________________
૪૦૦ : સ્વાધ્યાય સંચય
ખોલો ખોલો (૨) ખોલો દયામય! મંગલ મંદિર ખોલો. ટેક , જીવનવન અતિ વેગે વટાવ્યું (૨) દ્વારે ઊભો શિશુ ભોળો. દયા ૦ તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો (૨) શિશુને ઉરમાં લ્યો લ્યો. દયા નામ મધુર તવ રટયો નિરંતર (૨) શિશુસહ પ્રેમે બોલો. દયા ૦ દિવ્ય તૃષાતુર આવ્યો બાલક (૨) પ્રેમે અમીરસ ઢોળો. દયા ૦
–પ્રભો! અન્તર્યામી! જીવન જીવના દીનશરણા, પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા; પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના, નમું છું વંદુ છું વિમલ પ્રભુ સ્વામી જગતના. ૧ –સહુ અદ્ભુતોમાં, તુજ સ્વરૂપ અદ્ભુત નીરખું, મહાજ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું; વસે બ્રહ્માણ્ડોમાં, અમ ઉર વિષે વાત વસતો, તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો. ૨ –અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા; મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો, તુજ દરસના દાન દઈ જા. ૩ -પિતા પેલો આઘે, જગત વીંટતો સાગર રહે, અને વેગે પાણી, સકળ નદીનાં તે ગમ વહે; વહો એવી નિત્યે, મુજ જીવનની સર્વ ઝરણી, દયાના પુણ્યોના, તુજ પ્રભુ મહાસાગર ભણી. ૪