SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ હું આપઘાતથી તો અટક્યો, પણ મારું મન સતત બેચેન રહેવા લાગ્યું. ગમે તે ક્રિયા કરું, ગમે તે સ્થાનમાં હોઉં, ગમે તેવી તપશ્ચર્યાઓ કરતો હોઉં... પણ મન કોઇ બીજી જ દિશામાં દોડતું હોય. એ દિશા હતી; વિકારોની. આના કારણે હું સતત ઉદ્વિગ્ન રહેવા લાગ્યો. ક્ષણે ક્ષણે મને વિચાર આવતા : શું હું ઘેર ચાલ્યો જાઉં ? ના... ના... ઘેર નથી જવું. ત્યાં મારી આબરૂ શું ? તો શું આ જ રીતે જીવન પૂરૂં કરું ? આ રીતે જીવવાનો અર્થ શો ? અર્ધા-અર્ધા મનથી જીવવું - એ કોઇ જીવન છે ? હું જીવી પણ ન્હોતો શકતો, મરી પણ ન્હોતો શકતો. ઘેર પણ ન્હોતો જઇ શકતો, સંયમમાં પણ મન લગાવી ન્હોતો શકતો. મારી હાલત ત્રિશંકુ જેવી થઇ ગઇ ! મનની આ સ્થિતિ બહુ જ ખતરનાક છે. પણ શું થાય? લાખ પ્રયત્નો કરીએ પણ કેટલીક ચીજો આપણા સામર્થ્યથી બહાર હોય છે. એક વખતે હું કોઇ અજાણ્યા ઘરે ગોચરી જઇ ચડ્યો. એ ઘર વેશ્યાનું હતું, પણ મને એનો કોઇ ખ્યાલ ન્હોતો. મેં મોટેથી કહ્યું : ધર્મલાભ. તરત જ એક સુંદર સ્ત્રી બહાર આવી અને બોલી ઊઠી : “મહારાજ ! અહીં ધર્મલાભ ન જોઇએ. અહીં તો ધનલાભ જોઇએ. તમારા ધર્મથી શું વળવાનું છે ? સંસાર ચલાવવો હોય તો ધન જોઇએ. ધર્મલાભ આપીને મફતીયું લઇ જનારા બાવાઓ માટે આ મકાન નથી.” વેશ્યાના શબ્દોએ મારા અહંકારને ચોટ મારી. શું હું મફતીયું ખાનારો ? શું હું મોઢેથી ધર્મલાભ જ આપનારો ? આ બૈરી સમજે છે શું એના મનમાં ? મારી પાસે કેટ-કેટલી લબ્ધિઓ અને વિદ્યાઓ છે, એની એને શું ખબર ? મારી પાસે ભલે એક કાણી કોડી પણ નથી, પરંતુ ક્રોડોનો ઢગલો કરવાનું સામર્થ્ય જરૂર છે, આજે તો આ બાઇને મારે પરચો આપવો જ પડશે. ને... મેં મકાનના છાપરામાંનું એક તણખલું ખેંચ્યું. ધ... ડ... .... ડ... તણખલું ખેંચતાં જ સોનૈયાનો વરસાદ વરસ્યો. સાડી બાર ક્રોડ સોનૈયાઓથી એ વેશ્યાનું ઘર ભરાઇ ગયું. આત્મ કથાઓ • ૯૨ વેશ્યા તો ખુશ-ખુશાલ થઇ ગઇ. અધ... ધ... ધ... આટલા બધા સોનૈયા ? એ પણ ચપટી વગાડતાં જ ? હું કેટલા ગ્રાહકોને ખુશ કરું તો આટલા સોનૈયા મળે ? કદાચ આખી જિંદગી વીતી જાય તો પણ ન મળે અને આ સાધુએ ક્ષણમાં ઢગલો કરી દીધો. વળી... એનું રૂપ પણ કેટલું સુંદર છે ? આવો ફૂટડો યુવાન અહીંથી જતો રહે. એમાં મારી આબરૂ શું ? - વેશ્યાના મન-ગગનમાં ફટાફટ વિચારોની વીજળીઓ ઝબૂકી ઊઠી. એણે તરત જ મારો હાથ પકડ્યો ને કહ્યું ઃ મહારાજ ! આ દાસીની સેવા સ્વીકાર્યા વિના જાવ છો ક્યાં ? હું અહીંથી નહિ જવા દઉં ! એના હાવ-ભાવ અને કટાક્ષોથી આમેય હું આકર્ષિત થઇ જ ગયો હતો. એને જોતાં જ મારા હૃદયમાં લખલખું પ્રસરી ગયું હતું, મારા રોમરોમમાં હર્ષનો સંચાર થઇ ગયો હતો. મારા અજ્ઞાત મનમાં એ પહેલેથી જ વસી ગઇ હતી. માટેસ્તો મેં એને પ્રભાવિત કરવા ૧૨।। ક્રોડ સોનૈયાની વૃષ્ટિ કરેલી ને ? મારા અજ્ઞાત મનની વાત ચાલાક વેશ્યા ન સમજે એ વાતમાં કોઇ માલ નથી. એના હસ્ત-સ્પર્શથી જ મારા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઇ. મેં એનું આમંત્રણ સ્વીકારી લીધું. જોઇતું'તું ને વૈદે કીધું ! પડવું હતું ને ઢાળ મળ્યો ! ઘણા વખતની દબાયેલી ઇચ્છા આજે સફળ બનતી લાગી. હું ત્યાં જ રહી ગયો. સાધુ-વેષ છોડીને ગૃહસ્થ વેષ પહેરી લીધો, પણ સાધુતા પ્રત્યેનો મારો આદર ઓછો ન્હોતો થયો હોં ! મારી અયોગ્યતાના કારણે સાધુપણું ખરાબ છે - એમ હું શી રીતે કહી શકું ? સાધુતા તો મહાન છે, મારો ગજ ટૂંકો હોય તેથી કાંઇ સાધુતા ક્ષુદ્ર નથી બની જતી. વેશ્યા-ગૃહમાં રહેવા છતાં સાધુતા પ્રત્યેનો મારો આદર અકબંધ જળવાઇ રહ્યો હતો. સમક્તિનો દીવો હૃદય-મંદિરમાં ઝળહળી રહ્યો હતો. આથી જ મેં પહેલે જ દિવસે સંકલ્પ કર્યો ઃ રોજ દસ માણસને દીક્ષા માટે તૈયાર કરી પછી જ ભોજન પાણી લેવાં ! આત્મ કથાઓ • ૯૩
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy