SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ jainology | [ભગવતી સૂત્ર : શતક–૨૫, ઉદ્દેશક–૬] સંક્ષિપ્ત પરિચય :– 147 નિગ્રંથ સ્વરૂપઃ ૬ નિયંઠા આગમસાર આ ઉદ્દેશકમાં છ પ્રકારના નિગ્રંથોનું સ્વરૂપ ૩૬ દ્વારના માધ્યમથી ર્યું છે. નિગ્રંથ :। :– રાગ દ્વેષાદિ ગ્રંથિથી જે રહિત હોય, તે ગ્રંથિનો નાશ કરવા માટે જે પુરુષાર્થશીલ હોય, તે નિગ્રંથ કહેવાય છે, તે સર્વવિરતિ સાધુ હોય છે. તેની વિવિધ અવસ્થાઓના આધારે શાસ્ત્રકારે તેના છ પ્રકાર કહ્યા છે. (૧) પુલાક : પુલાક નામની લબ્ધિના પ્રયોગથી મૂળગુણ અને ઉત્તરગુણમાં દોષ સેવન કરીને જે પોતાના ચારિત્રને શાળના પૂળાની જેમ નિઃસાર બનાવી દે છે, તેને પુલાક કહે છે. તે નિગ્રંથ સંઘ કે શાસન પર કોઈ આપત્તિ આવે ત્યારે લબ્ધિના પ્રયોગથી ચક્રવર્તીને પણ શિક્ષા આપી શકે છે, દંડિત કરી શકે છે અને તે નિગ્રંથ, પુલાક લબ્ધિના પ્રયોગ દ્વારા અંતર્મુહૂર્તમાં આપત્તિનું નિવારણ કરી શકે છે. તે નિગ્રંથનું ગુણ સ્વરૂપ પાણીથી ભરેલી મશકનું મુખ ખોલી નાખવા સમાન છે. જે રીતે મશકનું મુખ ખોલતાની સાથે જ પાણી શીવ્રતાથી બહાર નીકળી જાય છે, તે જ રીતે પુલાક લબ્ધિ પ્રયોગના સમયે તેના સંયમપર્યવોનો શીઘ્રતાથી હ્રાસ થાય છે. જો અંતર્મુહૂર્તમાં જ તેની આલોચના વગેરે કરીને શુદ્ધ થઈ જાય તો કષાયકુશીલ નિગ્રંથપણું પામે છે, અન્યથા ખાલી મશકની જેમ તે અસંયમ અવસ્થાને પામે છે. (૨) બકુશ :– સંયમ સ્વીકાર્યા પછી માનસિક શિથિલતાથી, અસહનશીલતાથી કે શરીરની આસક્તિથી ચારિત્ર પાલનમાં પ્રમાદનું સેવન કરતાં ઉત્તરગુણમાં દોષોનું સેવન કરીને જે સાધુ પોતાના ચારિત્રને શબલ એટલે કાબર ચિત્તડું બનાવી દે છે તેને બકુશ કહે છે. તે સાધુ પોતાના શરીરની કે ઉપકરણોની વિભૂષા કરવા અનેક પ્રકારે દોષોનું સેવન કરે છે. બકુશ નિગ્રંથનું સ્વરૂપ પાણીની ટાંકીમાં તિરાડોની સમાન છે. ટાંકીમાં ઉપરથી પાણી ભરાઈ રહ્યું હોય અને નાની નાની તિરાડમાંથી પાણી બહાર વહી રહ્યું હોય, તે સમયે તિરાડ નાની નાની હોવાથી અને પાણી ભરવાનું ચાલુ હોવાથી પાણીનું સંરક્ષણ અને વિતરણ બંને કાર્યવાહી ચાલે છે. વ્યક્તિ જો તેની ઉપેક્ષા કરે, તિરાડ મોટી થઈ જાય અને પાણીની જાવક વધી જાય તો કાર્ય અટકી જાય છે. તે જ રીતે બકુશ નિગ્રંથ ઉત્તરગુણમાં દોષસેવન કરે છે છતાં જ્ઞાનાદિની આરાધના ચાલુ હોવાથી તેના સંયમ પર્યવો જળવાઈ રહે છે અને જીવનપર્યંત પણ આ પરિસ્થિતિ ટકી શકે છે પરંતુ મોટી તિરાડની જેમ જો દોષસેવનની માત્રા વધી જાય, અશુભલેશ્યાના પરિણામો આવી જાય તો તે કાળાંતરે અસંયમભાવને પામે છે. (નિયંઠામાં છ લેશ્યા હોઇ શકે છે. અશુભ લેશ્યાઓ વધારે સમય રહે તો નિયંઠા અસંયમને પામે છે.) કુશીલ :– મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવનથી અથવા સંજ્વલન કષાયના ઉદયથી જેનું ચારિત્ર દૂષિત થયું હોય તેને કુશીલ કહે છે. તેના બે ભેદ છે– પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ. (૩) પ્રતિસેવનાકુશીલ :– પ્રમાદ આદિના નિમિત્તથી મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષના સેવનથી જે પોતાના ચારિત્રને દૂષિત બનાવે, તેને પ્રતિસેવનાકુશીલ કહે છે. તેનું સ્વરૂપ પાણીની ટાંકીમાં છિદ્ર પડવા સમાન છે. જે રીતે છિદ્રને ટૂંક સમયમાં પૂરી દેવામાં આવે, તો કાર્યવાહી યથાવત્ ચાલતી રહી શકે પરંતુ બેદરકારીથી છિદ્ર મોટું થઈ જાય, તો પાણી શીઘ્ર ખાલી થઈ જાય છે. તે જ રીતે આ નિગ્રંથ પણ દોષસેવનની મર્યાદામાં ૨હે, યથાસમય દોષ શુદ્ધિનું કે પ્રાયશ્ચિત્તનું લક્ષ્ય રાખે ત્યાં સુધી તેનો સંયમભાવ રહે છે અન્યથા દોષસેવનની મર્યાદાનું ઉલ્લંઘન કરે, શુદ્ધિનું કે પ્રાયશ્ચિત્તનું લક્ષ્ય ન રાખે અથવા અશુભ લેશ્યાના પરિણામો આવી જાય તો અસંયમભાવને પ્રાપ્ત કરે છે. (૪) કષાયકુશીલ :– તે સાધુ મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવન કરતા નથી. તે મહાવ્રત, સમિતિ, ગુપ્તિનું યથાર્થ પાલન કરે છે. તેમ છતાં માત્ર સંજ્વલન કષાયના ઉદયના કારણે જેનું ચારિત્ર કંઈક અંશે દૂષિત થાય છે તેને કષાયકુશીલ કહે છે. (૫) નિગ્રંથ :- રાગ દ્વેષની ગ્રંથીનો સર્વથા ઉપશમ અથવા ક્ષય થયો હોય તેવા છદ્મસ્થ વીતરાગી સાધકને નિગ્રંથ કહે છે. તેઓમાં અગિયારમું અને બારમું બે ગુણસ્થાન હોય છે. અગિયારમા ગુણસ્થાને ઉપશાંત વીતરાગ અને બારમા ગુણસ્થાને ક્ષીણ વીતરાગ હોય છે. - (૬) સ્નાતક :– જેનું ચારિત્ર અખંડ છે, જે ચાર ઘાતિકર્મથી રહિત છે, તેવા કેવળી ભગવાનને સ્નાતક કહે છે. તેઓમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન હોય છે. આ રીતે છ પ્રકારના નિગ્રંથો ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામી હોય છે. સૂત્રકારે તેના ભેદ–પ્રભેદ વગેરેનું ૩૬ દ્વારથી વિસ્તૃત વર્ણન ર્યું છે. પ્રત્યેક નિગ્રંથના પાંચ-પાંચ ભેદ = નિગ્રંથ :- મિથ્યાત્વાદિ આપ્યંતર ગ્રંથી અને ધન-ધાન્યાદિ બાહ્ય ગ્રંથિથી રહિત સર્વ વિરત શ્રમણોને નિગ્રંથ કહે છે. ચારિત્ર મોહનીયકર્મના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે છ ભેદોમાં તેમનું વર્ણન આ પ્રમાણે છે— (૧) પુલાક :– શાળ—ચોખાના પૂળામાં સારભાગ અલ્પ અને ઘાસ, માટી આદિ નિઃસાર ભાગ અધિક હોય, તેમ જેના ચારિત્રમાં સાર ભાગ અલ્પ અને નિઃસાર ભાગ અધિક હોય તેને પુલાક કહે છે. સંયમ પ્રાપ્તિના સમયે સાધક, કષાય કુશીલ નિયંઠાને પ્રાપ્ત થાય છે. તેની સંયમ સાધનાથી સંયમ પર્યાયોની વૃદ્ધિ થાય અને નવ પૂર્વના જ્ઞાનની પ્રાપ્તિ થાય, ત્યાર પછી નિર્દોષ ચારિત્રનું પાલન કરનાર કેટલાક સાધકોને પુલાક નામની લબ્ધિ પ્રગટ થાય છે. તે સાધુ કોઈ આવશ્યક પ્રસંગે અથવા જ્ઞાન, દર્શનાદિ પ્રયોજનથી તે લબ્ધિનો પ્રયોગ કરે છે. લબ્ધિપ્રયોગ અવસ્થામાં અંતર્મુહૂર્ત માટે તેને પુલાક નિગ્રંથ કહે છે.
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy