________________
ઉપોદ્ધાત
(૧) વન ફેમિલી પોતાની ફેમિલીમાં જ ભાંજગડ થાય ? પોતાની ‘વન ફેમિલી’ ! એક કુટુંબ કરીકે ઓળખાવીએ જગતને, તેમાં જ અનેક મતભેદ શાને ? ડખોડખલ શાને ? ‘મારી ફેમિલી’ કહીએ અને એમાં અશાંતિ ? પછી જીવન જીવવાનું કેમનું ગમે ? ફેમિલી લાઈફ તો એવી ઘટે કે જ્યાં પ્રેમ, પ્રેમ ને નર્યો પ્રેમ જ ઉભરાતો હોય ! ફેમિલીમાં તો એડજસ્ટ એવરીવ્હેર હોવું જ જોઈએ.
જીવન જીવવાની કળા કઈ શાળામાં શીખ્યા ? પરણતાં પૂર્વે પતિની ડીગ્રી કોઈ કોલેજમાંથી લીધેલી ? કે એમ ને એમ વગર સર્ટિફિકેટે ધણી થઈ બેઠાં ? પત્ની સાથે, બાળકો સાથે કઈ રીતે વર્તવું તેનું શિક્ષણ લીધેલું ? વાઈફ જોડે કકળાટ કરાય ? જે આપણને સારું સારું પ્રેમથી જમાડે તેની જોડે માથાકૂટ કેમ કરાય ?
આપણા હિન્દુસ્તાનમાં તો ‘ફેમિલી ડૉક્ટર’ રાખે છે ! અલ્યા, ડૉક્ટરને તે વળી ફેમિલીમાં ઘલાતો હશે ? એને ઘરમાં ઘલાય ? અમસ્તુ અમસ્તુ પ્રેશર વધી ગયું ને લોહી ઘટી ગયું, કરીને ગભરાવી મારે. એ તો બધું અટકી પડ્યું ત્યારે એ નિમિત્તની મદદ લેવાય.
પત્ની વઢે ત્યારે થોડીવાર પછી પતિએ કહેવું, તું ગમે તે વઢે, તોય મને તારા વગર ગમતું જ નથી. આટલો ગુરુમંત્ર શીખી લેજે !!
પહેલાં ઘરનો વ્યવહાર ક્લીન (ચોખ્ખો) કરવો, પછી બીજે. ચેરીટી બિગિન્સ ફ્રોમ હોમ. (ઘરથી ધર્માદાની શરૂઆત હોય.)
આટલું સરસ ખાવા-પીવાનું, રહેવા ફરવાનું મળ્યું છે છતાં દુ:ખ કેમ ? ત્યારે કહે કે અણસમજણથી દુ:ખ છે. માટે પહેલી અણસમજણને ભાંગો. ઘરમાં દુઃખ આપીને આપણે સુખી ન થવાય.
સંયુક્ત કુટુંબમાં મારી-તારી ન કરાય. ભેદબુદ્ધિથી મારી-તારી થાય છે. મારું-તારું નહીં, આપણું.
દાદાશ્રી કહે છે કે “અમે તમને બધાને વન ફેમિલી તરીકે જ જોઈએ. કોઈ અવળુંસવળું બોલે તોય જુદું ના લાગે. આખું વર્લ્ડ વન ફેમિલી જેવું જ લાગે.’
ઘરમાં પત્નીથી કે બાળકોથી કંઈ ભૂલ થાય તો મોટું મન કરી પુરુષે નભાવી લેવું. દાદાશ્રી કહે છે, ‘તમે બધા નક્કી કરો કે ઘરમાં વન ફેમિલી તરીકે પ્રેમથી રહેવું છે તો હું તમને આશિર્વાદ આપીશ. તમે નક્કી કરો તો પ્રારબ્ધ તમને મારી કેમ ન આપે ?”
(૨) ઘરમાં ક્લેશ ! જે ઘેર ક્લેશ તે ઘેર ન વસે પ્રભુ. કકળાટ થવા જ ન દેવો ને થાય તો થતાંની સાથે જ શમાવી દેવો. બપોરે કકળાટ થાય ધણી જોડે તો સાંજે સુંદર જમણ બનાવી જમાડી દેવું.
જ્ઞાનીના સત્સમાગમૂ-સત્સંગથી, તેમની આપેલી સમજથી ઘરમાંથી ક્લેશ સદંતર નાબૂત થાય.
ક્લેશ ને કંકાસ બેઉ જવા જોઈએ. પુરુષ ક્લેશ કરે ને સ્ત્રી અને પકડી રાખીને કંકાસ કરે. સ્ત્રીમાં કંકાસ વધારે હોય, મોઢું ચડાવીને ફરે, છોડે નહિ. પુરુષ ક્લેશ ના કરે તો કંકાસ રહે ?
જે ઘેર સ્ત્રીને સુખ મળે તે ઘર ઘર નથી પણ મંદિર કહેવાય. વિચારી વિચારીને ક્લેશને વિદાય કરવો જોઈએ કાયમને માટે !
કાચની ડીશો પડીને તૂટી ગઈ ને ધણીએ કકળાટ શરૂ કર્યો કે ધણીએ “ધણીપણું’ તુર્ત જ ગુમાવ્યું ! બે કોડીના થઈ ગયા કરોડપતિ શેઠ !
પત્નીથી કઢી ઉતારતાં ઢોળાઈ ગઈ તો ધણી બૂમાબૂમ કરી મૂકે ! એ જાણીજોઈને ઢોળે છે ? કોઈ સ્ત્રી જાણીબૂઝીને પોતાનાં ધણીછોકરાંને ખરાબ ના ખવડાવે. આ કોઈ તોડતું નથી, આ તૂટે છે એ તો સહુ સહુનો હિસાબ ચૂકવાય છે. ત્યાં ધણીએ પૂછવું જોઈએ કે ‘તું દાઝી તો નથી ને ?” ત્યારે એને કેવું સારું લાગે !