SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણમંજરી ! તમારી માતાનું નામ છે કપૂરતિલકા અને તમારા પિતાનું નામ છે સિંહદાસ. સાત કરોડ સોનામહોરની સંપત્તિ છે એમની પાસે. તમે એમના એક માત્ર સંતાન છો પણ કરુણદશા તમારા જીવનમાં એ સર્જાઈ છે કે તમે જન્મથી જ મૂંગા પણ છો અને રોગી પણ છો. - તમારા એ દુર્ભાગ્યની મુક્તિ માટે તમારા પિતાજીએ પ્રયાસો કરવામાં કોઈ જ કચાશ રાખી નથી પણ ઊખર ભૂમિમાં પડતા વરસાદની જેમ, ખલ પુરુષના વચનની જેમ અને શરદઋતુમાં થતી મેઘગર્જનાની જેમ પિતાજીના એ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. તમારા શરીર પર સોળમી વસંત બેઠી છે પણ એક મૂરતિયો તમારા પિતાજી એવો શોધી શક્યા નથી કે જે તમારી સાથે લગ્નના સંબંધો બાંધવા તૈયાર થઈ જાય. એમાં બન્યું છે એવું કે એ જ નગરીમાં પધારેલા ચારજ્ઞાનના ધારક આચાર્ય ભગવંત વિજયસેનસૂરિ મહારાજની દેશના સાંભળવા ગયેલા તમારા પિતાજીએ દેશનાની સમાપ્તિ બાદ આચાર્ય ભગવંત પાસે જિજ્ઞાસા વ્યક્ત કરી છે. હે ભગવંત ! મારી પુત્રીએ એવું તે કયું કર્મ કર્યું છે કે જેના દુમ્રભાવે જન્મથી જ એ મૂંગી હોવા ઉપરાંત વ્યાધિગ્રસ્ત છે?' અને ગુણમંજરી, જે હકીકતની જાણકારી કોઈને ય નહોતી એ હકીકતની જાણકારી આચાર્ય ભગવંતે તમારા પિતાજીની જિજ્ઞાસા શાંત કરવા શ્રોતાઓ સમક્ષ રજૂ કરી દીધી છે. ઘાતકીખંડ. ખેટકપુર નગર. શ્રેષ્ઠી જિનદેવ. એની પત્ની સુંદરી. પુત્રો પાંચ અને પુત્રી ચાર. પાંચેય પુત્રોને શ્રેષ્ઠીએ અભ્યાસાર્થે ઉત્સવપૂર્વક અધ્યાપક પાસે મૂક્યા છે. પરંતુ પાંચેય પુત્રો આળસુ છે, ચપળ છે અને અવિનયી છે. ભણવામાં એમને કોઈ જ રસ નથી. અરસ-પરસ ગપ્પા-સુપ્પા લગાવતા તેઓ સમય પસાર કરી રહ્યા છે. અધ્યાપકને એમ લાગ્યું છે કે શિક્ષા કર્યા વિના આ છોકરાઓ ભણવાના નથી જ. આ ખ્યાલે એમણે છોકરાઓને સોટી વડે ફટકાર્યા છે. છોકરાઓ રોતા રોતા ઘરે આવ્યા છે અને સોટીથી શરીર ઉપર પડેલા ક્ષત એમણે પોતાની માતાને બતાવ્યા છે. “આ શું છે?” | ‘અધ્યાપકે અમને સોટીથી માર્યા છે? ‘તમે એમ કરો. જન્મ, જરા અને મરણ ભણેલા કે અભણ કોઈને ય જ્યારે છોડતા નથી જ ત્યારે તમારે ભણવાની જરૂર જ શી છે? આ જગતમાં બોલબાલા એની જ છે કે જેની પાસે સંપત્તિ છે. પૈસાવાળો ભલે ને મહામૂર્ખ છે, નિર્ધન પંડિત એની પાસેય દૈન્ય વચનો બોલતો હોય છે. જેની પાસે સંપત્તિ છે એ પુરુષ કુલીન છે, પંડિત છે, ગુણજ્ઞ છે, વક્તા છે, શાસ્ત્રનો જાણકાર છે અને તે જ દર્શન કરવા લાયક છે. તાત્પર્ય એ કે જેની પાસે લક્ષ્મી છે તે બધા જ ગુણોનો ભંડાર છે. માટે હે પુત્રો ! મૂર્ખતા જ શ્રેષ્ઠ છે. તેથી હવે તમારે ભણવા જવાનું નથી. તમારો અધ્યાપક તમને કદાચ તેડવા આવે તો તેને દૂરથી જ પથ્થર વડે મારજો' આ પ્રમાણે શિખામણ આપીને પુત્રો પરના રાગથી અને જ્ઞાન પરના દ્વેષથી લેખન, પાટી, પુસ્તક વગેરે બધું જ અગ્નિમાં નાખીને બાળી નાખ્યું છે. ४४
SR No.008908
Book TitleBaap re Baap
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy