SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ વ્યાપ્તિ હતી. હડહડ કર્યું. ના જ ગયું. છેક ૧૪ કિ. મી. સાથે ચાલ્યું. સ્કૂલમાં ઉતારો હતો ત્યાં વટબંધ આવ્યું. અમે વાપરવા બેઠા તો આવીને ઊભું રહી ગયું. એની આંખો કહેતી હતી : તમને તો અમારી કદર જ નથી. તમે લોકો તો રોજ વિહાર કરો છો. અમારો પહેલો વિહાર છે. અમનેય ભૂખ લાગી છે.’ એની વ્યવસ્થા કરાવી. બપોર સુધીમાં તો ભળી ગયું. સાંજના વિહારમાં તો અંગરક્ષકની જેમ સાથે જ રહ્યું. વરસો જૂની ઓળખાણ હોય તેવી સમીપતા એ દાખવતું રહ્યું. એક પળ માટેય વિખૂટું ના પડ્યું. આખરે, મોટું ગામ આવ્યું. તે સ્થાનના કૂતરાઓ આ એકાકી કૂતરા પર તૂટી પડ્યા. બિચારું ન છૂટકે ભાગી ગયું. એ છેક સુધી વિહાર કરવા માંગતું હતું. ચૂકી ગયું. (૧૮) આખું ગામ સ્થાનકવાસીઓનું. મોટું સ્થાનક હતું. દોઢસોથી વધુ ઘરો હશે. મૂર્તિપૂજકનું માત્ર એક જ ઘર. નાનું ઘરદેરાસર. સ્થાનકમાં જ ઉતારો હતો. ત્યાના ભાવનાશીલ સજ્જનો કહે : આપ અહીં જ ચોમાસું કરો. આપ રહેશો તો ઘણા લોકો પૂજા કરતા થઈ જશે. એ વિનંતી કરનારા સ્થાનકવાસી અગ્રણીઓ હતા. (૧૯) આદિવાસી બાળકો માટેની હોસ્ટેલ. સાવ સાદા રહેઠાણો. અમને રાત માટે એક ઓરડી મળી. રાતે બાળકોને જૈન સાધુનો પરિચય આપ્યો. વાર્તા સાથે સારી વાતો સમજાવી. બધા બાળકોને મજા પડી ગઈ. પછી સૂવાનો સમય થયો હતો. સંથારામાં આડા પડતાવેંત જ ઊંઘ આવી. ત્યાં જ દરવાજે ટાબરિયું ઊભું રહ્યું ! જોરથી બૂમ પાડી : બાબાજી ! ઝોપલે કાંય ! ને કિલકિલ હસતું ભાગ્યું. ભોળા બાળકોને જીંદગીનાં દુઃખોની ખબર નથી કેમ કે મોટી મોટી ઇચ્છાઓની ઉંમર આવી નથી. ઉંમર વધશે તેમ ઇચ્છાઓની સાથે દુ:ખો વધશે. ઇચ્છા પૂરી કરવા અને દુઃખોને દૂર કરવા એ લોકો જે કાંઈ પણ કરશે તેમાં ભોળપણ ખાખ થઈ જશે. ܀ ܀ ܀ ૨૦ મધ્યપ્રદેશના અનુભવો (૧) વાઘ નદીના પૂલનો એક છેડો મહારાષ્ટ્રમાં છે. બીજો છેડો મધ્યપ્રદેશમાં છે. મહારાષ્ટ્રની વિદાય લઈને એ પૂલ પસાર કર્યો. જમણે હાથે જ રેસ્ટ હાઉસ હતું. એક વૃદ્ધ વોચમેનને હિંદીમાં પૂછ્યું : ‘વાઘ નદીકા રેસ્ટ હાઉસ હૈ, તો વાઘ રખ્ખા હૈ ?’ એણે હા પાડી. મેં પૂછ્યું : કહા હૈ. એણે કહ્યું કે પાછળ બગીચામાં છે. બંધા હુઆ નહીં હૈ, એણે ઉમેર્યું હતું. હવે તો ડર લાગ્યો. વાઘ હોય ને ખુલ્લો ફરતો હોય તો જોખમી જગ્યા કહેવાય. સંભાળીને બગીચામાં જોયું તો વાઘ નહોતો, સાબર જાતિનું મોટું હરણ હતું. આ તો મામાને બદલે માસા આવી ગયા. વોચમેનને સાંભળવાની તકલીફ હતી એમાં ગોટો વળ્યો. જો કે, વાઘ પીછો છોડવાનો નહોતો. સાંજે વિચિત્ર જગ્યાએ મુકામ મળ્યો હતો. ગામથી દૂર, પહાડીના ખોળે, જંગલના કાંઠે જ સ્કૂલ હતી. ભારે ઉકળાટ હતો. રાતે સૂવાના સમયે જ ખબર મળ્યા કે આ સ્કૂલના કૂવા પાસે રોજ રાતે વાઘ આવે છે. ગરમી એવી હતી કે રાતે સાડાદસ વાગેય લૂ દઝાડતી હતી. દરવાજા બંધ કરીને સૂવાનું બને તેમ નહોતું. થોડો ભાર લઈને સૌ સૂતા. રાતે દોઢ વાગે હાથની કોણીને કશુંક સુંવાળું અડ્યું. ઊંઘ ઉડી પણ આંખ ન ખોલી. વાઘ જ હશે. મૂંછ અડાડીને સૂંઘતો હશે. હલનચલન ન કરીએ તો શિકારી પશુ કાંઈ ન કરે. જરાક હલ્યા તો પછી એના નખ અને આપણું શરીર. સૂંઘવાનું એનું લાંબું ચાલ્યું. વાઘનું તો મોઢું ગંધાતું હોય છે. એવી કોઈ ગંધ ન આવી. આડા પડખે સૂતો હતો, સાચવીને ડોક ફેરવી તો વાઘ ન મળે. કોણીને તો દોરીએ બાંધેલી મચ્છરદાનીની જાળી અડતી હતી.
SR No.009103
Book TitleSadhu to Chalta Bhala 1
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages107
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy