________________
સુખની; એ આનંદની અપેક્ષાએ કોઇ જ ગણના નથી. આવી સમગ્ર સ્થિતિનું એકમાત્ર કારણ ‘વચનાનુષ્ઠાન’ છે. શ્રી તીર્થંકર૫રમાત્માની પરમતારક આજ્ઞાનુસાર કરાતી આરાધનાનું મૂલ્ય સમજાયા વિના એવી સ્થિતિનો અનુભવ કરવાનું શક્ય નથી. I૨૮-૧૧||
ઉપર જણાવ્યા મુજબ માસાદિના દીક્ષાપર્યાયમાં વાણવ્યંતરાદિદેવોની તેજોલેશ્યાનો વ્યતિક્રમ થાય છે, તેમાં દીક્ષાનો પર્યાય કઇ રીતે ગણાય છે તે જણાવાય છે—
दिनानि पक्षा मासा वा गण्यन्ते शरदोऽपि च ।
नाऽस्यां गुणाविघातस्य गण्यतेऽवसरः पुनः ॥ २८-१२॥
આ દીક્ષામાં ગુણના વ્યાઘાત(વિનાશાદિ) વિનાના કાળની ગણતરી કરાય છે. પરંતુ જે ગુણના વ્યાઘાતવાળો કાળ છે - તે દિવસો, પખવાડિયા, મહિનાઓ કે વર્ષો દીક્ષાપર્યાયમાં ગણાતાં નથી. – આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે જે દિવસે દીક્ષા ગ્રહણ કરી છે તે દિવસથી આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણોનો આવિર્ભાવ શરૂ થાય છે. વચનાનુસાર કરાતી આરાધનાના કારણે દિવસે દિવસે ગુણોનો આવિર્ભાવ વધતો જાય છે. આત્મા જો પ્રમાદાદિને પરવશ બને અને તેથી આરાધનામાં શિથિલ થાય તો ગુણોનો આવિર્ભાવ થાય નહિ. કોઇ વાર એવું પણ બને કે આવિર્ભાવ પામેલા ગુણો ફરી પાછા આવૃત્ત બને. આવી સ્થિતિને ગુણોનો વ્યાઘાત કહેવાય છે. પ્રમાદાદિને પરવશ બન્યા પછી ગુણોના આવિર્ભાવના બદલે ગુણોનો વ્યાઘાત થાય - એ બહુ જ વિચિત્ર છે. ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ પ્રમાદાદિને પરવશ બનેલા જીવો નિગોદાદિની સ્થિતિને જે પામે છે તે આ ગુણના વ્યાઘાતનો વિપાક છે. આમ છતાં કાલક્રમે તેવા પણ જીવોનો દીક્ષાપર્યાય તો વધતો જ જાય છે. અનંતજ્ઞાનીઓની દૃષ્ટિએ આવા ગુણહીન દિવસ વગેરેને દીક્ષાના પર્યાય તરીકે ગણતા નથી. ગુણ-સહિત જે દીક્ષાનો સમય છે તે જ ૫રમાર્થથી દીક્ષાનો પર્યાય છે - એ વાત ઉચિત જ છે. કારણ કે જે પ્રવૃત્તિ જે કાર્યના ઉદ્દેશથી આરંભી હોય, તે પ્રવૃત્તિથી તે કાર્યના ઉદ્દેશની સિદ્ધિ થતી ન હોય તો તે પ્રવૃત્તિ તે કાર્યને અનુકૂળ નથી - એ માન્યા વિના ચાલે નહિ. ગુણોના વ્યાઘાતના સમયને તેથી જ દીક્ષાના સમયમાં ગણવાનું ઉચિત ગણ્યું નથી. કાળક્રમે વધતા દીક્ષાપર્યાયથી કોઇ લાભ નથી. ગુણના વ્યાઘાત વિનાના કાળક્રમે વધતા દીક્ષાપર્યાયથી લાભનો પાર નથી. આથી સમજી શકાશે કે દીક્ષા લઇને કેટલાં વર્ષ થયાં - એનું મહત્ત્વ નથી, પરંતુ કેવાં થયાં – એનું મહત્ત્વ છે. કોઇ પણ જાતનો પ્રયત્ન કરીએ કે ના કરીએ તોપણ માત્ર કાળની અપેક્ષાએ દીક્ષાનો પર્યાય વધતો જ જવાનો છે. એવી વૃદ્ધિથી કોઇ જ નિસ્તાર નથી. માત્ર લોકોની દૃષ્ટિએ પર્યાયવૃદ્ધ તરીકે ગણતરી થાય અને આપણને પણ એમ લાગે કે સંયમજીવનમાં આટલાં વર્ષ થયાં. પરંતુ અનંતજ્ઞાનીઓની દૃષ્ટિએ એ બધું ખોટું છે, ગુણનો વ્યાઘાત ન થાય એક પરિશીલન
-
- ૧૪૧