SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ૧૨૭ સંગમનાં સ્થળે ગંગા-જમનાના રંગ સ્વતંત્ર વહે છે. જીત થાય છે તોફાની ગંગાની. ગંભીર જમના ગંગાશરણ થઈ જાય છે. રૂપાળા અને બોલકા માણસો ફાવી જાય છે. સાદા અને શાંત માણસો પાછળ રહી જાય છે, આ નિયમનો ભોગ જમના બની છે. સરસ્વતી નદીએ જમનાની હાલત જોઈ બોધપાઠ લીધો હશે એટલે એ પહેલેથી દેખાતી નથી. ગંગા તારે છે તેમ ભલે કહેવાતું. એણે સરસ્વતી અને જમનાને ડૂબાડી છે તે નજરે દેખાય છે. દિગ્વિજય મહાકાવ્યમાં ત્રિવેણી સંગમનું વિસ્તૃત વર્ણન છે. વૈશાખ વદ ૮: કૌશાંબી બમરૌલીમાં રાતે એક વાગેય ઉકળાટ હતો. પસીનાના રેલાએ કાનમાં ઘૂસીને ઊંઘ ભગાડી. આખા શરીર પર મચ્છરની જેમ બુંદ બેઠાં હતાં. હવા તો ચત્તોપાટ પડી ચૂકી હતી. ગરમાટો જમીનમાંથી નીકળે છે કે આભમાંથી નીતરે છે તે સમજાતું નહોતું. સ્કૂલની ઓસરીના છેવાડે ગામ આખાનો કચરો પથરાયો હતો. તેની ગંધ સતત સળવળતી હતી. ગામડાની સ્કૂલમાં સૂવાનું હોય અને પસીનો વળતો હોય એટલે ધૂળ તો ગમે ત્યાંથી વળગે. સૂરજના તડકા અંધારપછેડી ઓઢી ફરવા નીકળ્યા હોય તેવો ધખારો હતો. પાતળી મચ્છરદાનીની ભીતરમાં ભભૂકતા ઘોર પ્રલયકાળથી ભાગી છૂટવાનું મન થતું હતું. જવાનું ક્યાં ? ગરમીની સરમુખત્યારશાહી સામે સાવ વિવશ હતા. આકાશમાં ચાંદો તાલ જોતો હતો. વાદળાં આવ્યાં. તેમણે શીતલતા વરસાવી શકનારા ચાંદાને સકંજામાં લીધો. જો કે, ચાંદાના માથે સવાર થઈનેય તે વાદળાં ઉજળાં થયાં. એકાએક વાદળામાંથી તારો કૂદ્યો અને ખરી પડ્યો, કપાળ પરથી પરસેવાનું ટીપું સરી જાય તેવી જ રીતે. ચંદ્રની બેહાલ અવસ્થા જોવાની લાચારી વેઠવાને બદલે આત્મહત્યા કરી બેસનાર એ સેવકને ધન્યવાદ આપ્યા. એ વૈશાખ વદ પાંચમની રાત હતી. આજે વૈશાખ વદ આઠમની ધગધગતી બપોરે લખી રહ્યો છું. આજે કૌશાંબીના તીર્થનાયક શ્રી પદ્મપ્રભસ્વામીના દરબારમાં પ્રવેશ કર્યો ત્યારે ગરમી જોરમાં હતી, રંગમંડપની ફરસનો આરસ ધીખતો હતો. દેરાસરમાં હજી તડકો પહોંચ્યો જ ન હતો. છતાં આખું જિનાલય ઉષ્ણતામાનની ટોચ પર હતું. ભગવાન નિજાનંદમાં લયલીન હતા. ચાર દિવસની વિહારયાત્રામાં દિવસરાત આકરી ગરમી વેઠી હતી. ચાર મહિનાના વિહાર કરતાં આ ચાર દિવસના વિહાર વધુ ભારે નીવડ્યા હતા. પણ પ્રભુ મળ્યા તો બધું ભૂલી જવાયું. દૂર રસ્તેથી પ્રભુની ધજા ફરકતી જોઈ ત્યારે જ આંખો પર આનંદનો ભાવ પથરાયો હતો. ઊંચા વૃક્ષોની વચ્ચે પ્રભુની ધ્વજા , વાદળાઓની વચ્ચે વીજની જેમ દીપતી હતી. પગમાં જોમ આવ્યું. લાંબુ ચાલવાનું થયેલું તેનો શ્રમ ભૂલાઈ ગયો. વૈશાખ વદ દશમ : કૌશાંબી રાજા શતાનીકની નગરી કૌશાંબી. મહારાણી મૃગાવતીને પામવાના લોભમાં ચંડ પ્રદ્યોત ઉજજૈનથી ચડાઈ લઈ આવ્યો. ભયભીત રાજા શતાનીક અતિસારની બીમારીમાં મૃત્યુ પામ્યો. રાણી મૃગાવતીએ પ્રદ્યોતને ચાલાકીથી બહાર રોક્યો. પ્રદ્યોત દ્વારા જ કૌશાંબીનો મજબૂત ગઢ ચણાવ્યો. પ્રદ્યોતને મૂર્ખામીનું ભાન થયું ત્યારે કૌશાંબી સલામત બની ચૂકી હતી. શતાનીકનો પુત્ર ઉદયન. થોડા સમય પછી પ્રદ્યોતે તેનું અપહરણ કર્યું. ઉદયન રાજા તો ગજબનો માથાભારે. એ પ્રદ્યોતની દીકરી વાસવદત્તાને લઈને ભાગ્યો. રાજા પ્રદ્યોતે જીવંત સ્વામીની મૂર્તિ અને દેવદત્તાની દાસીનું અપહરણ કર્યું. રાજા ઉદયને છેક ઉર્જન જઈને કપટી પ્રદ્યોતને જીવતો બાંધી લીધો. એના કપાળે ‘દાસીપતિ’ લખાવ્યું. એ ઉદયનની આ નગરી. વસુદેશ તરીકે પણ આ પ્રદેશ ઓળખાતો. ઉદયન વત્સરાજ તરીકે ઓળખાતા ઉદયનની માતાએ કૂટનીતિથી બંધાવી લીધેલો કિલ્લો હજી હયાત છે. યમુનાના કિનારે એનો ટીંબો પડ્યો છે. તૂટેલી ઈંટો, શિલાખંડોની ભીંતો, ભૂતિયા ખાડા, મડદા જેવો બુરજ, જુગજૂની માટી. ખેતરોમાં તો વરસાદી મોસમ હોય ત્યારે ઘણું જડે છે. સોનામહોર, ચરૂ, પંચધાતુની મૂર્તિ, સિક્કા, રત્નો. કોઈ કોઈ સિક્કાઓ પર વાછરડાની છાપ હોય છે તે વત્સરાજના મનાય છે. આજ સુધી ઘણું નીકળ્યું છે. ગામના માણસોના હાથમાં જાય તે વેચાઈ જાય છે. પોલીસથાણામાં પહોંચે તે દબાઈ જાય છે. જમીનથી થોડેક નીચે ખોદીએ તો ઈંટોની ભીંતો નીકળી આવે છે. આખા વિસ્તારમાં નાની ટેકરીઓ ઘણી છે. નાલંદાની જેમ ખોદકામ થાય તો આખી નગરી નીકળી આવે, કદાચ. પ્રભુવીરના પાંચ મહિનાને પચીસ દિવસના ઉપવાસનું પારણું કરાવનારી ચંદનબાળાને ખરીદાતી જોનારી નગરી, ચંદ્ર અને સૂર્યનું એકી સાથે અવતરણ થયું તેનાં અજવાળે રંગાનારી નગરી,
SR No.009103
Book TitleSadhu to Chalta Bhala 1
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages107
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy