________________
નવી આવૃત્તિની પ્રસ્તાવના સાધક સહચરીની આમ તો કુલ્લે ત્રણ ચાર આવૃત્તિઓ બહાર પડી ગઈ, પણ મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર તરફથી આ બીજી આવૃત્તિ બહાર પડે છે. પચીસ છવ્વીસ વર્ષ પહેલાં આ પુસ્તક પ્રથમ આવૃત્તિમાં પ્રગટ થયું. તે વખત કરતાં આજનો સમય આધ્યાત્મિકતાની પ્રીતિમાં અને પ્રમાણિક વ્યવહારની રીતિમાં વધુ કપરો લાગે છે. બીજી બાજુ આ દિશામાં દુનિયાની માનવજાતની એવી પ્રીતિ અને એવી રીતિ માટે ભૂખ ઘણી ઊઘડી છે, તેમ જોતાં આવા સાહિત્યની જરૂરિયાત બહુ મોડી ઊભી થઈ છે. ગાંધીજીના ગુજરાતની જવાબદારી આજના માનવજગતમાં સૌથી વધુ હોઈ આવા સાહિત્ય દ્વારા ગુજરાતની પ્રજાને આ દિશામાં એકચિત્ત કરવી અનુકૂળ થઈ પડશે.
સાધક સહચરી” એ આમ તો ભગવાન મહાવીરના જમાનામાં જે આગમો રચાયાં અને સંશોધાઈને ટકી રહ્યાં તેમાંની થોડી વાનગીરૂપ છે. પરંતુ મૂળે તે અર્ધમાગધી ભાષામાં છે. કારણ કે તે જમાનામાં તે ભાષા લોકભાષા હતી. તેમાંનું તત્ત્વ લઈને મેં ગુજરાત પ્રાંતની લોકભાષામાં કાવ્યરૂપે રચી એનો અનુવાદ પણ એ વાણીમાં આપ્યો છે. સત્ય, અહિંસા કે જે સર્વધર્મોનો સાર છે અને જેના સામુદાયિક આચરણ થકી વિશ્વશાંતિ લાવી શકાય તેમ છે, તેને લગતી સામગ્રી આ પુસ્તકમાંનાં સૂત્રાત્મક વાક્યોમાંથી ઠીક ઠીક સાંપડી રહેશે. મને આશા છે ગુજરાતની પ્રજા એને એ રીતે અપનાવી લેશે.
તાજેતરમાં ગુજરાતને મુંબઈ સહિતના મહારાષ્ટ્ર પ્રાંતના વહીવટમાંથી રાજયરચનાની દૃષ્ટિએ અલગ પડવાનું થયું છે, પણ તે પોતાની મહાન સાંસ્કૃતિક મૂડી દ્વારા માત્ર મહારાષ્ટ્ર