SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ બન્યું છે એવું કે એ સમયે પણ પેલા મુનિ ભગવંત ગોચરી વહોરવા તમારે ત્યાં પધાર્યા છે અને એમની નજર તમારી ચેષ્ટા પર પડી છે અને ત્યાંય એ હસી પડ્યા છે. તમે સ્તબ્ધ થઈ ગયા છો. “મુનિનો આ આચાર જ નથી અને છતાં તેઓ જ્યારે હસ્યા જ છે ત્યારે નક્કી એની પાછળ કોક કારણ હોવું જ જોઈએ. હું વહેલી તકે એમની પાસે જઈને એ અંગેનું કારણ જાણી જ લઉં છું' આમ વિચારી જમીને તમે દુકાને આવ્યા છો. એ સમયે કોક કસાઈ એક બોકડાને લઈને જઈ રહ્યો છે અને એ બોકડો અચાનક તમારી દુકાનમાં ચડી ગયો છે. તમે એને દુકાનમાંથી ઉતારી મૂકવામાં સફળ તો થાઓ છો પરંતુ એ ફરી ફરીને દુકાનમાં ઘૂસી રહ્યો છે. કસાઈએ તમારી પાસે બોકડાને રાખી લેવાના પૈસા માગ્યા છે પરંતુ તમે પૈસા આપવાનો ઇનકાર કરીને બોકડાને નીચે ધકેલી દીધો છે. કસાઈ જ્યારે એ બોકડાને ઢસડીને લઈ જઈ રહ્યો છે ત્યારે બોકડાની આંખમાં આંસુ આવી ગયા છે. પેલા મુનિ ભગવંત એ વખતે પણ ત્યાંથી જ પસાર થઈ રહ્યા છે અને બોકડાની આંખમાંથી વહી રહેલા આંસુ જોઈને એ ત્યાં પણ હસી પડ્યા છે. હવે તમારાથી રહેવાયું નથી. તમે સીધા પહોંચ્યા છો પૌષધશાળામાં બિરાજમાન મુનિ ભગવંત પાસે અને પૂછી લીધું છે એમને. “આપ ત્રણ ત્રણ વાર હસ્યા છો મારે ત્યાં બનેલા પ્રસંગોમાં. મારે એનાં કારણો જાણવા છે. મારા જ મહેલમાં બનાવી રહ્યો છું હું ચિત્રો, એ માટે હું ચિત્રકારને સૂચનાઓ આપી રહ્યો હતો ત્યારે આપ હસ્યા છો. કારણ શું છે?' ‘નાગદત્ત, સાતમા દિવસની સાંજે તો તમારું મોત છે. અને તમે મહેલની દીવાલો પર સુંદર ચિત્રો બનાવવાનું આયોજન કરી રહ્યા હતા. હસું નહીં તો બીજું કશું શું?' મુનિ ભગવંતે આપેલા આ જવાબને સાંભળીને તમે થથરી ગયા છો. ‘સાત જ દિવસનું મારું શેષજીવન છે? મરીને મારે જવાનું ક્યાં? મારી સાથે કોણ? આ વિચારે તમારું મુખ પીળું તો પડી ગયું છે છતાં હિંમત કરીને મુનિ ભગવંતને બીજી વખતના હાસ્યનું કારણ પૂછી લીધું છે. ‘શેઠ, ખોળામાં તમે જે પુત્રને રમાડી રહ્યા હતા એ પુત્ર તો તમારી પત્નીના યારનો જીવ છે કે જેનું ખૂન તમે પોતે કર્યું છે. તમારા ગયા પછી એ તમારી પત્નીનું ખૂન કરવાનો છે. આગળ જતાં વ્યસની થવાનો છે અને તમારા આ મહેલને પણ વેચી નાખવાનો છે. તમે એના પેશાબના છાંટાવાળું ભોજન મજેથી આરોગી રહ્યા હતા ! હસું નહીં તો બીજું કશું શું? અને ત્રીજી વખત હસવાનું કારણ પણ તમે જાણી લો. એક વખત તમારી દુકાનમાં માલ લેવા આવેલ ચંડાળને તમારા પિતાએ કપટ કરીને ઓછો માલ આપ્યો હતો. ઘરે ગયા બાદ ચંડાળને એની જાણ થતાં એ પૈસા પાછા લેવા દુકાને આવ્યો હતો પણ તમારા પિતાએ એને પૈસા આપ્યા નહીં અને માયાના સેવને તમારો બાપ મરીને બોકડો થયો કે જે તમારી દુકાનમાં ઘૂસી ગયો હતો. તમે પૈસા આપીને એને બચાવ્યો નહીં અને જાતિસ્મરણ જ્ઞાનને પામેલો એ બોકડો એ હિસાબે રડી રહ્યો હતો. તું જ કહે, આ જોઈને હસવું ન આવે તો બીજું થાય શું?' પ્રભુ, વિષમતા અને વિકૃતિથી ભરેલા આ સંસામાં રાગ કોના પર કરવો એ જ સમજાતું નથી તો દ્વેષ કોના પર કરવો એ ય સમજાતું નથી. “સંસાર અસાર છે” ની તારી વાત હવે સમજાય છે. હીરો જો પથ્થર બની જતો હોય અને પથ્થર જો હીરો બની જતો હોય તો એ હીરા-પથ્થર પર રાગ-દ્વેષ કરવાનો કોઈ અર્થ નથી રહેતો. બાપ બોકડો બની જતો હોય અને દુશ્મન દીકરો બની જતો હોય તો ત્યાંય રાગ-દ્વેષ શું કરવા? ૮૩
SR No.008898
Book TitleAngdi Chindhunu
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy