SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૫ મમ્મણ શેઠની કથા (જૈન કથા રત્નકોષ - ભા.૧, પૃ.૬૯) વૈભવશાળી રાજગૃહી નગરીના નાલંદાપાડા ક્ષેત્રમાં મમ્મણ નામના એક કંજૂસ શેઠ રહેતા હતા. તેમને ત્યાં સંપત્તિની છોળો ઉછળતી હતી. તેમની હવેલીમાં એક હજાર વાણોત્તર (ગુમાસ્તા) હતા. મહારાજા શ્રેણિકને તેઓ સંપત્તિમાં ઉણા ઉતારે તેવા ધનવાન હતા. અપાર વૈભવ હોવા છતાં તેઓ ન કદી સારાં વસ્ત્રો પહેરતા, ન કદી મેવા-મીઠાઈ જેવા સ્વાદિષ્ટ કે મધુર ભોજન આરોગતા. તેમના કમ્મરે ફક્ત એક ટૂંકી પોતડી રહેતી, તેમજ પ્રતિદિન ચોળા અને બરટી જેવો તુચ્છ આહાર આરોગતા. તેમને મખમલી શય્યા પર ઊંઘ ન આવતી. તેમને ભૂમિશયન જ પ્રિય હતું. અતિશય લોભના કારણે મન સદા અતૃપ્ત, સંતપ્ત અને ખિન્ન રહેતું. આખો દિવસ મનમાં બબડાટ ચાલતો. એકવાર તેઓ લાકડાં લેવા નદી કિનારે ગયા. ત્યાં નદીમાં પૂર આવ્યું. આકાશમાં મેઘગર્જના થતી હતી, વીજળી ઝબૂકી રહી હતી, અનરાધાર વરસાદ વરસતો હતો. તે સમયે રાત્રિની વેળાએ મહારાણી ચેલ્લણાએ વીજળીના પ્રકાશમાં કોઈ વ્યક્તિને નદીના ધસમસતા પ્રવાહમાં કંઈક ભેગું કરતાં જોયા. રાણીને અચંભા સાથે દુઃખ થયું. તેમણે મહારાજા શ્રેણિકને કહ્યું, ‘‘સ્વામીનાથ! આપણા રાજ્યમાં લોકો દુઃખી હોય તેવું જણાય છે. આવી ભયંકર વેળાએ મેં એક દુઃખી વ્યક્તિને નદીના પૂરમાં અલ્પવસ્ત્રમાં ફરતો જોયો.’’ દયાળુ શ્રેણિક રાજાએ તરત જ સેવકોને સૂચન કર્યું કે, ‘‘નદી કિનારે જે દુઃખી વ્યક્તિ છે તેને લઈ આવો.’’ સેવકો મમ્મણ શેઠને રાજાની સમક્ષ લાવ્યા. કમ્મર પર લંગોટી, ખભા પર લાકડાનો ભારો અને કુહાડો હતો. મહારાજા શ્રેણિકે પૂછયું, “કહો, આવી ભયંકર તોફાની રાત્રિમાં તમે નદીના પૂરમાં શું કરી રહ્યા હતા?'' મમ્મણ શેઠે કહ્યું, ‘‘મહારાજા ! મને બળદની જોડ જોઈએ છે.’’ મહારાજાએ વચ્ચે જ કહ્યું, ‘‘બળદની જોડ હું તને આપું. મારી બળદશાળામાં ઘણાં બળદો છે. જે સરસ જોડ હોય તે છોડીને ભલે લઈ જાવ.’’ મમ્મણ શેઠે કહ્યું, ‘‘મહારાજ! મને આવા બળદ નથી જોઈતા. આવા બળદોને હું શું કરું? મારા ઘરે સુવર્ણનાં બળદો છે. તેમાં અમૂલ્ય રત્નો જડેલાં છે. હું આ નગરીનો મમ્મણ શેઠ છું. મારી પાસે અઢળક સમૃદ્ધિ છે.’’ મહારાજા શ્રેણિકને ખૂબ નવાઈ લાગી. તેમણે પૂછયું, ‘‘શેઠજી! અપાર સંપત્તિ હોવા છતાં વિષમ કાળે નદીના પ્રવાહમાં તમે શું કરી રહ્યા હતા? તમારી કાયા કેમ કૃશ છે? તમારો પોશાક કેમ આવો ? એવા લાકડાં ભેગાં કરવાથી તમને વૃષભ કેમ પ્રાપ્ત થશે?’' “મહારાજ! મારો સંગ્રહ કરવાનો સ્વભાવ છે. મારી પાસે રત્નજડિત બળદોની જોડ છે. હે પ્રજાપાલક! મને હવે ફક્ત એક જ રત્નની જરૂર છે. તે માટે હું નદીના પૂરમાં પ્રવાહમાં તણાઈને આવતાં લાકડાં ભેગાં કરી ભારો બનાવું છું. વળી, મેં આવા લાકડાં માટે સમુદ્ર માર્ગે પ્રવહણ મોકલ્યાં છે. પરદેશમાં એ લાકડાં વેચીને તેનાં નાણાંના રત્ન લઈ આવીશ ત્યારે બીજો વૃષભ નીપજશે. આ બાવના ચંદનના કાષ્ટ છે. તેને હું જ પારખી શકું છું. હું અન્યને એ શીખવતો નથી. હવે રહી મારા પોશાકની વાત. હે રાજન! હું કિંમતી વસ્ત્ર પહેરું તો મારા શરીરમાં જાણે સોય ભોંકાતી હોય તેવી વેદના થાય છે, તેથી હું માત્ર પોતડી (અલ્પ વસ્ત્ર) પહેરીને જ રહું છું. ચોખા, દાળ અને ઘી જેવો પૌષ્ટીક ભોજન જમું તો આખો દિવસ પેટમાં ચૂંક આવે છે. સુંવાળી શય્યા કાંટા જેવી તીક્ષ્ણ ધારવાળી લાગે છે. તેથી ભોંયની પથારી મનને વધુ પ્રિય લાગે છે.’’
SR No.009214
Book TitleKayvanna Rasmala
Original Sutra AuthorN/A
AuthorBhanuben Shah
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2015
Total Pages622
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy