SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ યુવાનોમાં મૂલ્યજાગૃતિ એક કારણ આવી જંગલી સ્વચ્છંદતા જ છે. જંગલી સ્વરૂપની સ્વચ્છંદતાનું જ એક પરિણામ ભૃણહત્યા છે; બીજું, વધતા બળાત્કારના કેસો છે; ત્રીજું, વધતા અપરાધો છે. આ યાદીને વધુ લાંબી બનાવી શકાય છે. પરંતુ કહેવાનો ભાવ એ જ છે કે સ્વતંત્રતા સ્વચ્છંદતા ન બને એ માટે સામાજિક મર્યાદાના આધારે સ્વતંત્રતાને પણ એક માનવીય મર્યાદામાં જ સ્વીકૃતિ આપવી જોઈએ. યુવાનોને મૂલ્ય તરફ વાળવાના સામાજિક પક્ષને સ્પષ્ટ કર્યા પછી તેના રાજકીય પક્ષને સમજવાનો પ્રયત્ન કરીએ. રાજ્યવ્યવસ્થા સમાજમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને કલ્યાણ માટે જવાબદાર છે. રાજ્યનું એ પ્રાથમિક કર્તવ્ય છે કે તે સમાજમાં શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખે તેમજ દરેકને પોતાના વિકાસના પૂરતા અવસરો પ્રદાન કરે. રાજ્યનાં આ કર્તવ્યોની પૂર્તિ માટે જ એક વિશાળ વહીવટી વ્યવસ્થા વિકસાવવામાં આવે છે. આપણે ત્યાં રાજકીય લોકશાહી તો સ્થાપિત થઈ છે પરંતુ સામાજિક-સાંસ્કૃતિક લોકશાહીની અવગણના થઈ રહી છે. લોકશાહી શાસનવ્યવસ્થા દરેક વ્યક્તિના કલ્યાણ તેમજ સશક્તીકરણને સમર્પિત હોય છે. દરેક વ્યક્તિનું કલ્યાણ તેમજ સશક્તીકરણ ત્યારે જ સંભવિત બની શકે જ્યારે સમગ્ર સામાજિક વાતાવરણ શાંતિદાયક તેમજ વિકાસદાયક હોય. જો વ્યક્તિના આચાર-વિચારનું ધ્યાન રાખવાની જવાબદારી વ્યક્તિની પોતાની હોવાની સાથોસાથ સમાજની પણ છે તો વ્યક્તિના આચાર-વિચાર અને સામાજિક મૂલ્યોને અનુરૂપ વાતાવરણ પ્રદાન કરવાની જવાબદારી રાજ્યવ્યવસ્થાની છે. વ્યક્તિના આચરણને તેના વિચારનું પરિણામ ગણી શકાય તો વ્યક્તિના વિચારને તેના વાતાવરણનું પરિણામ ગણી શકાય. આ દૃષ્ટિએ વિચારીએ તો રાજ્યવ્યવસ્થા જ સમાજના વાતાવરણની નિર્માતા, નિયંત્રક અને નિર્ધારક હોય છે. લોભ-લાલચ, ક્રોધ, અસ્વસ્થ સ્પર્ધા, સ્વાર્થપણા જેવાં તત્ત્વોને પ્રોત્સાહન આપતું વાતાવરણ સમાજમાં અશાંતિ, વિખંડન અને અવ્યવસ્થા ઊભી કરે છે. જ્યારે સહકાર, સેવા, સંયમ જેવાં તત્ત્વોને પોષતું વાતાવરણ સમાજમાં શાંતિ, એકીકરણ અને વ્યવસ્થાને પ્રોત્સાહિત કરે છે. રાજ્યવ્યવસ્થા પર એ જવાબદારી છે કે તે એક એવા વાતાવરણને પ્રોત્સાહન આપે જેમાં શાંતિ, એકીકરણ ને વ્યવસ્થા આગળ વધે. આવા વાતાવરણના વિકાસ માટે રાજ્યની ભૂમિકાને પુનર્પરિભાષિત કરવાની જરૂરિયાત છે. જે રીતે આજે રાજ્યને “સામાજિક પરિવર્તન'નું એક સાધન માનવામાં આવે છે એ જ રીતે રાજ્યને “શાશ્વત માનવીય મુલ્યોના રક્ષણનું સાધન પણ બનાવવામાં આવે. દેશના બંધારણમાં જે રીતે સાંસ્કૃતિક મૂલ્યોને સામેલ કરવામાં આવ્યાં છે તે મૂલ્યોના રક્ષણ માટે રાજ્યવ્યવસ્થા દ્વારા વિશેષ પ્રયત્નોની એક હારમાળા શરૂ કરવામાં આવે. યુવાનો રાજકીય નેતૃત્વ પાસેથી મૂલ્યોની શીખ મેળવી શકે એ માટે રાજકીય જીવનને યથાશક્ય સ્વચ્છ બનાવવાની જવાબદારી સમાજ પોતે સંભાળી લે. ભારતની લોકશાહી દેશના લોકોને જ એ સત્તા આપે છે કે કોણ રાજ્યવ્યવસ્થા સંભાળે અને કોણ રાજ્યસત્તાની બહાર રહે. સમાજ પોતે આ સત્તાનો ઉપયોગ કરી રાજ્યવ્યવસ્થામાં સ્વચ્છ, ચારિત્ર્યવાન અને સેવાભાવી લોકોને આગળ લાવી શકે છે. જો દેશનું રાજકીય નેતૃત્વ આવા ગુણોનું સ્વામી બને તો યુવાનોને મૂલ્યો તરફ જાગ્રત કરવાની પ્રક્રિયા વધુ તીવ્ર બની શકે. સ્પષ્ટ છે કે રાજ્યવ્યવસ્થા પણ સમાજના આધારે સંચાલિત થાય છે અને આ સંદર્ભમાં સમાજે એકીકૃત થઈ ગંભીરતાથી વિચારણા કરવાની જરૂરિયાત છે.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy