SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ગભારામાં જ ગોખલા છે, તેમાંય ભગવાન. પ્રભુથી ડાબી તરફના ગોખલામાં અતિશય પ્રાચીન મૂર્તિ, દર્શન કરવામાં સમય ક્યાં વહી ગયો ખબર ના પડી. પ્રભુના જમણા હાથે ભગવાન હતા તેની પર કપડું ઢાંકર્યું હતું. પૂજારીને પૂછ્યું તો ઘટસ્ફોટ થયો. એ કહે, ગયાં ચોમાસામાં મોડી બપોરે વીજળી પડી હતી. શિખરમાં ફાટ પાડીને તે ગભારામાં આવી. મૂળનાયક પાછળ ધકેલાઈ ગયા. પ્રભુવીરની રમણીયમૂર્તિ ખંડિત થઈ ગઈ. ગભારામાં રાખેલો બલ્બ ફૂટી ગયો. શિખરથી ભોંય સુધીની વીજળીથી બચવાની લોખંડી પટ્ટી હતી, તે ગાયબ થઈ ગઈ. ગર્ભદ્વારની ઉપરના આરસ ઉખડી ગયા. લાંબી તિરાડો પડી ગઈ. ‘તે દિવસે' પૂજારી બોલતો હતો, ‘વાદળાં એટલાં હતાં કે રાત જેવું લાગતું હતું. ધુમ્મસમાં મંદિર ઢંકાઈ ગયું હતું. એકાએક ધડાકો થયો. દારુગોળો ફૂટ્યો હોય તેવી વાસ આવી. અમે બધા ગભરાઈને રૂમમાં ભરાયા. ચાલુ વરસાદે અસહ્ય ગરમી લાગી. કાંઈ ખબર ના પડી. બીજે દિવસે, આ બધું જોયું. જુલમ થઈ ગયો, સાહેબ.” ખંડિત મૂર્તિ જોઈ. વીજળીના અવશેષો ખંડેર જેવા વેરાયા હતા તે જોયા. લાલશિખરના ટુકડા ઉચકવામાં રીતસર વજન વર્તાયું. શિખર આખું ભાંગ્યું નથી. એક તરફનું સિંહમુખ ભાંગ્યું છે. શિખરમાં ઊભો ચીરો પડ્યો છે. ધ્યાનથી જોયા વિના દેખાય નહીં એટલે ઊંચે એ અકસ્માત થયો હતો. ધર્મશાળા જોઈ. સ્ટાફના માણસોએ લાગણીથી કહ્યું “અમે સવારથી રાહ જોઈએ છીએ. આપ કેમ બહાર રોકાયા ? અમે બધો સમાન અહીં લઈ આવીએ. આપે નથી જવાનું.” કાન પર વિશ્વાસ ન બેઠો. અમને તો એક મહાનુભાવ દ્વારા એવા સમાચાર મળેલા કે અહીંનો સ્ટાફ પેંધો પડી ગયો છે. રહેવાની રૂમોમાં પોતાના કુટુંબકબીલા ભરી દીધા છે. જે આવે તેને ઓસરીમાં બેસવા મળે. આ તો એકદમ જુદી વર્તણૂક હતી. અમને લગભગ ઠપકાની ભાષામાં પૂછ્યું કે “કેમ ન આવ્યા ?' ભારે પસ્તાવો થયો, જેમણે ફરિયાદ કરેલી તેમને તકલીફ પડી હોય તો એના બદલામાં એમણે અપપ્રચાર કરવાની જરૂર ન હતી. તીર્થ જુહારવા નીકળીએ તો તકલીફ ગળી જવાની તૈયારી રાખવી જ પડે. ફરિયાદ કરીએ તો આવનારા ન આવે અથવા અમારી જેમ દૂર રહે. તેનો દોષ સરવાળે તે ફરિયાદીને લાગે. જેમની માટે ફરિયાદ હોય તેમની સાથે બાઝવાથી તે માણસો સુધરતા નથી. બલકે નવા આગંતુકો પર વેર ઉતારે છે. ઝઘડો કરી ગયા હોય તેની પર ખુન્નસ રાખે છે. યાત્રાની અનુભૂતિમાં આ બધું જરાય બંધબેસતું નથી. સંચાલકો સુધી ફરિયાદ પહોંચાડવાથી તે માણસોને ઠપકો મળે છે. તે બદલ એ માણસ ફરિયાદીને ગાળો આપતો રહે છે. ગમે તેમ, ફરિયાદીની વાતમાં આવી જઈને ભૂલ તો અમે જ કરી હતી. કાલે લછવાડ પહોંચવાનું હતું. સાંજના વિહારની તૈયારીનો સમય નહોતો રહ્યો. પ્રભુની વિદાય લીધી. પાછા વળતા આ ભૂમિની વિચિત્રતા યાદ આવી. દશ આશ્ચર્યમાં અસંયતોની સંયત તરીકે પૂજા થઈ, તેની વાત ખાસ જુદી નોંધાઈ છે. આ ભૂમિ પર એ બન્યું. શ્રી સુવિધિનાથ ભગવાનનાં નિર્વાણ પછી થોડા જ સમયમાં ધર્મનો ઉચ્છેદ થયો. અજ્ઞાની લોકોએ સ્થવિર શ્રાવકોને ધર્મની પૃચ્છા કરી. તેમણે સારી વાતો સમજાવી. અજ્ઞાની જીવો રાજી થયા. એમણે ગુરુદક્ષિણાના ભાવથી એ શ્રાવકો સમક્ષ ધન મૂકયું. શ્રાવકોને પૈસા ગમી ગયા. ઉપદેશ આપવાથી આ રીતે ધન મળશે તેવી એમને કલ્પના નહીં હોય. પોતાને નકરો લાભ જ થયો હતો. ફરીવાર આવો લાભ થાય તેવા મોહથી ઉપદેશ આપ્યો. લક્ષ્ય હતું કમાણીનું. સાંભળનારા ગમાર હતા. બેધડક પ્રરૂપણા કરી કે દાન એ સર્વોત્તમ ધર્મ છે. આપે છે તે પામે છે. પોતે માંગણ છે તેવું ન લાગે એટલા ખાતર દાનના પ્રકારો બતાવ્યા. કન્યાદાન, ભૂમિદાન, ગૃહદાન, અશ્વદાન, ગજદાન, શવ્યાદાન. ઉપદેશ જિનવાણીનાં નામ અપાયો. કરુણતા આ હતી. મેળવવાં હતાં તે બધા તત્ત્વોનાં દાન કરવાની પ્રરૂપણા થતી. દ્રાક્ષ ખાટી નહોતી, તે નક્કી હતું. છતાં લોભિયાની અગમચેતી દોઢી હતી. માત્ર અને અપાત્રની ભેદરેખા બાંધી, પોતાને જ પાત્ર ગણાવતા. બીજા બધાને અપાત્ર ઠેરવતા. હાથ છૂટો રાખવાનો ધર્મ એકંદરે લોકોને સહેલો પડ્યો. પુષ્કળ દાન થવા માંડ્યું. દાન લેનારા લાલચુ હોવા છતાં ગુરુ ગણાયા. પૂજ્યપાદ હેમચંદ્રાચાર્યે લખ્યું છે કે ‘વૃક્ષો ન હોય ત્યાં તો એરંડાનોય મહિમા થાય.' (ત્રિષષ્ટિ ૩.૭.૧૬૨) શ્રી શીતલનાથ ભગવાને તીર્થસ્થાપના ન કરી ત્યાર સુધી આ ધનધર્મી લોકોએ પોતાની પરંપરા ચલાવી.
SR No.009103
Book TitleSadhu to Chalta Bhala 1
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages107
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy