SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૮૦ જ્યાં મન આકર્ષિત ત્યાં જન્મ ઉપર જણાવેલ બગીચામાં એક કેળને નવા પલ્લવ આવેલ. તે પવનની લહેરથી ફરફરી રહેલા જોઈ મેં કૃપાળુદેવનું ધ્યાન તે તરફ ખેંચ્યું. ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે મન તેમાં બહુ આકર્ષાશે તો ત્યાં ઊપજવું થશે. મેં કહ્યું–મનુષ્ય જીવ ત્યાં ઊપજે એ બને ખરું? તેના જવાબમાં મરૂદેવી માતાનો જીવ કેળના ઝાડમાંથી ચ્યવીને મનુષ્યપણું ઘારણ કર્યાનું જૈન આગમોમાં કહ્યું છે તે જણાવ્યું હતું. તેઓશ્રીની દરેક કાર્યમાં નિર્મળતા, સ્વચ્છતા અને નિર્દોષતા જોવામાં આવતી હતી. કઠોર વચનનું પ્રાયશ્ચિત્ત આ પ્રદેશમાંથી શ્રીજી સાહેબ પોતાને વતન જવાને સમયે જ્યારે સાથે વળાવવા ગયો ત્યારે રસ્તામાં એક ઘણો કઠોર શબ્દ તેઓશ્રી પ્રત્યે મેં ઉચ્ચાર્યો હતો. આ લખનારને ખાસ કરી યાદ છે કે રસ્તામાં તે વખતે બીજી બાબતો ઉપર ચર્ચા ચલાવી પોતે “ભગવાન” છે એવું મારી પાસે કબૂલ કરાવી, પોતાની પાસે એ કઠોર વચનની માફી મંગાવી હતી. જો કે ભગવાનનું સ્વરૂપ યથાતથ્ય પાછળથી સમજાયું છે તો પણ આ લખનાર તરફથી સહચારી સંબંઘના આકર્ષણને લઈ નીકળેલ કઠોર વચનનું પ્રાયશ્ચિત્ત તે જ વખતે લેવરાવ્યાનું અત્યારે ભાન થાય છે. કૃપાળુદેવ ઘરમપુરથી અમદાવાદ પઘારવા રવાના થયા તે વખતે સિગરામમાં મારો પુત્ર ભગવાનલાલ, દલીચંદ અને અમારા પાડોશી અંબાલાલનો દીકરો સાકરલાલ એ ત્રણે છોકરાઓ સાથે હતા. તેઓશ્રીએ બાળકોને ભાગોળે ઉતાર્યા ત્યારે દરેકના હાથમાં એક એક રૂપિયો આપ્યો હતો. શ્રીમદ્ ઉત્તમ પુરુષ સંવત્ ૧૯૫૬ના અષાઢમાં કૃપાળુદેવ મોરબી પધાર્યા. તે વખતે શરીર સ્થિતિ નરમ હતી. મોરબીમાં રેવાશંકરભાઈના ઘરે પ્રથમ રહ્યા હતા. પછી સ્ટેશન માસ્તરના ઘરમાં સ્થિરતા કરી હતી. મોરબી ખાતે આશરે ૨૦ દિવસ સત્સમાગમનો મને લાભ મળ્યો હતો. તે વખતે ઉત્તમ પુરુષ જાણી હું સેવા ચાકરી કરતો. મોરબીમાં શ્રી ઘારશીભાઈ, શ્રી નવલચંદભાઈ, શ્રી ચત્રભુજભાઈ, શ્રી પાનાચંદભાઈ, શ્રી વીરચંદ મૂલજી, શ્રી અમૃતલાલ માસ્તર એટલા ભાઈઓ વખતોવખત આવતા હતા. કુલદેવીની માન્યતા એકવાર મોરબીમાં એક વયોવૃદ્ધ જેના પ્રત્યે મને આદરભાવ હતો, તેમણે ગોંડલ કોઈ નિમિત્તે કુલદેવીની માનતાએ જવાનું નક્કી કર્યું. ત્યારે કૃપાળુદેવે તેમને વાર્યા અને જણાવ્યું કે તેમાં કંઈ બીજાં થાય તો તેનું જોખમ બધું અમારે શિર રાખીએ છીએ. છતાં એ ભાઈને કુલદેવીની માનતાએ જવાનું થયું. તેથી તેઓ હેરાન થયા હતા. એ વાત પાછળથી તેમને સમજાઈ હતી. વ્યાવહારિક પ્રસંગોના સવાલ જવાબમાં કૃપાળુદેવ હમેશાં ઉપેક્ષિત રહેતા. કશ, છેદ, તાપથી પરીક્ષા કરી ગ્રહણ કરવું ઘાર્મિક કે વ્યાવહારિક હર કોઈ બાબતને કશ, છેદ, તાપથી પરીક્ષા કરી પછી તેની યોગ્યતા પ્રમાણે ગ્રહણ કરવાનું તેઓશ્રી જણાવતા હતા.
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy