________________
પ્રસ્તાવના શું છે, તે બતાવેલ છે. જેથી એ સ્પષ્ટ ખ્યાલ આવે છે કે, ભવસ્વરૂપના ચિંતવનમાંથી વૈરાગ્ય પ્રગટ થયેલ નથી, પરંતુ જ્યારે ભવસ્વરૂપના ચિંતવનથી ભવ નિર્ગુણ ભાસે છે, અને તેના કારણે ભવ પ્રત્યે દ્વેષ પેદા થાય છે; અને ભવ પ્રત્યેના દ્વેષને કારણે ભવભ્રમણના કારણરૂપ ભોગાદિની ઈચ્છાનો ઉચ્છેદ થાય છે, ત્યારે જ વાસ્તવિક વૈરાગ્ય પ્રગટે છે. અહીં કેટલાક એવું માને છે કે, ભોગોને ભોગવી લેવાથી ચિત્ત સંતોષ પરિણામવાળું થાય છે, અને ચિત્ત સંતોષ પરિણામવાળું થવાથી જ વૈરાગ્ય પેદા થાય છે. તે વાતનો ઉલ્લેખ કરીને ગ્રંથકાર સ્પષ્ટતા કરે છે કે, તે વાત કોઈક જીવવિશેષને આશ્રયીને સાચી હોવા છતાં, વૈરાગ્યનો તે સર્વસામાન્ય માર્ગ નથી; પરંતુ વિષયોના ત્યાગથી જ અને ભવસ્વરૂપના ચિંતવનથી જ વૈરાગ્ય પ્રગટી શકે છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે, સમ્યગ્દષ્ટિ જીવ પણ ભવના સ્વરૂપને સારી રીતે જાણે છે, તેમ છતાં અવિરતસમ્યગ્દષ્ટિ જીવને વિષયોનો ત્યાગ હોતો નથી; તો ભવસ્વરૂપનું જ્ઞાન, વૈરાગ્યનું કારણ કઈ રીતે બની શકે ? તેથી પ્રસ્તુત અધિકારમાં યુક્તિપૂર્વક ખુલાસો કરીને બતાવેલ છે કે, અવિરતસમ્યગ્દષ્ટિ જીવને ભવનૈક્ષ્યનો યથાર્થ બોધ હોવા છતાં પ્રબળ ચારિત્રમોહનીયના ઉદયથી વિષયોમાં પ્રવૃત્તિ થાય છે, તેમને વૈરાગ્ય નથી; તો પણ છઠ્ઠી દૃષ્ટિવાળા અવિરતસમ્યગ્દષ્ટિને વિષયોમાં પ્રવૃત્તિ હોવા છતાં આંશિક વૈરાગ્ય પણ છે (છઠ્ઠી દૃષ્ટિવાળા જીવો જ્યારે સંયમ લે છે, તે વખતના તેમના વૈરાગ્ય કરતાં પૂર્વનાં અવિરતિકાળમાં હીન વૈરાગ્ય હોય છે, તેથી આંશિક વૈરાગ્ય કહેલ છે.); અને તે વૈરાગ્યભાવને કારણે તેઓની ભોગની પ્રવૃત્તિ પણ કેવી નિર્લેપ હોય છે, તેનો વિશદ બોધ પ્રસ્તુત અધિકારમાં કરાવેલ છે. વળી, છઠ્ઠી દૃષ્ટિવાળા અવિરતસમ્યગ્દષ્ટિ જીવો ભોગાદિની પ્રવૃત્તિ કરવા છતાં કઈ રીતે કર્મબંધથી સંશ્લેષ પામતા નથી, અને જ્ઞાની એવા યોગીઓની ભોગની પ્રવૃત્તિ પણ કર્મના નાશમાં કઈ રીતે કારણ બને છે, તે વાત પ્રસ્તુત અધિકારમાં બતાવેલ છે. આમ છતાં, વૈરાગ્યનો માર્ગ તો વિષયોનો ત્યાગ જ છે, ભોગની પ્રવૃત્તિ નથી; તો પણ છઠ્ઠી દૃષ્ટિવાળા જીવો ભોગોને સેવીને પણ વિરક્ત રહી શકે છે અને અધિક વિરક્તભાવને કરી શકે છે, તે અપવાદિક માર્ગ છે, તે વાત પ્રસ્તુત અધિકારમાં બતાવેલ છે. G-2