SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ હવે લીલાબહેનને દીક્ષા અંગીકાર કરવાનું ખૂબ જ મન થવા લાગ્યું. કુટુંબીઓને આ વાતની જાણ થતાં તેઓએ ગુરૂમાને વિનંતી કરી કે, આપ હવે અમારા ગામમાં પધારો અને ચાતુર્માસ સ્થિરતા કરો. પછી લીલાને દીક્ષા માટે યોગ્ય જાણી વિચારીશું. બીજા વર્ષે લીલબાઈ સાથે પૂજ્યશ્રી નવાવાસ ચાતુર્માસ પધાર્યા. આ ચોમાસા દરમિયાન કુટુંબીઓ સાથે ગામના અન્ય શ્રાવકોએ પણ લીલાના ભાવની ચકાસણી કરી. શ્રાવકોમાં કાનજી ખીપરા, ઘેલાભાઈ પુનશી વગેરે પરીક્ષક હતા. સૌની પરીક્ષામાં લીલબાઈ સફળ થયાં. સૌ તરફથી દીક્ષાની અનુમતિ મળી ગઈ. એ જમાનામાં ૧૫ વર્ષની છોકરી દીક્ષા લેવા તૈયાર થાય એ બધાને બહુ નવાઈ ભરેલું લાગતું. પણ તેની રહેણીકરણી જોઈને સૌ ઊલટભેર તેની ભૂરિ ભૂરિ અનુમોદના કરતા. વિ.સં. ૧૯૮૭ના ફાગણ વદ બીજનો દિવસ દીક્ષા માટે નક્કી કરવામાં આવ્યો. ધામધૂમથી મહોત્સવપૂર્વક લીલબાઈએ દીક્ષા અંગીકાર કરી. પૂજ્ય શ્રી વિવેકશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે પૂજ્ય શ્રી આનંદશ્રીજી નામાભિધાન થયું. સાધ્વીવેશમાં દીપતાં આ નાના મહારાજને ગુરૂ સાથે પગપાળા વિહાર કરતાં જોઈ સૌની આંખમાં હર્ષાશ્રુ વહેવા લાગ્યાં! એ વરસનું ચોમાસું પૂર્ણ થતાં ગુજરાતના ધ્રાંગધ્રા ગામમાં યોગની ક્રિયા સાથે તેમને વડી દીક્ષા આપવામાં આવી. એક ચોમાસું પાલીતાણા કરી કચ્છમાં પધાર્યા. ભુજપુર ગામમાં પૂજ્યશ્રી પ્રમોદશ્રીજી મહારાજ દેવગત થયાં. સમુદાયમાં પૂજ્ય શ્રી દયાશ્રીજી, પૂજ્ય શ્રી પ્રમાણશ્રીજી, પૂજ્ય શ્રી અવિચલશ્રીજી વગેરે વડીલો વચ્ચે પૂજ્ય આનંદશ્રીજીને ભણવાનો સારો અવસર મળ્યો. આ સમયમાં પ્રકરણજ્ઞાન પ્રાપ્ત કરીને, સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, કાવ્ય, જ્યોતિષ આદિ વિષયો અને શાસ્ત્રસિદ્ધાંતનું સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્યાં વિચર્યા ત્યાં સારી નામના મેળવી. તેમની ભાષા મધુર હોવાથી તેમની સાત્વિક વાણી સાંભળતાં સૌને આનંદ થતો. પોતે ગુરૂણી પ્રત્યે અનન્ય ભક્તિભાવ રાખતાં ગુરૂને પણ તેમના પ્રત્યે અનન્ય વાત્સલ્યભાવ હતો. આનંદ... આનંદ.. કહેતાં ગળું સૂકાતું નહિ. ગુરૂની દરેક પ્રકારની અનુકૂળતા સાચવતાં શિષ્યોને આનંદ થતો. - પૂજ્ય ગુરૂદેવનો શિષ્યા પરિવાર પણ વ્યસ્થિત હતો. સૌથી મોટા પૂજ્ય શ્રી અમૃતશ્રીજી મહારાજ, તે પછી પૂજ્ય શ્રી આત્મગુણાશ્રીજી, પ્રિયદર્શનાશ્રીજી, આજ્ઞાનુણાશ્રીજી, ભાગ્યોદયશ્રીજી આદિ પણ ભક્તિભાવ રાખવામાં અને સેવાચાકરી કરવામાં ઉણાં ઊતરતાં નહીં. શિષ્યાઓનો સમર્પિતભાવ એકબીજામાં આરોપિત હોવાથી સૌએ છેવટની ઘડી સુધી ગુરૂસેવાનો લાભ લીધો. પૂજ્ય શ્રી વિવેકશ્રીજી મહારાજના દસ વર્ષના સ્થિરવાસ દરમિયાન નાના ભાડિયામાં શ્રી સંઘની ભાવના ઉત્તરોત્તર વધતી રહી, એમાં પૂજ્ય આનંદશ્રીજી મહારાજે તેમનાં વાણીવર્તનથી સારી ચાહના મેળવી. વિ.સં. ૨૦૪૧ના કારતક સુદ બીજ-ભાઈબીજને દિવસે પૂજ્ય શ્રી વિવેકશ્રીજી મહારાજનો દેહાંત થતાં, પોતાના પંચાવન વરસના દીક્ષાપર્યાયમાં ગુરૂદેવથી એક ક્ષણ જુદા રહેવાનો આ પહેલો પ્રસંગ બન્યો. ત્યારબાદ, મોટી ખાખર ચોમાસું થતા બિમારી આવી. પર્યુષણ પર્વ પછી પણ કેટલાક દિવસ સુધી ત્યાં પોતે જ વ્યાખ્યાન વાંચતાં, દર્દ અસાધ્ય હોવાથી ડૉકટરની ટ્રીટમેન્ટ ચાલુ હતી. મનથી પોતે સાવધ થઈ ગયા હતાં. ત્યાંના સંઘે દરેક જાતની અનુકૂળતા કરી આપી, અત્યંત ભક્તિભાવ દર્શાવ્યો. પરંતુ પૂજ્યશ્રીને નિર્વાણભૂમિ કેમે કરી ભૂલાતી ન હતી. ચોમાસું પુરૂં થતાં, કારતક વદ ત્રીજને દિવસે નાના ભાડિયા પધાર્યા અને વદ છઠને મંગળવારે પ્રભાતના ૬ વાગે પૂજ્યશ્રીનો પવિત્ર આત્મા સ્વર્ગે સિધાવ્યો. - પૂજ્ય આનંદશ્રીજી મહારાજ આનંદમય જીવન જીવી ગયાં. સમગ્ર જીવન દરમિયાન ક્યારેય ગુરૂથી અલગ નહિ રહેનાર આ શિષ્યાએ સિદ્ધ કરી આપ્યું કે તેઓ ગુરૂથી અલગ રહી શકે તેમ નથી. પૂજ્યશ્રીનાં શિષ્યાઓ આ ગુરૂભક્તિને સ્મરતાં વિચારી રહ્યાં છે! એવા એ મહાન ગુરૂભક્ત આનંદમયી સાધ્વીશ્રીને કોટિશઃ વંદના! સંઘસૌરભ = ૭૭ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012018
Book TitleSangha Saurabh
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherParshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
Publication Year2005
Total Pages176
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy