SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મને પકડીને રાજા પાસે લઈ જવામાં આવ્યો. રાજાએ મારા વજન જેટલું સોનું મારા માતા-પિતાને આપ્યું. તેઓ રાજીરેડ થઇ ગયા. એમનું કામ થઇ ગયું. હું રાજાના ચરણોમાં પડ્યો અને આજીજી કરવા લાગ્યો : રાજનું ! આપ તો સૌના નાથ છો. પ્રજાનું રક્ષણ કરવાનું કામ આપનું છે. રક્ષણના સ્થાને આપ ભક્ષણ કરશો તો પ્રજાએ ક્યાં જવું ? વાડ જ ચીભડાં ખાવા લાગે તો ક્યાં જવું ? પાણીમાંથી જ આગ લાગે તો ક્યાં જવું? રાજનું ! આપ સામર્થ્યવાન છો. ગમે તેમ કરીને મને જીવન-દાન આપો. હું જાણું છું કે આપ ચિત્રશાળા બનાવવા માંગો છો. તો શું કોઇના રક્તથી રંજિત થયેલી આપની ચિત્રશાળા પવિત્ર ગણાશે ? એના પાયામાં કોઇના નસાસા પડ્યા હોય એ શું આપના માટે શોભાસ્પદ વાત છે? ચિત્રશાળા એક તૈયાર ન થઇ તો શું અટકી જવાનું છે ? કદાચ થઇ ગઇ તો કઈ શોભા વધવાની છે ? શોભા તો નહિ વધે પણ રાજન્ ! સાચું કહું છું કે આપની અપકીર્તિ વધશે. દુનિયા કહેશે : આ કેવો દૂર રાજા ? એક ચિત્રશાળા ખાતર એક નિર્દોષ બાળકની હત્યા કરાવી ! રાજન ! સંસારની કોઇ પણ નિર્જીવ ચીજ કરતાં એકના જીવનની વધુ કિંમત છે. કોઇ પણ જડ પદાર્થ કોઇના જીવનથી વધારે મૂલ્યવાન નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મહેલ કરતાં પણ એક બાળક મહાન છે; ભલે તે કદરૂપું કેમ ન હોય ? રાજા મારી દલીલો સાંભળી દયાર્દ્ર બની ગયો હોય તેમ લાગ્યું, પણ હું જોઇ રહ્યો હતો કે યજ્ઞના પંડાઓ રાજાને ઇશારાથી સમજાવી રહ્યા હતા : હં... એમ દયા ન કરાય ! એ તો એમ જ ચાલ્યા કરે. રાજાએ મને કહ્યું: “જો અમર ! મેં તો તને સોનું આપીને ખરીદેલો છે. આમાં મારો કોઇ દોષ નથી. દોષ વેચનારનો છે, તારા મા-બાપનો છે. તેમણે સોના ખાતર તને વેચ્યો છે. હું તો જે કરું છું તે ન્યાયપૂર્વક જ કરું છું. હું ધારત તો તારા જેવા કોઇ બાળકને બળજબરીથી અહીં લાવી શકત, પણ મારા હૃદયમાં રહેલી ન્યાયનિષ્ઠતા મને તેમ કરવા મંજૂરી આપતી નથી. આમાં મારો કોઇ અન્યાય હોય તો મને જણાવ.” રાજાની આગળ હું વધુ તો શું બોલું ? આત્મ કથાઓ • ૧૪ હું મૌન રહી ગયો. મને વિચાર આવ્યો : આ પંડાઓ ધર્મના નામે કેટલા માણસોની આ રીતે કતલ કરતા હશે ? કેટલા બકરાઓ આમાં હોમાતા હશે ? બિચારા અબોલ પ્રાણીઓ કોને ફરીયાદ કરવા જાય ? હું માણસ છું. બોલવા માટે સમર્થ છું. છતાં મારું પણ કોઈ સાંભળતું નથી ત્યાં બિચારા બકરાઓનું કોણ સાંભળે ? મારું ચાલે તો એક જ ઝાટકે યજ્ઞોના બધા જ બલિદાનો અટકાવી દઉં! આ બધા પંડાઓ યજ્ઞના નામે માત્ર પોતાની સ્વાદ-લાલસા પોષે છે. મંત્ર-સંસ્કૃત બકરાઓનું માંસ ખાવામાં એમને કોઇ પાપ લાગતું નથી. એમણે પોતાની રસ-લાલસા પોષવા પોતે જ ધર્મશાસ્ત્રો બનાવી કાઢ્યા છે ! મારું ચાલે તો પૂરા ભારતવર્ષમાં આ કુપ્રથાઓનો અંત આણી દઉં અને કરોડો નિર્દોષ પ્રાણીઓને બચાવી લઊં... પણ અત્યારે હું મારી જાતને પણ બચાવી શકતો ન્હોતો, ત્યાં બીજાની વાત જ ક્યાં ? મને હૃષ્ટ-પુષ્ટ ભટ્ટોએ પવિત્ર પાણીથી સ્નાન કરાવ્યું, કેસર-ચંદનનું વિલેપન કર્યું અને ગળામાં ફૂલમાળા પહેરાવતાં કહ્યું : વત્સ ! તું ધન્ય છે. તને મૃત્યુ પછી સીધું સ્વર્ગમાં સ્થાન મળશે. યજ્ઞમાં તો પુણ્ય હોય તેને જ હોમાવાનું સૌભાગ્ય મળે ! ભટ્ટોની આ બબૂચક જેવી વાણી સાંભળી મારું મન બોલી ઊઠ્યું : અલ્યા મૂરખાઓ ! જો આ જ રીતે સ્વર્ગ મળી જતું હોય તો તમારા માબાપોને મોકલી દો ને ? અરે... તમે પોતે જ સ્વર્ગે પહોંચી જાવ ને ! ઠીક.. હવે... એ બિચારાઓ પર પણ શું ગુસ્સે થવું? તેઓ કરે પણ શું ? પરંપરા જ એમને એવી મળી છે. મોટા ભાગના લોકો પરંપરાની જ પૂજા કરનારા હોય છે. ખોટી પરંપરાને પડકારનારો તો લાખોમાં એક હોય છે. આવી અપેક્ષા આ ભટ્ટો પાસેથી ક્યાંથી રખાય ? એમની દાળ-રોટી આવી પરંપરાઓથી જ ચાલી રહી છે. એટલે તેઓ તો પરંપરાને બરાબર વળગી રહે તે સ્વાભાવિક જ છે. પણ હવે એ બધી વિચારણાઓ મેં ફગાવી દીધી. વિચારણાઓ કરવાનો કોઈ અર્થ પણ હોતો. કારણ કે હવે મારો અંતકાળ મને સામે દેખાતો હતો. આત્મ કથાઓ • ૧૫
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy