________________
કલશ-૧૨૪
૧૨૯ ઉત્તર- અંદરમાં પર સન્મુખનો ભાવ એ (આસ્રવ છે.) તેમાં સ્વનો તો આશ્રય થયો નથી. લોકોને તો હજુ પુણ્યના પરિણામમાં આવવાના ઠેકાણાં ન મળે, આખો દિવસ પાપ.. પાપ ને પાપ. આ રળવું, ભોગ-વિષય, આ છોકરાવ-બાયડી (તેનો રાગ) એવા પાપના પરિણામ તે મુખ્ય આસ્રવ છે. એમાંથી છૂટીને... કદાચ દયા-દાન-વ્રત-ભક્તિ-જાત્રા કરવી, શાસ્ત્ર શ્રવણ કરવું, શાસ્ત્ર વાંચન કર્યું એ બધું પુણ્યાસવ છે. સમજમાં આવ્યું? – આવો માર્ગ છે પ્રભુનો !
ભગવાન આત્મા આસ્રવ રહિત છે. કહે છે કે પુણ્ય ને પાપ જીવના ભાવ છે. અત્યારે તો (આ વાત) માં તકરાર છે. વ્રતને આસ્રવ કહ્યું? તત્ત્વાર્થ સૂત્રમાં તેને જીવના પરિણામ કહ્યાં છે ભાઈ ! વ્રત પાળો છો, દયા-દાન-ઉપવાસ એ બધો આસ્રવ છે – અને આ ખરો આસ્રવ છે. રાગાદિના નિમિત્તે નવા કર્મ આવે છે એ તો દ્રવ્ય કર્મ છે. એ દ્રવ્યકર્મને સહારો આ (રાગાદિ) પરિણામનો છે. માટે ખરેખર તો અશુધ્ધ પરિણામ એ જ આસ્રવ છે. ભગવાન આત્મા તો એ આસવથી રહિત છે. લોકોને બિચારાને આકરું લાગે !
જે પુગલની વર્ગણાઓ તે તો અશુધ્ધ પરિણામના સહારાની છે, તેથી તેમની શી વાત?”કર્મ જે આવે છે તે પુણ્ય ને પાપ એવા અશુધ્ધ ભાવના નિમિત્તથી આવે છે. માટે ખરી રીતે તો અશુધ્ધભાવ એ જ આસ્રવ છે. (નવા) કર્મ આવે છે તેની તો શી વાત કરવી ! કેમકે તે તો જડચીજ છે... તેથી તેમની શી વાત?
પરિણામો શુદ્ધ થતાં તે સહજ જ મટે છે.” શુભ કે અશુભ પરિણામથી રહિત ભગવાન ચૈતન્ય શુદ્ધ પવિત્ર પ્રભુ તેનો આશ્રય લીધો તો શુદ્ધ પરિણામ પ્રગટ થયા. શુધ્ધ પરિણામ થયા તો અશુધ્ધ પરિણામ મટી જાય છે. વ્રત-તપ-ભક્તિ-ઉપવાસ-જાત્રાના એ પરિણામ તો અશુધ્ધ છે – આસવ છે.. અને લોકો તેને ધર્મ માને છે! એ અશુધ્ધ પરિણામ.. શુદ્ધ પરિણામ થતાં સહજ જ મટે છે. શું કહે છે? શુદ્ધ ચૈતન્યનું અવલંબન લઈને શુદ્ધ પરિણામ થયા તો અશુધ્ધ પરિણામ ઉત્પન્ન જ થતા નથી. તે તો સહજ જ મટી જાય છે.
“વળી કેવું છે શુદ્ધ જ્ઞાન?” પુણ્ય-પાપના આશ્રયથી રહિત આત્મા પ્રગટ થયો. અંતર ભાવશ્રુતજ્ઞાન દ્વારા શુદ્ધ ચૈતન્યનું અવલંબન લીધું. હવે કહે છે કે – કેવું જ્ઞાન પ્રગટ થયું?
સર્વમાવાન સ્તવયન” જેટલી શેય વસ્તુ અતીત-અનાગત-વર્તમાન પર્યાય સહિત છે તેમને પોતામાં પ્રતિબિંબિત કરતું થયું.” જગતમાં જાણવા લાયક જેટલી ચીજ છે – અનંતા દ્રવ્યો, અનંતા ગુણો અને અનંતી પર્યાયો તેમને પોતામાં પ્રતિબિંબિત કરે છે. પ્રત્યેક પદાર્થ અર્થાત્ આત્મા, પરમાણું, ધર્માસ્તિકાય આદિ છએ દ્રવ્યોમાં દરેક ચીજ પોતાની પર્યાય સહિત બિરાજમાન છે. દરેક પદાર્થ પોતાની પર્યાય સહિત છે તેને (બીજા) કોઈની સાથે સંબંધ છે નહીં. આહાહા ! દરેક પદાર્થ પર્યાય સહિત જ છે. તેનો અર્થ શું? આ આત્માને, બીજા આત્માઓ અને અનંત પરમાણું (સાથે સંબંધ નથી). દરેક પદાર્થ પોતાની પર્યાય સહિત છે.