SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ રક્ષા માટે આજુબાજુમાં માણસો ગોઠવ્યા. મહાત્મા અનશન કરી કાઉસ્સગ્ગધ્યાનમાં ઊભા રહ્યા. આ બાજુ પેલા વ્યંતરે પૂર્વભવનું વૈર યાદ કરી શિયાળનું અને તેના બચ્ચાઓનું રૂપ વિકુર્તી, રક્ષકો આઘાપાછા થાય ત્યારે ચીચીયારી કરતાં તેમના શરીરનું માંસ ખાવા માંડ્યું. આ રીતે પંદર દિવસ સુધી રોગની પીડા સાથે આ ઉપદ્રવને પણ આ મહાત્માએ કોઇ પણ જાતના ધર્મધ્યાનના વિદ્યાત વિના કે આર્ત્તરૌદ્રધ્યાનને કર્યા વિના સહ્યો અને અંતે શુક્લધ્યાનમાં આરૂઢ થઇ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. કેવળજ્ઞાન પામવાનું અઘરું છે - એવું નથી માનવું. દુઃખ ભોગવીને કેવળજ્ઞાન મેળવવું સારું કે સુખની આશાએ સંસારમાં રહેવું સારું ? સંસારમાં સુખ મળવાનું નથી તેથી દુ:ખ ભોગવીને મોક્ષે જતા રહેવું છે. (૧૭) તૃણસ્પર્શપરીષહ : પંદર પ્રકારના પરીષહ વેઠવા માટે જે સમર્થ બન્યા હોય તેવા સાધુઓ આગળના પરીષહ સહેલાઇથી વેઠવા સમર્થ બને છે. દુઃખ વેઠવાનું કપરું છે - એવું લાગે પરંતુ એટલું યાદ રાખવું કે સુખ ભોગવીને સંસારમાં ભટકવું એના કરતાં દુ:ખ ભોગવીને મોક્ષે જતા રહેવું સારું. કેવા સાધુને આ તૃણસ્પર્શપરીષહ વેઠવાનો અવસર આવે છે તે માટે જણાવે છે કે જેમની પાસે વસ્ત્ર નથી, જીર્ણપ્રાય છે, કારણ કે સાધુ અચેલ પરીષહને જીતનારા હોય, પાછું જેમની કાયા લૂખી પડી ગઇ હોય, રૂક્ષ થઇ હોય, પોતે સંયત હોય, તપથી શરીર કૃશ થયું હોય તેવા સાધુ તૃણ ઉપર સૂઇ જાય તો તેમનાં ગાત્રોને પીડા થયા વિના ન રહે. એમાં ય પાછું તડકો પડવાના કારણે શરીર ઉપર અળઇઓ થઇ ગઇ હોય તેવા વખતે તૃણસ્પર્શથી વેદના વધુ થશે - એમ સમજીને સાધુ મુલાયમ તંતુથી બનેલા વસ્ત્રની ઇચ્છા ન કરે, તેને સેવે પણ નહિ. આવી અવસ્થામાં ઊંઘ કઇ રીતે આવે ? આવી વિચારણા ન કરવી. જેને રોગની પીડા થાય તે રોગની પીડામાંથી થોડી રાહત મળે તે માટે શાંતિથી ઊંઘવાનું મન થઇ જાય છતાં તે વખતે એવો વિચાર કરે કે નરકગતિમાં તો દુઃખની રાહત મળતી જ નથી, ઊંઘવા પણ મળતું નથી. ત્યાં અસંખ્યાત વર્ષો સુધી આ વેદના અકામપણે વેઠી તો અહીં સકામપણે આટલી વેદના ૩૫૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર વેઠવામાં શું વાંધો છે ? સુખ ભોગવવા માટે પાપ કરવું તેના કરતાં દુઃખ ભોગવીને પાપથી દૂર થવું અને સર્વથા પાપરહિત બનવું સારું ને ? દુઃખ વેઠવાનો અભ્યાસ જેને પડી ગયો હોય તેને મહાવ્રતોનું નિરતિચાર પાલન કરવાનું સહેલું પડે છે. મોક્ષે પહોંચાડવા માટે જે ધર્મ સમર્થ છે તેના પાલન માટેની શક્તિ કે સત્ત્વ કેળવવા માટે આ બાવીસ પરીષહનું વર્ણન આપણે શરૂ કર્યું છે. અત્યાર સુધી દુઃખનો પ્રતિકાર કરવા માટે જ આપણે આપણું જીવન પૂરું કર્યું છે. તેથી આપણે ધર્મ માટેનું સત્ત્વ કે શક્તિ કેળવી ન શક્યા. હવે આ ભૂલ સુધારી લેવી છે. આપણે તૃણસ્પર્શપરીષહની વાત કરી. તેમાં એક કથાનક આપ્યું છે. શ્રાવસ્તી નામની નગરીમાં જિતશત્રુ નામના રાજાને ભદ્ર નામનો રાજપુત્ર હતો કે જે સાત્ત્વિકોમાં શિરોમણિ હતો. અહીં ભદ્રનું સત્ત્વશાળી વિશેષણ આપ્યું છે. એનું કારણ એ છે કે આ ભદ્રમાં દીક્ષાની યોગ્યતા છે - એ બતાવવું છે. દીક્ષા માત્ર વૈરાગ્યથી નથી મળતી, સત્ત્વથી મળે છે. આજે આપણો રાગ સંસારમાંથી ઓસરી ગયો હોવા છતાં સત્ત્વનો અભાવ હોવાથી જ સંસારમાં બેઠા છીએ ને ? સત્ત્વ વગરના સંસાર છોડી ન શકે અને કદાચ છોડી દે તોપણ અહીં આવીને નવો સંસાર ઊભો કરે. સુખ ઉપરનો રાગ ઓછો થયા પછી કે દુઃખ ઉપરનો દ્વેષ ઓછો થયા પછી પણ સુખ છોડવા અને દુઃખ ભોગવવા માટે સત્ત્વ જોઇએ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે દીક્ષા લેવી એ વીર પુરુષોનું કામ છે, કાયર પુરુષોનું એ કામ નથી. દીક્ષા સત્ત્વથી મળે છે. જેની પાસે સત્ત્વ હોય તે જ પ્રણિધાનપૂર્વક પ્રવૃત્તિ કરી શકે છે, સત્ત્વના કારણે ગમે તેટલી આપત્તિ આવ્યા પછી પણ પગ સ્થિર રહે છે અને વિચલિત થવાનું બનતું નથી. સત્ત્વ માટે શરીરની શક્તિ નથી જોઇતી, મનોબળ જોઇએ છે, સંકલ્પબળ જોઇએ છે. આ ભદ્ર રાજપુત્રે એકવાર સાધુભગવંતની દેશના સાંભળીને સંસારથી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. તેમની પાસે સત્ત્વ તો હતું, વૈરાગ્ય બાકી હતો તે દેશનાથી મળી ગયો તો નીકળી પડ્યા. આપણી પાસે વૈરાગ્ય તો છે ને ? આ સંસારમાં જે કાંઇ સુખ મળ્યું છે એ ભંગાર કોટિનું છે ને ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૫૧
SR No.009131
Book TitleUttaradhyayan Sutra Commentary
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherLakshmiben Mangaldas Ghadiyal
Publication Year2011
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy