SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ૧૧૧ ચૈત્ર વદ છઠ : ફૈઝાબાદ શ્રી શાંતિનાથ ભગવાનનું સમતુંગ શિખરબદ્ધ જિનાલય. એકમાત્ર પ્રભુમૂર્તિ. અમે સાંજે પહોંચ્યા ત્યારે પૂરા અવાજથી ટેપરેકોર્ડર વાગતું હતું, જૈન ગીતો. ભગવાનનાં દર્શન કર્યો. ગભારાની જમણી તરફ રંગમંડપમાં કેસેટપ્લેયર ચાલતું હતું ત્યાં બીજા ધરમના દેવીદેવતાની કેસેટ્સ પણ હતી. સામે ભીંત પર સ્ટેન્ડ હતું તેમાં કેસેટના સેટ હતા. આશારામ, અનુપ જલોટા, પ્રદીપ જેવા નામો વંચાતાં હતાં. કોઈ ચંદ્રપ્રભ સાગર નામના જૈન સાધુની કેસેટ પણ હતી. ભગવાનના દરબારમાં આવો ઠાઠ પહેલી વખત જોયો. ધર્મશાળામાં પ્રતિક્રમણ કરવા બેઠા ત્યારે રાતનું અંધારું ફેલાઈ ગયું હતું. વોચમેને આવીને પૂછ્યું : કુછ ખાના ખાઓગે ? ના પાડી તો પૂછે : દૂધ તો પીઓગે ના ? અહીં કેવા સાધુ આવતા હશે તેનો અંદાજ બંધાતો હતો. રાતે પૂજારી ગભારાની સામે ભાવના ભણાવવા એકલો બેઠો, એની ઉપર સીલિંગ ફેન ચાલુ હતો. ગાવામાં ગરમી લાગે તો પાપ બંધાતું હશે તે ભગવાનના પૈસે પંખા લટકાવ્યા. આ ફૈઝાબાદની કથા છે. અહીં દર્શન કરવા કોઈ નથી આવતું. દિગંબરોનાં દશબાર ઘરો છે તે આપણાં માટે નકામાં, આપણા એક બે ઘર છે તે સાવ દૂર છે. ‘એટલે એવું છે ને સાહેબજી, કે આવવાનું ફાવતું નથી.' ચૈત્ર વદ સાતમ : રત્નપુરી રત્નપુરીનો ઉલ્લેખ વિવિધતીર્થકલ્પમાં રત્નવાહપુર તરીકે થયો છે. એક કુંભારના પુત્રને નાગકુમારના દેવ સાથે મૈત્રી થઈ. બંને એકાંતમાં જુગાર રમે. કુંભારે પુત્રને કુંભારવિદ્યા શીખવા કહ્યું તે પુત્ર સાંભળતો નહોતો. એને પછી પરાણે આ ધંધે લગાડવામાં આવ્યો. હવે જુગારની રમતમાં નિયમિત જવાતું નહીં. એકાંતરે જતો. દેવે પૂછયું ત્યારે એણે પોતાની ગરીબીની કથા સુણાવી. દેવે કહ્યું, ‘રોજ જુગાર રમ્યા પછી હું સાપનું રૂપ લઈને બિલમાં પ્રવેશ કરીશ. ચાર આંગળ જેટલી પૂંછડી બહાર રહેશે તે કાપી લેજે. એ સોનું બની જશે.’ એ દેવનો જુગારપ્રેમ યુધિષ્ઠિર કરતાંય વધારે જબરો હશે. એ કુંભારકુમાર પણ ખરો ખેલાડી હશે. બંનેની જોડી ગજબની હશે. આવા મિત્રો ભાગ્યે જ જોવા મળે. બંનેની રમત ચાલતી રહે છે. દીકરો બાપને સોનું આપે છે. રહસ્યનો ભેદ નથી કરતો. એક દિવસ બાપે વાત ઓકાવી, અને સાપની પૂંછડી જરા વધારે કાપવાની સલાહ આપી. દીકરાએ મિત્રનો વિશ્વાસઘાત કરવાની ના પાડી. એક સમયે, દીકરો રમવા ગયો તેની પાછળ બાપ ચોરીછૂપીથી પહોંચી ગયો. દેવ સાપ થઈને બિલમાં ઘૂસ્યો તે જોઈને બાપ ધસી આવ્યો. એણે સાપના અડધોઅડધ બે ટુકડા કરી નાંખ્યા. નાગકુમાર દેવ રોષે ભરાયો. એણે બાપદીકરો બેયને બાળી નાખ્યા, આટલું ઓછું હોય તેમ આ વિસ્તારના દરેક કુંભારોને બાળી મૂક્યા. વિવિધ તીર્થકલ્પમાં લખ્યું છે કે ‘ત્યારથી રત્નવાહપુરમાં કોઈ કુંભાર રહી શકતા નથી. માટીનાં વાસણો બહારથી મંગાવવા પડે છે.' તે વખતે શ્રી ધર્મનાથ ભગવાનની મૂર્તિ પણ નાગથી પરિવૃત હતી. વરસાદ ન પડે તો સ્થાનિક પ્રજા પ્રભુને ‘ધર્મરાજ' કહીને દૂધથી નવડાવતી. તત્કાળ વરસાદ થતો. આજનું વાતાવરણ જુદું છે. સંકુલની વચોવચ સમવસરણાકાર શ્રી કેવળજ્ઞાન કલ્યાણક મંદિર છે પણ ચૌમુખી ભગવાન નથી. પૂર્વ દિશામાં દીક્ષા, ઉત્તર દિશામાં જન્મ, પશ્ચિમ દિશામાં ચ્યવન કલ્યાણકના નાનાં મંદિરો કોટની ભીંતના ખૂણાઓમાં ગુંબજતળે બંધાયાં છે. દક્ષિણખૂણે દાદાવાડી છે. મૂળનાયક ભગવાન અગ્નિદિશાભિમુખ હતા તેમને ઉથાપીને પૂર્વાભિમુખ બિરાજીત કરાયા છે. ઈશાન દિશામાં અને નૈઋત્ય દિશામાં બે જિનાલય છે. નૈઋત્યમાં શ્રીઆદિનાથ ભગવાનનો દરબાર સંગેમરમરની ત્રણ વેદિકાને લીધે દૈવી લાગે છે. મુળ મંદિરજીનાં મુખ્ય શિખર સાથે કુલ સત્તર શિખરો છે, મૂળનાયક ભગવાનનાં દેરાસર પર. શિખરો એવી રીતે કોતર્યા છે કે ગણવામાં ભૂલ જ થાય. આ સત્તરનો આંકડો પણ સાચો છે કે નહીં તેની શંકા છે. આ સ્થાનમાં કોલાહલ, ઘોંઘાટ જરાય નથી. અતિશય શાંતિ. રહેવાનું થાય તો અલૌકિક આનંદ મળે.
SR No.009103
Book TitleSadhu to Chalta Bhala 1
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages107
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy