________________
કલશ-૧૧૬
૩૧ અબુદ્ધિપૂર્વક પરિણામ કહેતાં, પાંચ ઇન્દ્રિય અને મનના વ્યાપાર વિના જ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મોહ-રાગ-દ્વેષરૂપ અશુધ્ધ વિભાવ પરિણામરૂપ પોતે સ્વયં જીવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશે પરિણમે છે.” જેમ સ્ફટિકમાં કાળા, રાતા ફૂલ અથવા કલરવાળા કપડાં મૂકવાથી તેની ઝાંય સ્ફટિકમાં દેખાય છે. તેમ ભગવાન આત્મા તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. આઠકર્મ છે તે તો જડ છે. જેવી આ ધૂળ છે તેમ જ્ઞાનાવરણાદિ આઠકર્મ માટી-ધૂળ-જડ અને સ્થળ છે. આ ઝીણાં કર્મનાં રજકણ પણ રૂપી, મૂર્ત, જડ અને અજીવ છે. એ કર્મનાનિમિત્તનાં સંબંધથી એટલે કે એના લક્ષે અહીંયા જેટલા મોહ-રાગ-દ્વેષ થાય તે અશુધ્ધ વિભાવ પરિણામ છે. મોહકર્મના ઉદયથી નહીં, ઉદય નિમિત્ત છે હોં! પોતાની અસાવધાનીથી મો–રાગ-દ્વેષ થાય છે.
“પોતે સ્વયં જીવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશે પરિણમે છે.” એ વળી શું કહ્યું? જીવમાં અસંખ્ય પ્રદેશ છે. જેમ હજાર મકોડાની સોનાની સાંકળી છે ને! મકોડા એ પ્રદેશ અને સાંકળી તે આત્મા ત્યાં હજાર મકોડા છે, અહીંયા આત્માના અસંખ્ય પ્રદેશ છે. એ અસંખ્ય પ્રદેશમાં આત્મા છે. એક પરમાણું જેટલી જગ્યા રોકે તેને પ્રદેશ કહેવાય. સર્વજ્ઞ ભગવાને આત્માને અસંખ્ય પ્રદેશી કહ્યો છે. એ અસંખ્ય પ્રદેશ તે મકોડા અને આત્મા સાંકળી છે. જેમ મકોડામાં સોનું પડયું હોય તેમ એક એક પ્રદેશે અનંતગુણ પડયા હોય છે. આહાહા ! આવી વાત છે. શ્રીમદ્જી કહે છે –
“શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ,
બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.” ભગવાન આત્મા “શુદ્ધ” નામ પવિત્ર અને “બુદ્ધ” એટલે જ્ઞાનનો પિંડ છે. “ચૈતન્યઘન” એટલે અસંખ્ય પ્રદેશ છે. “સ્વયં જ્યોતિ” તેની જ્યોતિ પોતાથી જ છે. એ
જ્યોતિના કર્તા કોઈ ઈશ્વર કે બીજા કોઈ છે નહીં. “સુખધામ” તે અતીન્દ્રિય આનંદનું ધામ છે – સ્થળ છે. જે અતીન્દ્રિય આનંદનું ધામ એટલે સ્થળ છે ત્યાં – એમાંથી અતીન્દ્રિય આનંદ પાકે છે.
અહીંયા કહે છે કે – શુદ્ધ સ્વરૂપ એવો અસંખ્ય પ્રદેશી આત્મા તે જ્યારે પરમાં સાવધાનીથી પરિણમે છે તો મોહ - રાગ – વૈષ એવા અશુધ્ધ પરિણામ થાય છે તે જીવની જાણકારીમાં નથી આવતા. તેનો ઉપયોગ સ્થૂળ હોવાથી આવા પરિણામ ખ્યાલમાં આવતા નથી. જ્ઞાનીને પણ જેટલો વિકાર ખ્યાલમાં આવે છે તેટલાને તે છોડી ધે છે. પરંતુ તેને પણ ખ્યાલમાં ન આવે એવા પરિણામ છે, તે તેની જાણકારીમાં નથી. અંદરના ઘણાં સૂક્ષ્મ પરિણામ છે. એ પરિણામ જીવના સહારાથી થયા નથી. પરનિમિત્તે જેટલો વિકાર ઉત્પન્ન થયો છે તે જીવબદ્ધ ભાવ નથી.
સમ્યગ્દર્શન જ્ઞાનની જે ધર્મની પર્યાય – અવસ્થા તેને જીવનો સહારો છે, તેને જીવનો આશ્રય છે. સાધકને જે પુણ્ય-પાપના ભાવ અબુદ્ધિપૂર્વકના થાય છે તેને જીવનો સહારો નથી.