________________
જૈનેતરોએ હરખના આંસુ સાથે, પોતાના વતી ભગવાનને ધરવાની નાની નાની રકમ આપવાપૂર્વક, બહુમાનસહિત તથા પગે લાગીને તે પેકેટ સ્વીકાર્યા, તે દશ્ય અનુમોદનાની પરાકાષ્ઠા સમા બની રહ્યાં. મીઠાઈના નિર્માણ-કાર્યમાં કંદોઈઓ તથા તેમના કારીગરોએ, ઘી વગેરેના વ્યાપારીઓએ, લારી, વાસણો વ. ભાડે આપનારાઓએ (બધા અજૈનો) પોતાનાં હકનાં મહેનતાણાંનો ઘણો ભાગ, ભગવાનની ભક્તિ માટે જ જતો કરીને એવો તો સહકાર આપ્યો હતો કે તે બધાં અવશ્ય પ્રભુભક્તિની અનુમોદનાનું મૂલ્યવાન ભાથું બાંધી ગયા.
ત્યારબાદ, ખંભાતમાં જ વસતા, ખૂબ જરૂરતમંદ એવા આપણા ૯૬ સાધર્મિક-પરિવારોને, ત્રણ માસ ચાલે તેવી, જીવનજરૂરી સામગ્રીની કીટ બનાવીને ભેટ આપવામાં આવી. મીઠાઈ-વિતરણનો અંદાજિત ખર્ચ પાંચ લાખ જેવો હતો, તો આ કીટનો ખર્ચ આશરે સાડા ત્રણેક લાખ જેવો અંદાજી શકાય.
તે પછી, ખંભાતમાં જ વસનારાં, ગરીબી રેખા નીચે જીવનારાં, સવારે શું ખાવું તેની ચિંતામાં જીવતાં, લગભગ ૧૦૮૦ જેટલાં અજૈન (હિંદુ-મુસ્લિમ-હરિજન તમામ) પરિવારોને, તેમના જીવનધોરણને અનુરૂપ હોય તેવી સામગ્રીની, એક મહિનો ચાલી શકે તેવી કીટો વહેંચવામાં આવી. તેમાં પણ આશરે અઢી લાખ રૂા.નો સદ્યય થયો.
આ બધાં કાર્યો શ્રીસ્તંભનજી પ્રભુનાં ૭૦૦ વર્ષ નિમિત્તે તથા પ્રભુની પ્રસાદીરૂપે કરવામાં આવ્યાં હતાં.
જીવદયા માટે, એક જીવને અભયદાન આપવાના રૂા. બે હજાર લેખે ફંડ થયેલું. તેમાં સંયોગ-સમયની આવશ્યકતા અનુસાર, એકલા જીવ છોડાવવાનું જ ન રાખીને છોડાવેલાં જીવોના નિભાવને પણ લક્ષ્યમાં લઈને દાન આપવામાં આવ્યું. તેમાં ખંભાત, ગોધરા, મોરબી, હળવદ, સુરેન્દ્રનગર એમ વિવિધ જીવદયા-સંસ્થાઓમાં અનેક જીવોને અભયદાન અપાયું છે, જેમાં સાડા ત્રણ લાખ કરતાં વધુ રકમ વપરાઈ છે. હજી પણ ફંડની અપેક્ષાએ ઉપયોગ થવાનો છે.
4