SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ 62 આત્મ સેતુ અહંકાર ફંફાડા મારે છે કે વ્યક્તિ તેને વશ થઈ જાય છે. મનમાં માન્યતા છે “હું પરિશ્રમ કરીશ તો મારું માન વધશે.” તો સામેવાળાને એમ હોય કે “માન આપીશ તો માનવું પડશે.” શિષ્ટાચાર છે અને તમે માનો છો કે “નાનાએ મોટાનું કહ્યું માનવું જોઈએ. આદર કરવો જોઈએ.” સામેનાની એવી માન્યતા હોય કે “આદર કરીશ તો આધીન થવું પડશે.” સૌની પોતાની આંતરિક દુનિયા છે. સૌની આંતરિક દુનિયા અલગ છે. તમારૂં અહં એક રીતે વર્તે છે. બીજાનું અહં જુદી રીતે વર્તે છે. બન્નેના અહં જુદી જુદી બાબતથી પોષાય છે. બન્નેને એક કરવા જતાં, અશાંતિ, મનદુ:ખ, માન-અપમાન, આઘાત-પ્રત્યાઘાત વગેરે જાગી ઊઠે છે. તેના ધક્કાથી વ્યક્તિને કંઈ ને કંઈ કરવાનું વધતું જાય છે. કર્તાપણું મોટું ને મોટું થતું જાય છે. મનમાં સંતોષની રેખા દોરાતી નથી. થોડુ વધારે, હજુ વધારે, બીજુ વધારે મેળવવા અતૃપ્ત મન વ્યક્તિને ધકેલ્યા કરે છે. અતૃપ્ત મનના ધક્કાથી ધકેલાતી વ્યક્તિ જો ક્યારેક થાકે, થાકીને જો ઊભી રહે, ઊભી રહીને જો અટકે, અટકીને જો વિચાર, વિચારતાં તેને એવો પણ વિચાર આવે કે સંતોષ કેમ નથી? હું શાનાથી સંતુષ્ટ થાઉં? બે વ્યક્તિની દુનિયા અલગ છે. અનેક વ્યક્તિની દુનિયા અનેક છે. વળી એ દુનિયાના આકાર બદલાયા કરે છે. વ્યક્તિ અનેક વ્યક્તિ સાથે રહે છે. સૌને પોતાની દુનિયા ઊણી અધૂરી લાગે છે. સૌ ઊણા અધૂરા, બીજા તેવાની પાસેથી કંઈક લેવા દોડી રહ્યાં છે. વ્યક્તિને વિચાર આવે કે આ દોડ બરાબર છે? આમ “કર્યા કરવું” એજ મારી નિયતિ છે? મારામાં આવી ને આટલી જ શક્તિ છે? આ જ શક્યતા છે? કે આ સઘળાથી વિશેષ કંઈક “હું” છું? કોઈ વ્યક્તિ ઓછી સગવડમાં ઘસઘસાટ ઊંઘે છે. સાવ સાદુ ભોજન મોજથી જમે છે. વધુ ને વધુ મેળવવા કંઈક કર્યા કરવાની દોડમાંથી તે બહાર નિકળી ગઈ છે. તેના ચહેરા પર સંતોષ અને પ્રસન્નતા છે. તેમની શક્તિની વિશેષતાઓ ખીલવા લાગી છે. લોકો જેને સંત કહે છે. જે શાંત થઈ ગયા છે. તેના અંતરની દુનિયા અવય જુદી હશે. આપણે આપણા અંતર્જગત પર દૃષ્ટિ કરીએ. મનના સરોવરમાં અહંકારની કાંકરી પડે, તરંગ જાગે અને વ્યક્તિ કંઈ કરવાને ભાગે. ભાગવાને બદલે વ્યક્તિ જાગે તો? આપણને કંઈ ને કંઈ “કર્યા કરવાનું” મૂલ્ય છે. “કંઈ ન કરવાનું” પણ અમૂલ્ય છે એ આપણે નથી જાણતાં. “કરવું” અને “ન કરવું” નું સંતુલન કરવા પ્રયત્ન કરીએ. અંતર્જગતમાં ફરતાં, મનની કોઈ અંધારી ગલીમાં જતાં કદાચ દુર્ગધ આવે, કચરો-ઊકરડો નજરે પડે. તે “ગંદકી” ન ગમે તો દૂર કરવાનું મન થઈ જાય! મનના મેલ માંજવાનું કામ ચાલુ થાય. વ્યવહાર અને વિચારની અશુદ્ધિ, સ્વાર્થવૃત્તિ, અહંકાર, લાલસા વગેરેનો રંગ ફિકો પડવા લાગે. અંતરની કરણી ચોખ્ખી થતી જાય તેમ તે, વ્યક્તિના વર્તનમાં દેખાય.
SR No.009194
Book TitleAatmsetu
Original Sutra AuthorN/A
AuthorVeenaben Ravani
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy