SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે. ૩૨૨ રવિવાર, ૧૯૪૮ લૌકિકર્દષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિકદૃષ્ટિએ કોણ પ્રવર્તશે ? આત્મા એક છે કે અનેક છે, કર્તા છે કે અકર્તા છે, જગતનો કોઈ કર્તા છે કે જગત સ્વતઃ છે, એ વગેરે ક્રમે કરીને સત્સંગે સમજવા યોગ્ય છે; એમ જાણીને પત્ર વાટે તે વિષે હાલ લખવામાં આવ્યું નથી. સમ્યક્પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે. સંસારસંબંધી તમને જે જે ચિંતા છે, તે ચિંતા પ્રાયે અમને જાણવામાં છે, અને તે વિષે અમુક અમુક તમને વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ. તેમજ પરમાર્થચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ; બેય પ્રકારનો વિકલ્પ હોવાથી તમને આકુળવ્યાકુળપણું પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી, અથવા અસંભવરૂપ લાગતું નથી. હવે એ બેય પ્રકારને માટે ચોખ્ખા શબ્દોમાં નીચે જે કંઈ મનને વિષે છે તે લખવાનું પ્રયત્ન કર્યું છે. સંસારસંબંધી તમને જે ચિંતા છે, તે જેમ ઉદયમાં આવે તેમ વેદી, સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાનીપુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે, જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિયોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતાસંબંધી કે પરસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે; અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. તમારી ચિંતા જાણીએ છીએ, અને અમે તે ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને તેટલો વેદવા ઇચ્છીએ છીએ. પણ એમ તો કોઈ કાળે બન્યું નથી, તે કેમ બને ? અમને પણ ઉદયકાળ એવો વર્તે છે કે હાલ રિદ્ધિયોગ હાથમાં નથી. પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તો રાખીએ અને અમે તો ન રાખીએ તે બન્ને સરખું છે, કેમ કે જેમાં પોતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દૃષ્ટિ સમ્યક્ છે. જે લાગ્યું તે જણાવ્યું છે. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકરદેવ છે. અને એ જે શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દૃઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. વન અને ઘર એ બન્ને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે; સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy