________________
શરૂઆત સારી ક્રો
દર વખતે નવો સંકલ્પ કર્યો છે, ઉમંગભેર નવું કામ શરૂ કર્યું છે. થોડું કામ થયું પણ છે. છેવટે પછી સંકલ્પ અને કામનું ફીડલું વળી ગયું છે. તમે સંકલ્પ કરો છો ત્યારે તમારામાં આવેલ હોય છે. આમ કરી નાખું, તેમ કરી નાખું. તમે કામ શરૂ કરો ત્યારે અહં હોય છે, આ તો મારા માટે સહેલું છે. આ ઝનૂન થોડો વખત રહે છે. અસલ તો કંટાળો આવતો હોય છે નવી જવાબદારીનો. કશું નવું ન કરીએ તો નોંધ ન લેવાય માટે કાંઈક કરવું હોય છે, ગજું હોતું નથી. બોજો ઊંચકી લઈએ છીએ, થોડો સમય તો ખેંચી કાઢ્યું. છેલ્લે ઢળી પડ્યા.
તમારે જાતે સમજવાનું છે. નવાં કામ કેમ પાર પડતા નથી ? દાનતનો સવાલ છે. દેખાદેખીથી કામ કરી શકાતા નથી. બતાવી દેવા માટે કામ હોતા નથી. કામ કરવા માટે જ કામ હોય છે.
કામ શરૂ કરી ત્યારે આ કામ મારે કેટલા સમયમાં પૂરું કરવાનું છે તેની ધારણા બાંધી લો. આ કામ માટે કેટલો વખત મહેનત કરવાની છે તેમાં સ્પષ્ટ બની જાઓ. આ કામ કરવા દ્વારા મને આનંદ મળશે તેવી સમજણ ઘડી લો. કંટાળાનાં કામ હાથમાં ન લેવા, હાથમાં લીધેલાં કામમાં કંટાળો ન કરવો. થોડું કરો, ઓછું કરો, પણ રસથી કરો.
ત્રણ કામ ખાસ કરજો.
એક : થોડા સુંદર વિચારો શીખવા છે. પૈસા નવા કમાઈએ તો મજા આવે તેમ વિચારો નવા શીખીએ તો મજા આવે. આખો દિવસ એક સરખા ઘટિયાછાપ વિચારોમાં મસ્તાન રહીએ છીએ. કશું નવું વિચારવાનું સૂઝતું જ નથી. સત્સંગ દ્વારા નવા વિચારો શીખવા છે. એ વિચારો જિંદગીને અને મનને શાંતિ આપશે. એ વિચારો આત્માને ટાઢક આપશે. એ વિચારો
સંસ્કારોનું ઘડતર કરશે.
બે : સ્વાર્થની બહારનો વિચાર કરો, આપણી બધી જ વિચારણા સ્વાર્થમાં બંધાયેલી છે. મને ગમે છે તે હું કરું. મને ફાયદો થાય છે તેમાં રસ લઉં, મને સાચવે છે તેને માન આપું. આ સ્વાર્થ છે. કેવળ સ્વાર્થમાં જ રમ્યા કરવું આપણને ના શોભે, બીજાની સંભાળ લેવાનું લક્ષ્ય સારું છે. એ સંભાળ લેતી વખતે મારે એ વ્યક્તિમાં કોઈ સ્વાર્થ જોવાનો નહીં. મોટી રકમ દાનમાં આપો તો સારું છે. એની પ્રસિદ્ધિ કે પ્રશંસા થાય તેવી અપેક્ષા નહીં રાખવાની. સ્વાર્થ ન સધાય તો નુકશાન સમજવું, એમ દુકાનદાર ભલે માનતો. આપણે દુકાનદાર નથી. આપણે તો જાનદાર માણસ છીએ. સ્વાર્થના ભોગે પરાર્થ કરો તો ઉત્તમ. સ્વાર્થ વિનાનાં સારાં કામો કરી, વળતરની અપેક્ષા વિના સહાય કરો, જાહેરાતની અપેક્ષા વિના સહાય કરો, વાહ વાહની અપેક્ષા વિના સેવા કરો, સ્વાર્થની બાદબાકી કરી શકે તે ખરો શૂરવીર.
ત્રણ : થોડો ભગવાન વિશે વિચાર કરો, ભગવાનનું સ્વરૂપ કેવું છે ? ભગવાને આપણી પર કેટલા બધા ઉપકાર કર્યા છે ? ભગવાન ન હોય તો જિંદગીમાં કેટલો બધો ખાલીપો આવી જાય ? હું મારા ભગવાન માટે શું કરી શકું છું ? આ બધું સતત વિચારો.
આ ત્રણ રીતે વિચારોને ઘડવા છે. સંકલ્પ કરો, કામ શરૂ કરો. અને મહત્ત્વની વાત. તમે આ વિચારો કરશો તો તમને ભરપૂર લાભ થવાનો છે, એક નવો અને નક્કર આનંદ તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે. તમે શરૂઆત સારી કરો.