SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ૧૧ શ્રી પાવાપુરીજી ફાગણ સુદ ચોથ : પાવાપુરી પાવાપુરીના રસ્તે વળ્યા. પળભરમાં જ દૂર પાણીમાં તરતી હિમશિલા જેવું જલમંદિર દેખાયું. તડકો ચડી ગયો હતો. પાણી ચળકતાં હતાં તેમાં ધવલકાંત જલમંદિરની રોનક નીખરતી હતી. તળાવ આશરે છસ્સો ફૂટ લંબાઈપહોળાઈ ધરાવે છે. તેની ચોતરફ લાલપાષાણનો કોટ બનાવેલો છે. ચાર ખૂણે રાજવીયુગના ગવાક્ષ જેવી છત્રીઓ છે. લોખંડી તારની વાડને અડોઅડ રસ્તો છે. જલમંદિરમાં પ્રવેશ ઉત્તર દિશાથી થાય છે. નકશીદાર જાળીવાળો સેતુ, સામે છેડે હિમરંગી મંદિર, ઝળાંહળાં સુવર્ણકળશ, સોનેરી શેવાળનો આભાસ સર્જતાં પાણી, ભૂરું આકાશ અને ઊડતાં જલપંખી એકીસાથે આંખો પર ફરી વળે છે, પ્રવેશદ્વારે ઊભા હોઈએ ત્યારે. પાવાપુરી આવી પહોંચ્યા તે માની શકાતું નહોતું. સિદ્ધશિલા જેવાં અવર્ણનીય મંદિરને પગલે પગલે નજીક આવતું જોવાનો રોમાંચ ગજબ હતો. સરોવરનાં ભેજની લીલી ફોરમ શ્વાસને છેડતી હતી. પાણીમાં જલચરોની ગમ્મત ચાલતી હતી. ધ્યાન ત્યાં નહોતું. સ્તબ્ધભાવે જલમંદિરનાં ચોગાનમાં પગ મૂક્યો હતો. પ્રદક્ષિણા આપી ભીતર પ્રવેશ કર્યો હતો. ઝૂકવું પડે તેટલો નીચો ચાંદીનો દરવાજો . અંદર જઈને ઝકેલા જ રહેવાનું કેમ કે સામસામ પ્રભુનાં પગલાં આવે. નાના અને નાજુક. વર્ણ શ્યામ. ચરણ અતિશય કોમળ દેખાતા હતા. પ્રભુ સાથેની દૂરી આજે ખરી પડી હતી. ખૂબ દૂર વસતા હતા ભગવાનું. આ ભવમાં આવવાનું બનત કે કેમ તે સવાલ હતો. જલમંદિરનાં આકાશ નીચે પગ માંડવાની કલ્પનામાંય અશકયતાની વેદના હતી. આજે અશક્યતાનો પડદો સરી ગયો હતો. પ્રભુનાં ચરણની આંગળીઓ ફૂલની કળીઓ જેવી નાજુક. નીલકમલ જેવો મનોહર સ્પર્શ. પૂનમની રાતે છીપલાના ગર્ભમાં આકાર લેતાં મોતીને ક્ષણભર ખુલ્લા આકાશમાં મૂકીને ફરીથી બીડી લીધા હોય, અને ક્ષણેકમાં આસમાનના કનજલ શ્યામ વર્ણને ઝીલી લઈને મોતીએ છટા ખીલવી હોય તે શક્ય નથી, જો એ શક્ય હોય તો એવા મોતીનાં એ શ્યામ સૌન્દર્યનો ઝગમગાટ કેવો હોય તે સમજાતું હતું, પગલાનાં દર્શનથી. પગલામાંથી સતત અમૃત ઝરતું હોય તેમ આંખો એના પર ઠરી રહેતી હતી. એક સાથે બે લાગણી અનુભવી. આટલા વરસ સુધી અહીં ન અપાયું તેની વેદના અને આ સ્થળેથી પણ જવું તો પડશે જ એની વ્યથા. આંસુથી ભીંજાયેલી બે આંખો જેવી આ લાગણી લઈને મંદિરેથી નીકળ્યા. આ સ્થાને તો ગમગીનીને જ સ્થાન મળ્યું છે. પ્રભુવીરના અગ્નિદાહની આ ભૂમિ છે. નિર્વાણ પછીય પ્રભુદેહની છાયા આશ્વાસન આપતી હતી. મૌન તો મૌન, પણ પ્રભુ હાજર હતા. બંધ તો બંધ, પણ આંખો તો હતી. સ્થિર તો સ્થિર, પણ પ્રભુકાય તો હતી. પ્રભુના આત્મા વિનાનીય એક હાજરી જીવતી હતી. અગ્નિદાહ એ હાજરીનેય બાળી મૂકી. રહીસહી તમામ આશાને પૂળો ચંપાયો, આગમાંથી એકલતાના ધુમાડા નીકળી આવ્યા, નિર્વાણમાં પ્રભુ જાતે વિદાય લે છે, અગ્નિદાહમાં તો આપણા હાથે ભગવાનને ક્યાંક મોકલી દેવાના હોય છે. કેટલો દૂર તફાવત ? અગ્નિદાહ તો આખરી વિદાય. પછી કદી ના મળાય. એ આગ ભડકી ત્યારે અસંખ્ય આત્માઓના રૂવવે તાપ સળગ્યો હતો. ભડભડ અવાજ ન સંભળાયો તેથી કાન ઢાંક્યા, અગન જોવાઈ નહીં તેથી આંખો ઢાંકી, ચંદનચિતાનો ગરમાટો સુસવાટાની જેમ ફરી વળ્યો તે ન ખમાયો તેથી અંગ સંકોર્યું. પરિસ્થિતિ તો ન જ બદલાઈ. આખરે આ જ જોવા આવ્યા હતા. ખુલ્લા કાને અને સુમસામ આંખે ભડકા જોયા હતા. પ્રભુ અદૃશ્ય થઈ ગયા હતા. ધરતીનું સૌભાગ્ય નંદવાયું હતું. એ પ્રચંડ ગમગીની આજેય અહીં જીવે છે. તળાવ જોયું. પ્રભુનું સાન્નિધ્ય શોધતા દેવો સમા નિર્ભય જલચરો. ભક્તજનોનાં હૈયા જેવાં કોમળ કમળો અસંખ્ય, ઇન્દ્રમહારાજાનાં આંસુ સમાં ઝાકળ. આપણાથી ડરીને નહીં પરંતુ પ્રભુને બદલે આપણને જોઈને ખીજવાયા હોય તેવા ભાવથી ડૂબકી મારી જતા જલસર્પો. રાજા નંદીવર્ધન સમો વત્સલ પવન.
SR No.009103
Book TitleSadhu to Chalta Bhala 1
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages107
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy