SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ તેથી નારાજ થયા. સર્વજ્ઞ વીરપ્રભુને જીતવા ચાલ્યા. પ્રભુ આગળ હાર્યા ને આત્માનો જંગ જીતી ગયા. એ ગુરુની જનમભૂમિનાં જિનાલયમાં અદ્ભુત પ્રતિમાઓ બીરાજે છે. શ્રી ઋષભદેવ પ્રભુની પ્રતિમા. શ્યામવર્ણની ચમકદાર મૂર્તિ. પૂનમની રાતનું આકાશ જાણે મૂર્તિના ઘડતરમાં વપરાયું છે. ચંદ્ર દૂર હોવા છતાં એ ઝળહળે છે. દાદાવાડીમાં અગિયાર ગણધર ભગવંતોનાં પગલાં છે. પહેલા માળે શ્રી ગૌતમસ્વામીજી મહારાજાનાં સુકોમળ પગલાં. એમનું સૌન્દર્ય અદ્ભુત હતું, તો પગનાં તળિયાં નાજુક જ હશે તે પગલાંનાં દર્શનથી અનુભવાતું હતું. નાલંદામાં પ્રભુનાં ચૌદ ચાતુર્માસ થયાં છે. આજે રાજગૃહી અને નાલંદા અલગ છે. તે વખતે નાલંદા, રાજગૃહીનો જ એક ભાગ હતું. પ્રભુની દેશના અને ગુરુ ગૌતમની પૃચ્છાનો માહોલ અજબગજબનો હશે. અહીં રોજ નગરજનોમાં ચર્ચા ચાલતી હશે. આજે ગણધરોત્તમનો સવાલ આ હતો, દેવાધિદેવનો પ્રત્યુત્તર આ હતો. ત્યાં સાક્ષાત ગણધરોત્તમ ભિક્ષાર્થે પધારતા હશે. એકી સાથે બધા જ લોકો–પધારો, પધારો કહી ગુરુગૌતમને ઘેરી વળતા હશે. એ પાવન સમયમાં જનમ ના મળ્યો તેનો અનંત અફસોસ મનને ઘેરી વળતો હતો. મહા વદ એકમ : પાવાપુરી આકાશ સાફ હતું. શિયાળાની સવાર હતી. તડકો શાલની જેમ પથરાયો હતો. નાલંદાનાં ખંડેરો ચૂપચાપ ઊભાં હતાં. લાલ ઈંટોનાં વાસ્તુ પર વર્તમાનની અસર નહોતી. ભૂતકાળનો નશો એમની પર હજી સવાર હતો. ૧૦,000 વિદ્યાર્થીઓ અહીં ભણતા. પ્રવેશપરીક્ષામાં યોગ્ય પૂરવાર ન થયા હોય તેવા ૪૦,000 વિદ્યાર્થીઓ વિલે મોઢે પાછા જતા. પ્રવેશ મળે પછી તો વિદ્યાર્થીની બધી જ જવાબદારી નાલંદાનું આ વિશ્વવિદ્યાલય સંભાળતું. ૨00 ગામની આવક વિદ્યાલયને મળતી. મોટી સખાવતો આવે તે જુદી. ૧૫OO તો શિક્ષકો હતા. એ સૌ દિગ્ગજો હતા. નાલંદાની સ્પર્ધા ત્યારે મિથિલા સાથે હતી. મિથિલાના આચાર્ય ગૌતમે ન્યાયસૂત્રમાં બૌદ્ધ અનિત્યવાદનું ખંડન કર્યું. નાલંદા તો બૌદ્ધદર્શનનું પ્રતિનિધિ. અહીંના આચાર્ય નાગાર્જુને પોતાના ગ્રંથોમાં એનો મજબૂત પ્રતિકાર કર્યો. મિથિલાના આચાર્ય વાત્સ્યાયને ભાષ્ય લખીને એ પ્રતિકારને તોડી પાડ્યો. નાલંદાના આચાર્ય દિનાગે પ્રમાણસમુચ્ચય દ્વારા ભાષ્યની નબળાઈ છતી કરી. મિથિલાના દાર્શનિક ઉદ્યોતકરે ન્યાયવાર્તિક રચ્યું, એમાં નાલંદાના આચાર્યની પ્રચુર ટીકા કરવામાં આવી હતી. નાલંદાના આચાર્ય ધર્મકીર્તિએ પ્રમાણવાર્તિક લખીને એ ટીકાનો જડબાતોડ જવાબ વાળ્યો. મિથિલામાં વાચસ્પતિ મિશ્ન તાત્પર્યટીકા બનાવીને વિરોધ ઊભો રાખ્યો. નાલંદાના આચાર્ય જ્ઞાનશ્રીએ તેની વળતી ખબર લીધી. વાદના જમાનામાં સૈકાઓ સુધી ગ્રંથરચના દ્વારા સામસામે રહેવાની આ વિશિષ્ટ પરંપરાએ ન્યાયશાસ્ત્ર અને પ્રમાણવિદ્યાને નવી ઊંચાઈ આપી. વિશ્વવિદ્યાલયને અનુરૂપ પુસ્તકાલય હતું. એ વિભાગ ધર્મગંજ તરીકે ઓળખાતો. તેમાં ત્રણ મકાન હતાં, રત્નસાગર, રત્નોદધિ અને રત્નરંજક. રત્નસાગરમાં ધર્મ અને તંત્રના જ ગ્રંથો હતા, છતાં તે સૌથી ઊંચું હતું, નવ માળ. વિશ્વવિદ્યાલયનાં સંકુલને ફરતો વિશાળ કોટ હતો. ગમે તેને પ્રવેશ ન મળતો. એક દિવસ અહીં ઘોડાના ડાબલાં ગાજયાં. કોઈ કશું સમજે તે પૂર્વે તો હલ્લો થયો. ફૂલોના બગીચા પર જાણે વીજળી પડી. એ તુર્કી લોકો હતા. એમનો સરદાર હતો બખ્રિયાર ખીલજી. હત્યાકાંડ થયો હશે પણ તેનો ઉલ્લેખ નથી મળતો. ઉલ્લેખ અગ્નિકાંડનો મળે છે. તુર્કીઓએ વિદ્યાલયને આગ ચાંપી હતી. શરીરના એક ભાગ પર ત્રણ-ચાર ક્ષણો સુધી આગ રહે તોય હાલત ગમખ્વાર થઈ જાય છે. તુર્કીઓએ ભારતીય સંસ્કૃતિના આત્માને છ મહિના સુધી ભડકે બાળ્યો. પુસ્તકાલય પર ક્રૂરતાથી આક્રમણ થયું હતું. તાડપત્રનાં અક્ષરો અને પાનાં સળગતાં હશે તેવી કલ્પના માત્રથી જ પાંપણ અને પોપચાં પર અંગારા ચંપાય છે. પુસ્તક હાથમાંથી પડી જાય તોય દુ:ખી થનારા આપણાં મનને, એ પુસ્તકરાશિની આગ વિશે કલ્પના કરવાનું સૂઝતું નથી. માણસ ગુસ્સે ભરાય તો કપડાં બાળ, અનાજ કે ઘર બાળે. પુસ્તકો ? એને આગ લગાડાય ? નથી માની શકાતું. અહખોરીનો આ વરવો પ્રકાર હતો. જોકે, નાલંદાનાં વિશ્વવિદ્યાલયની અહખોરી ઓછી નહોતી. મ્યુઝિયમમાં બૌદ્ધદેવતાની મૂર્તિનાં પગતળે દબાયેલા અન્ય દેવતાઓ હોય-વિપસ્સના-ના સમભાવ સાથે એ સંગત થતું નથી. હંસપરમહંસની ઘટના તો ઇતિહાસ પ્રસિદ્ધ છે. પ્રબંધગ્રંથોના સંદર્ભનુસારે તેઓ મગધદેશમાં ભણવા આવ્યા હતા. તેમને ભાગવું પડ્યું તેની લોહિયાળ કથની, છ મહિનાની આગ જેવી જ વેદનાજનક છે.
SR No.009103
Book TitleSadhu to Chalta Bhala 1
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages107
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy