________________ 329 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ રેખાઓ, પ્રોત્સાહન માટે કોઈના ખભા ઉપર કે પીઠ ઉપરનો આપણો એકાદ સ્પર્શ, સામી વ્યક્તિના જીવનમાં બહુ મોટો પલટો લાવી શકે છે. એવાં કાર્યોના આનંદથી આપણે વંચિત શા માટે રહેવું જોઈએ? આપણી પાસે જે કંઈ હોય - ધન, સત્તા, વિદ્યા, ડહાપણ અને આપણા હૃદયની ભલી લાગણીઓ - એમાંથી બની શકે એટલું આપીને આપવાના આનંદની અનુભૂતિ આપણે કરવી જ જોઈએ. કારણ કે, સંઘરાઈ રહેલું પાણી જેમ ગંધાઈ જાય છે એ જ રીતે સંઘરાઈ રહેલાં ધન, સત્તા અને વિદ્યા પણ નિરર્થક બની જાય છે. કૂવામાંથી જ્યારે પાણી ઉલેચી કાઢવામાં આવે છે ત્યારે જ તેમાં નવી સરવાણીઓ આવે છે. પાણીને નિર્મળ રાખવાનો એ જ એક માત્ર માર્ગ છે. જીવનને નિર્મળ બનાવવાનો પણ એ જ માર્ગ છે. આપો, આપતાં રહો, નિર્મળ રહો અને આનંદમાં રહો.