોની પ્રત્યે યોગની પ્રવૃત્તિ કારણ છે. શમાદિ-સામાન્યની પ્રત્યે કર્મનો (મોહનીયાદિ ઘાતિકર્મનો) ક્ષયોપશમવિશેષ જ કારણ છે. તેથી કોઈ જ અનુપપત્તિ નથી. ૩૧-પા
અનાદિકાળથી દરેક જીવમાં મોક્ષે જવાની યોગ્યતા છે - એના નિશ્ચાયક તરીકે સમાદિ નથી. મોક્ષની પ્રાપ્તિ માટે શમાદિ સહકારી કારણ છે. શમાદિના કારણે યોગ્યતામાં સંકોચ કરવાનું ઉચિત નથી – આવી નૈયાયિકોની માન્યતાનું નિરાકરણ કરાય છે–
शमाद्युपहिता हन्त, योग्यतैव विभिद्यते । तदवच्छेदकत्चेन, सङ्कोचस्तेन तस्य न ॥३१-६॥
એક પરિશીલન
૨૩૧