SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્રાદિકનો દીક્ષા મહોત્સવ તેમજ પુત્ર, પુત્રી, ભાઇઓ, ભત્રીજો, પોતાનો મિત્ર, સેવક આદિનો દીક્ષાનો તથા વડીદીક્ષાનો ઉત્સવ ઘણા આડંબરથી કરવો. કહ્યું છે કે ભરત ચક્રવર્તીના પાંચસો પુત્ર અને સાતસો પૌત્ર એટલા કુમારોએ તે સમવસરણમાં સાથે દીક્ષા લીધી. શ્રીકૃષ્ણ તથા ચેડા રાજાએ પોતાના સંતાનોને પણ નહિ પરણાવવાનો નિયમ કર્યો હતો, તથા પોતાની પુત્રી આદિને તથા બીજા થાવાપુત્ર વગેરેને ઘણા ઉત્સાહથી દીક્ષા અપાવી તે વાત પ્રસિદ્ધ છે. દીક્ષા આપવામાં પણ ઘણું પુણ્ય છે. કહ્યું છે કે – જેમના કુળમાં ચારિત્રધારી ઉત્તમ પુત્ર થાય છે, તે માતા-પિતા અને સ્વજન-વર્ગ ઘણા પુણ્યશાળી અને ધન્યવાદને પાત્ર છે. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – જ્યાંસુધી કુળમાં કોઇ પુત્ર પવિત્ર સંન્યાસી થતો નથી, ત્યાં સુધી પિંડની ઇચ્છા કરનારા પિતરાઇઓ સંસારમાં ભમે છે. આમ આઠમું દ્વાર સમાપ્ત થયું. પદસ્થાપના ૯. તેમજ પદસ્થાપના એટલે ગણિ, વાચનાચાર્ય, વાચક, આચાર્ય આદિ પદે દીક્ષા લીધેલા પિતા-પુત્ર આદિ તથા બીજા પણ યોગ્ય હોય, તેમની સ્થાપના શાસનની ઉન્નતિ વગેરે માટે ઘણા ઉત્સવથી કરાવવી. સંભળાય છે કે – અરિહંતના પ્રથમ સમવસરણ વખતે ઇંદ્ર પોતે ગણધરપદની સ્થાપના કરાવે છે. વસ્તુપાળ મંત્રીએ પણ એકવીશ આચાર્યોની પદસ્થાપના કરાવી હતી. નવમું દ્વાર. શ્રુતજ્ઞાનની ભક્તિ ૧૦. તેમજ શ્રી કલ્પઆદિ આગમ, જિનેશ્વર ભગવાનનાં ચરિત્રવગેરે પુસ્તકો ન્યાયથી સંપાદન કરેલું દ્રવ્ય વાપરી શુદ્ધ અક્ષર તથા સારાં પાના વગેરે યુક્તિથી લખાવવાં. તેમ જ સંવેગી ગીતાર્થ મુનિરાજ પાસે ગ્રંથના વાંચનનો આરંભ થાય તે દિવસે ઘણો ઉત્સવ વગેરે કરી અને દરરોજ બહુમાનથી પુજા કરી વ્યાખ્યાન કરાવવું. તેથી ઘણા ભવ્યજીવો પ્રતિબોધ પામે છે. તેમજ વ્યાખ્યાન વાંચનાર તથા ભણનાર મુનિરાજોને કપડાં વગેરે વહોરાવી તેમને સહાય કરવી. કહ્યું છે કે – જેઓ જિનશાસનનાં પુસ્તકો લખાવે, વ્યાખ્યાન કરાવે, ભણે, ભણાવે, સાંભળે અને રક્ષામાં પ્રયત્નશીલ થાય, તેઓ મનુષ્યલોકના, દેવલોકના તથા નિર્વાણનાં સુખ પામે છે. જે કેવળીભાષિત સિદ્ધાંતને પોતે ભણે, ભણાવે અથવા ભણનારને વસ્ત્ર, ભોજન, પુસ્તક વગેરે આપી સહાય કરે તે આ લોકમાં સર્વજ્ઞ થાય છે. જિનભાષિત આગમની કેવળજ્ઞાન કરતાં પણ વિશિષ્ટતા દેખાય છે કે – અહો કૃતોપયોગ રાખનાર શ્રુતજ્ઞાની સાધુ જો કદાચ અશુદ્ધ વસ્તુ વહોરી લાવે, તો તે વસ્તુ કેવળી ભગવાન પણ વાપરે છે, કારણ કે એમ ન કરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય. સાંભળ્યું છે કે – “દુષમકાળના પ્રભાવથી બાર વર્ષનો દુકાળવગેરે કારણથી આગમશ્રત લગભગ નાશ પામતું જોઇ ભગવાન્ નાગાર્જુન, સ્કંદિલાચાર્ય વગેરે આચાર્યોએ તેને પુસ્તકારૂઢ કર્યું. તેથી શ્રુતજ્ઞાન પ્રતિ બહુમાનભાવવાળાએ શ્રુતજ્ઞાન લખાવવું, તથા રેશમી વસ્ત્રવગેરેથી પૂજા કરવી. સંભળાય છે કે પેથડશાહે સાત જ્ઞાનભંડાર તૈયાર કરાવેલા. તથા શ્રી વસ્તુપાળે અઢાર કરોડ દ્રવ્ય વાપરી ત્રણ જ્ઞાનભંડાર લખાવી તૈયાર કરાવેલા. થરાદના સંઘવી આભુએ ત્રણ કરોડ ટંક ખરચીને બધા આગમની એકેક પ્રત સુવર્ણમય અક્ષરથી અને બધા ગ્રંથોની બીજી એકેક મત શાહીથી લખાવી. દસમું દ્વાર સમાપ્ત. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૨૬૯
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy