SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ૪૫૪ શ્રીમદ્ રાજચંદ્ર ૫૭૨ મુંબઈ, ફાગણ વદ ૭, રવિ, ૧૯૫૧ સર્વ વિભાવી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સજ્જપણે આત્મા મજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં, એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે; જે અખંડ સત્ય છે. કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કઠણ છે; માટે જ્ઞાનીપુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. જ્ઞાનીપુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી, જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાનીપુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે. જ્ઞાનીપુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દોષો છે, તે દોષ થવાનાં સાધનથી જેમ બને તેમ દૂર રહેવું, અને પ્રાપ્તસાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાધનોમાંથી અબુદ્ધિ છોડી દઈ, રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. અનાદિ દોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. કેમકે આત્મા તે દોષને છેદવા પોતાની સન્મુખ લાવે છે કે, તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે, અને જાગૃતિમાં શિથિલ કરી નાંખી પોતાને વિષે એકાગ્રબુદ્ધિ કરાવી દે છે. તે એકાગ્રબુદ્ધિ એવા પ્રકારની હોય છે કે, ‘મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાધ નહીં થાય, હું અનુક્રમે તેને છોડીશ; અને કરતાં જાગૃત રહીશ;" એ આદિ ભ્રાંતદશા તે દોષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી, અથવા તે દોષ વધે છે, તેનો લક્ષ તેને આવી શકતો નથી. એ વિરોધી સાધનનો બે પ્રકારથી ત્યાગ થઈ શકે છે: એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ; બીજો પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવું. વિચારથી કરી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પંચવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગ્ય છે, કેમકે તેથી વિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે. તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે, ક્રમે ક્રમે, દેશ દેશે તેનો ત્યાગ કરવો ઘટે; પરિગ્રહ તથા ભોગોપોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે, અને આશ્રયભક્તિ દેઢ થાય; તથા જ્ઞાનીનાં વચનોનું આત્મામાં પરિણામ થઈ તીવ્રજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય. જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય. એ જ વિનંતિ. ܀܀܀܀܀ ૫૭૩ આ સ્વ૰ પ્રણામ. મુંબઈ, ફાગણ વદ ૧૧, શુક્ર, ૧૯૫૧ જન્મ, જરા, મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવો દુર્લભ છે. આ સ્વ૰ પ્રણામ.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy