________________
કહાન રત્ન સરિતા
૧૧
તત્ત્વ છે અને અંતર્મુખ થતાં એની સિદ્ધિ, પ્રાપ્તિ, અનુભવ થાય છે. આવી વાત જે શાસ્ત્રઅભ્યાસમાં આવે, એવા અભ્યાસને શલ્ય કહે છે તો આ કહેવા શું માગે છે ? આટલું વિચારવા યોગ્ય છે કે, એવો વિચાર પણ અથવા શાસ્ત્રોનો અભ્યાસ પણ પર સન્મુખ જ્ઞાનમાં શાસ્ત્રને અવલંબીને થાય છે.
ગુરુદેવશ્રી પ્રવચન આપતાં, ચર્ચા કરતાં, સમજાવતાં ત્યારે અનેક મુમુક્ષુઓ એવી રીતે પૂછતાં કે, સાહેબ ! હજી સ્પષ્ટ કરો ! દૃષ્ટાંત આપીને સ્પષ્ટ કરો, ન્યાય-યુક્તિથી સ્પષ્ટ કરો, હજી સ્પષ્ટ કરો, હજી ચોખ્ખું કરો, ઘણી સ્પષ્ટતા આવે છતાં એવી માગણી થતી હતી. ચર્ચાઓ ચાલતી હતી ત્યારે એક વિચાર આવતો હતો કે, આ જે સ્પષ્ટ કરવામાં પૂછનારનો જે ભાવ છે તે વખતે એ મનથી વિચારીને વિષયને સ્પષ્ટ કરવા માગે છે. શું છે એની અંદર ! કે, મન દ્વારા એને જાણવું છે કે, આ આત્મા કેવો છે ? અને એનો અનુભવ કેમ થાય ? વિષય તો ૫રમાર્થનો ચાલતો હતો - કોઈ આડા-અવળા વિષયમાં વાત નહિ, છતાં વધારે સ્પષ્ટ કરવા માટે એ મન આશ્રિત જે ઉપયોગ છે એને લંબાવા માગે છે અને એવા સ્પષ્ટીકરણ દ્વારા કાંઈક મળશે, કાંઈક પ્રાપ્ત થશે, કાંઈક મળશે, એવો જે અભિપ્રાય છે - એ અભિપ્રાયને અહીંયા શલ્ય કહેવામાં આવે છે.
(અહીંયા) કહે છે કે, તું બહિર્દિશામાં - બાહ્યદિશામાં - બહિર્મુખ પરિણામમાં (શાસ્ત્રઅભ્યાસ કરે) (એ) જ્ઞાનનું પરિણામ બહિર્મુખ હોય (તો તેનાથી આત્મપ્રાપ્તિ નથી). રાગ તો એકાંતે બહિર્મુખ પરિણામ છે જ (એમાં તો આત્મપ્રાપ્તિનો) પ્રશ્ન નથી. (કારણકે) રાગ કદી અંતર્મુખ પરિણામે હોતો નથી કે ઉત્પન્ન થઈ શકતો નથી. પણ જ્ઞાનના બે પ્રકાર છે. એક બહિર્મુખજ્ઞાન ને એક અંતર્મુખજ્ઞાન. બંનેને જ્ઞાન જ કહેવામાં આવે છે. જ્ઞાન છે, જ્ઞાનનો પર્યાય છે એમાં શાસ્ત્રાભ્યાસ છે એ બહિર્મુખ જ્ઞાનનો પર્યાય છે અને અંતર અનુભવ છે એ જ્ઞાનનો સ્વસંવેદનરૂપ અંતર્મુખી પર્યાય છે. એ જ્ઞાનમાં આવા બે પ્રકાર પડે છે. એમાં અહીંયા બહિર્મુખતાનો નિષેધ છે. શાસ્ત્ર અભ્યાસના બહાને પણ જો બહિર્મુખપણું અનુમોદન ક૨વામાં આવે તો એમાં જીવ બહારની દિશામાં વિશેષ પ્રગતિ કરવા માગે છે. લંબાવી-લંબાવીને, પૂછીપૂછીને, સમજી-સમજીને, જાણી-જાણીને, સ્પષ્ટતા માગીને ક્યાં જવા માગે છે ? કે, જો બહાર જવા માગે છે તો કહે છે કે, એ એક શલ્ય ઉત્પન્ન થશે.