SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કલ્યાણના કારણ નજીક થવાના ઉપાયની ઇચ્છા કરતા હો તો તેના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરો; અને નહીં તો કલ્યાણની તૃષ્ણાનો ત્યાગ કરો. તમે એમ જાણતા હો કે અમે જેમ વર્તીએ છીએ તેમ કલ્યાણ છે, માત્ર અવ્યવસ્થા થઈ ગઈ છે, તે જ માત્ર અકલ્યાણ છે, એમ જાણતા હો તો તે યથાર્થ નથી. વાસ્તવ્યપણે તમારું જે વર્તવું છે, તેથી કલ્યાણ ન્યારું છે, અને તે તો જ્યારે જ્યારે જે જે જીવને તેવો તેવો ભવસ્થિત્યાદિ સમીપ જોગ હોય ત્યારે ત્યારે તેને તે પ્રાપ્ત થવા યોગ્ય છે. આખા સમુહને વિષે કલ્યાણ માની લેવા યોગ્ય નથી, અને એમ જો કલ્યાણ થતું હોય તો તેનું ફળ સંસારાર્થ છે; કારણ કે પૂર્વે એમ કરી જીવ, સંસારી રહ્યા કર્યો છે. માટે તે વિચાર તો જ્યારે જેને આવવો હશે ત્યારે આવશે. હાલ તમે તમારી રુચિ અનુસાર અથવા તમને જે ભાસે છે તે કલ્યાણ માની પ્રવર્તે છો તે વિષે સહજ, કોઈ જાતના માનની ઇચ્છા વગર, સ્વાર્થની ઇચ્છા વગર, તમારામાં ક્લેશ ઉત્પન્ન કરવાની ઇચ્છા વગર મને જે કંઈ ચિત્તમાં લાગે છે, તે જણાવું છું. કલ્યાણ જે વાટે થાય છે તે વાટનાં મુખ્ય બે કારણ જોવામાં આવે છે. એક તો જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઇચ્છાએ ન હોય, અને નિરંતર જ્ઞાનદશા ઉપર જીવોનું ચિત્ત હોય, તેમાં અવશ્ય કલ્યાણ જન્મવાનો જોગ જાણીએ છીએ. એમ ન હોય તો તે જોગનો સંભવ થતો નથી. અત્ર તો લોકસંજ્ઞાએ, ઓઘસંજ્ઞાએ, માનાર્થે, પૂજાર્થે, પદના મહત્ત્વાર્થે, શ્રાવકાદિનાં પોતાપણાર્થે કે એવાં બીજાં કારણથી જપતપાદિ, વ્યાખ્યાનાદિ કરવાનું પ્રવર્તન થઈ ગયું છે, તે આત્માર્થ કોઈ રીતે નથી, આત્માર્થના પ્રતિબંધરૂપ છે, માટે જો તમે કંઈ ઇચ્છા કરતા હો તો તેનો ઉપાય કરવા માટે બીજું જે કારણ કહીએ છીએ તે અસંગપણાથી સાધ્ય થયે કોઈ દિવસે પણ કલ્યાણ થવા સંભવ છે. અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં, સંસારના સંગીના સંગમાં વાતચીતાદિ પ્રસંગ શિષ્યાદિ કરવાના કારણે રાખવો નહીં, શિષ્યાદિ કરવા સાથે ગૃહવાસી વેષવાળાને ફેરવવા નહીં. દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવાં વાક્ય તીર્થંકરદેવ કહેતા નહોતા. તેનો હેતુ એક એ પણ હતો કે એમ કહેવું એ પણ તેનો અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે; તે કલ્યાણ નથી. જેમાં તીર્થંકરદેવ આવા વિચારથી વર્ચ્યા છે, તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાનો ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ તે માત્ર શિષ્યાર્થ છે, આત્માર્થ નથી. પુસ્તક છે તે જ્ઞાનના આરાધનને અર્થે સર્વ પ્રકારના પોતાના મમત્વભાવ રહિત રખાય તો જ આત્માર્થ છે, નહીં તો મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવા યોગ્ય છે. આ ક્ષેત્ર આપણું છે, અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે તે ક્ષેત્રપ્રતિબંધ છે. તીર્થંકરદેવ તો એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, અને ભાવથી એ ચારે પ્રતિબંધથી જો આત્માર્થ થતો હોય અથવા નિગ્રંથ થવાતું હોય તો તે તીર્થંકરદેવના માર્ગમાં નહીં, પણ સંસારના માર્ગમાં છે. એ આદિ વાત યથાશક્તિ વિચારી આપ જણાવશો. લખવાથી ઘણું લખી શકાય એમ સૂઝે છે, પણ અત્યારે અત્ર સ્થિતિ કરે છે. સારથી લખવી આ જમી શક લિ રાયચંદના પ્રણામ. ૪૩૧ મુંબઈ, ફાગણ સુદ ૭, ગુરુ, ૧૯૪૯ આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપને વિષે કેવળ જાગૃત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થંકરનો આશય છે. ‘આત્મા’ જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થસમ્યક્ત્વ છે, એવો શ્રી તીર્થંકરનો અભિપ્રાય છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy