________________
વ્યાખ્યા સાહિત્ય ઃ– આગમ ગ્રંથોના ભાવોને સ્પષ્ટ કરવા યુગે-યુગે કેટલાક આચાર્ય ભગવંતોએ આગમ સાહિત્ય ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા આદિ વ્યાખ્યાઓની રચના કરી છે. શ્રી જીવાજીવાભિગમ સૂત્રની વ્યાખ્યા રૂપે સહુ પ્રથમ એક ચૂર્ણિની રચના થઈ છે પરંતુ તે અદ્યાપિ અપ્રકાશિત છે. વર્તમાને પ્રસ્તુત આગમના વ્યાખ્યા સાહિત્યમાં આચાર્ય શ્રી મલયગિરિષ્કૃત સંસ્કૃત ટીકા ઉપલબ્ધ છે. તેમાં આચાર્યશ્રીએ અનેક ગ્રંથોના ઉદ્ધરણ પૂર્વક આગમના પદોનું વિવેચન કર્યું છે, જે આગમના ભાવોની સ્પષ્ટતા માટે અત્યંત ઉપયોગી છે.
સંવત ૧૮૮૩માં રાય બહાદુર ધનપતિસિંહે શ્રીમલયગિરિકૃત વ્યાખ્યા સહિત ગુજરાતી વિવેચન સાથે શ્રી જીવાજીવાભિગમ સૂત્રનું પ્રકાશન કરાવ્યું.
આગમોનું પૂર્ણતઃ હિન્દી અનુવાદનું પ્રકાશન સર્વ પ્રથમ આદરણીય આચાર્યશ્રી અમુલખૠષિ દ્વારા થયું. ત્યાર પછી શાસ્ત્રાચાર્ય શ્રી પૂ. ઘાસીલાલજી મ.સા. દ્વારા સ્વરચિત સંસ્કૃત ટીકા સાથે હિન્દી અને ગુજરાતી ભાષામાં ૩૨ આગમોનું પ્રકાશન થયું. આ સિવાય વિશ્વભારતી–લાડનું દ્વારા મૂળપાઠ, વિસ્તૃત વિવેચન અને ટિપ્પણ સહિતના આગમો પ્રકાશિત થઈ રહ્યા છે. શ્રમણ સંઘના યુવાચાર્ય પૂ. શ્રી મધુકરમુનિ મ.સા. ના પ્રધાન સંપાદકપણે અત્યંત સંક્ષિપ્ત નહીં અને અત્યંત વિસ્તૃત પણ નહીં, આવી હિંદી વિવેચન સહ આગમ બત્રીસી શ્રી આગમ પ્રકાશન સમિતિ બ્યાવરથી પ્રકાશિત થયેલ છે. પ્રાણ પરિવારના સાધ્વીજીઓ દ્વારા સંપાદિત સોળ આગમોનું મૂળ પાઠ અને ગુજરાતીમાં ભાવાર્થ રૂપે પ્રકાશન ઘાટકોપર શ્રમણી વિદ્યાપીઠથી થયું છે.
આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિએ બત્રીસ શાસ્ત્રોનું મંથન કરી હિંદી અને ગુજરાતી ભાષામાં સારાંશ પ્રકાશિત કરાવ્યો છે. જે જૈનાગમ નવનીત નામથી પ્રસિદ્ધ છે. શ્રમણ સંઘીય આગમ જ્ઞાતા પં.ર. શ્રી કનૈયાલાલજી મ.સા.એ આગમોનું વિષયવાર વિભાજન કરી ચાર અનુયોગના નામે અનેક ભાગોમાં બત્રીસ સૂત્રોના સંપૂર્ણ મૂળપાઠ અને અર્થને સમાવિષ્ટ કરનારા વિશાળ ગ્રંથો પ્રકાશિત કરાવ્યા છે.
આ રીતે અનેક આગમ રસિકોએ મતિ-શ્રુત જ્ઞાનાવરણીયના અધિકતમ અને શુભ ક્ષયોપશમ દ્વારા સમ્યક્ત્વના આછા ઉજાસમાં, શાસ્ત્રોના સૂક્ષ્મ અને માર્મિક અભ્યાસ સાથે જ્ઞાનસાગરમાંથી અમૂલ્ય રત્નો વીણી વીણીને જગત સમક્ષ ભવ્ય આત્માઓ માટે પ્રગટ કરીને અનોખી શ્રુતસેવા કરેલ છે. એ એમનો પરમ ઉપકાર છે.
62